તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર્જ સંભાળ્યો:જૂનાગઢના કલેકટર તરીકે રચીત રાજે પદભાર સંભાળ્યો, જિલ્લાને ટુરિઝમ હબ બનાવવાની વાત કરી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના નવનિયુક્ત કલેકટર રચીત રાજ - Divya Bhaskar
જૂનાગઢના નવનિયુક્ત કલેકટર રચીત રાજ
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેર પર નિયંત્રણ રાખવાની પ્રથમ પ્રાથમિકતા-કલેકટર
  • પ્રથમ મીટીંગમાં ગેરહાજર રહેનાર અધિકારીઓેને નોટિસ આપવા કલેક્ટરએ સૂચના આપી

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સનદી અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર તરીકે રચીત રાજની નિમણુંક કરી છે. 30 વર્ષીય રચીત રાજે ગઇકાલે જૂનાગઢના 43 માં કલેકટર તરીકેનો પદભાર સંભાળતાની સાથે જણાવેલ કે, જૂનાગઢ જિલ્લામાં કોવિડ વેક્સીન અને સંભવિત ત્રીજા વેવનો મુખ્ય એજન્ડા રહેશે. જિલ્લાને કોરોનામૂકત રાખવા તમામ પ્રયાસો કરાશે.

જિલ્લામાં મહેસૂલ લગત કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણીને અગ્રતા અપાશે. જૂનાગઢના ઐતિહાસિક સ્થળો ગિરનાર, સાસણ, ઉપરકોટ વગેરેને પ્રોજેકટ કરાશે. વિશ્વના પ્રવાસનના નકશામાં જૂનાગઢ જિલ્લાને હોટ ફેવરીટ બને તેવા પ્રયાસો રહેશે. કલેકટરનો ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે મહેસુલ અને જીલ્‍લા પંચાયતના અઘિકારીઅો સાથે બેઠક યોજી હતી.

4553 ચોરસ કિલોમીટર વિસ્તાર 419 ગામો અને 15 લાખથી વધુ વસ્તી ધરાવતા જૂનાગઢ જિલ્લાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચાવવા ઉપરાંત કોરોના મૂકત બનાવવો છે. જેના માટે સમગ્ર જિલ્લામાં વેક્સિનને પ્રાથમિકતા અપાશે. 18 થી વધુ વર્ષના તમામ લોકોને 100 ટકા કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષયાંક હોવાનું નવનિયુક્ત જિલ્લા કલેક્ટર રચીત રાજે જિલ્લાના મહેસુલ અને પંચાયતના શાખા અધિકારીઓ સાથેની પ્રથમ બેઠકમાં જણાવેલ હતુ.

આ તકે તેમણે જિલ્લાના તમામ અધિકારીઓને ટીમ સ્પિરીટ સાથે ટીમ વર્કથી કાર્ય કરવા નો-પેન્ડીગ વર્ક સાથે જે કામ કરશે તેનું કામગરીનું પરીણામ મળવું જોઇએ. પરીણામલક્ષી કામગીરી સાથે તેમણે લોકોને ઉપયોગી થવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કામગીરીમાં ઢીલાશ કે બેદરકારી ચલાવાશે નહીં.

અધિકારીઓ સાથે કરેલ બેઠકની તસ્વીર
અધિકારીઓ સાથે કરેલ બેઠકની તસ્વીર

પ્રથમ બેઠકમાં જ ગેરહાજર રહેનાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને નોટીસ આપવા કલેકટર રચીત રાજે સૂચના આપતા કહેલ કે, મીટીંગમાં મોડા આવનાર કે ગેર હાજર રહેનાર દંડાશે. તેમણે પ્રથમ મીટીંગમાં જ તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી મુખ્યમંત્રી ડેશ બોર્ડની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી.

જૂનાગઢ જિલ્લામાં ટુરીઝમની વિપુલ સંભાવના છે, અહીં ગીરનાર, સાસણ ગીર, સમુદ્વ, ગીરનું જંગલ ઐતિહાસિક સાંસ્કૃતિ વારસો સહિતની વિવિધતા છે. જેને જગત સમક્ષ આગવી રીતે મુકવાનું છે. ખુશ્બુ ગુજરાત કી તો ખુશ્બ જૂનાગઢ કી જૂનાગઢ પધારો સહિતની થીમ ડેવલપ કરી જૂનાગઢને વિશ્વના પ્રવાસન નકશામાં મુકવાની કલેક્ટર રચીત રાજએ નેમ વ્યક્ત કરી હતી.

કલેક્ટર કચેરી મળેલ બેઠકની કાર્યવાહીનું સંચાલન અધિક નિવાસી કલેક્ટર ડી.કે.બારીયાએ કરેલ જયારે બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા, ખેતીવાડી અધિકારી દિપક રાઠોડ, નાયબ પશુપાલન નિયામક દિલીપ પાનેરા સહિત મહેસુલ અને જિલ્લા પંચાયતના અધિકારીઓ હાજર રહયા હતા.

નવનિયુકત કલેકટરનો પરિચયજૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ રચિત રાજે વેલોરમાં બાયો-ટેકનોલોજીમાં બી.ટેક કર્યુ છે. તેઓ ટેકનોસેવી છે. દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષા તેમણે વર્ષ 2014 માં પ્રથમ પ્રયત્નમાં ઓલ ઇન્ડિયામાં ત્રીજા રેન્ક સાથે પાસ કરેલ છે. તેમણે યુપીએસસીની લેખિત પરીક્ષામાં સૌથી વધુ માર્કસ સ્કોર કર્યા હતા અને તેઓ એકમાત્ર ઉમેદવાર હતા જેઓ ઇન્ટરવ્યુ વગર પસંદગી પામ્યા હતા.

આ ઉપરાંત વર્ષ 2014 માં એમઆઇટી સ્કુલ ઓફ પુણે દ્વારા, વર્ષ 2015 માં વીઆઇટી યુનિવર્સિટી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રચીત રાજે એમ.બી.એ.ના અભ્યાસ માટે મળેલ 17 લાખ રૂપિયાની સ્કોલરશીપ સનદી અધિકારી બની દેશની સેવા કરવા માટે છોડી દીધી હતી. વર્ષ 2014 માં તેમણે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને પૂર્વ સીએમ અર્જુન મુંડા દ્વારા સન્માનિત કરાયા હતા. તેઓ વિઝનરી, સફળ યુથ આઇકોન, પબ્લીક સ્પીકર અને લેખક છે. તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પણ સન્માનિત કરાયા હતા.

કલેક્ટર રચિત રાજે અગાઉ આસીસટન્ટ કલેકટર સાવલી, જિલ્લા વિકાસ અધિકારી તરીકે છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરી છે. ડાયનેમીક વ્યકિત્વ ધરાવતા કલેકટર રાજે જૂનાગઢ જિલ્લાના વિકાસ માટે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...