• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Questions Of BJP Corporators Against BJP Rule, Broken Roads, High And Low Gutter Covers, Mixing Of Gutter Water With Drinking Water, Wastage Of Water Were Raised.

જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળ્યું:ભાજપના જ શાસન સામે ભાજપી કોર્પોરેટરોના સવાલ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષે રખડતા ભટકતા પશુ, કુતરાનો આતંક, ઉંચા ભાવે ખરીદી, જોષીપરાની દુકાન, ઓવર બ્રિજ મામલે રજૂઆત કરી
  • , તુટેલા રસ્તા, ગટરના ઉંચા-નીચા ઢાંકણા, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવું ,પાણીનો વેડફાટ સહિતના મુદ્દા ઉછળ્યા

ગુરૂવારે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડમાં ભાજપના શાસન સામે ભાજપના જ 5 કોર્પોરેટરોએ સવાલ કર્યા હતા. ખાસ કરીને નવા બનેલા રસ્તા તુટી જવા,ગટરના ઢાંકણા ઉંચા, નીચા રહી જવા, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવું, પાણીનો થતો વેડફાટ સહિતના મુદ્દે રોષભેર રજૂઆત કરાઇ હતી. જ્યારે વિપક્ષે પણ રખડતા ભટકતા કુતરા, પશુઓનો આતંક, વોકળા પર થયેલ પેશકદમી, જોષીપરાની દુકાનનો લટકતો પ્રશ્ન, ઓવરબ્રિઝ, નરસિંહ મહેતા સરોવર તેમજ મનપામાં અનેક મટિરીયલ્સની(જીઇએમ) જેમના નામે ઉંચા ભાવે થતી ખરીદી મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. દરમિયાન બોર્ડમાં ચિફ ફાયર ઓફિસરની ભરતી અંગેના નિયમોની દરખાસ્તને બહુમતિથી મંજૂર કરાઇ હતી. જ્યારે જૈવિક વિવિધતા સરંક્ષણ કમિટીની વરણીને પણ બહુમતિથી મંજૂર કરાઇ હતી. જ્યારે સોનાપુરી સ્મશાન પાસે સ્થાપિત કરાયેલ ભગવાન પરશુરામની મૂર્તિને પણ બોર્ડે સર્વાનુમતે મંજૂરી આપી હતી.

ચેકીંગ કર્યું તો રસ્તા કેમ તૂટી ગયા ?
શહેરના નવા બનેલા રસ્તા માત્ર 4 મહિનામાં તૂટી ગયા! રસ્તાનું સરપ્રાઇઝ ચેકીંગ કરાયું હોવાના જે તે સમયે ફોટા આવ્યા હતા. ચેકીંગ કરાયું હતું તો રસ્તા કેમ તૂટી ગયા ? દર વર્ષે રોડ તૂટવાની પરંપરા ક્યારે અટકશે? આતો પ્રજા સારી છે કે, કોર્પોરેટરને મારતી નથી. વરસાદના કારણે રોડ તૂટવાનો બચાવ થાય છે તો વરસાદ માત્ર જૂનાગઢ શહેરમાં જ પડ્યો કે બહાર પણ પડ્યો ?તો ત્યાં કેમ રસ્તા તૂટતા નથી? ક્વોલીટી કન્ટ્રોલની જવાબદારી કોની? બોર્ડ પગલાં નહિ લે તો પ્રજા રોડ પર આવશે. જવાબદારો સામે ફોજદારી પગલાં લો. > લલીત સુવાગીયા, બીજેપી કોર્પોરેટર, વોર્ડ નંબર 2.

ઓવરબ્રિજની તારીખ આપો
શહેરમાં ઓવર બ્રિઝ બનાવવાની લાંબા સમયથી વાતો થઇ રહી છે, અનેક વખત પ્રેઝન્ટેશન થયા છે, હજુ કોઇ કામગીરી થઇ નથી. ત્યારે આ ઓવરબ્રિઝની કામગીરી ક્યારે શરૂ થશે? તેની તારીખ આપો.
> લલીત પણસારા, કોંગી કોર્પોરેટર, વોર્ડ નંબર 6.

વોકળા પરના 15 ગેરકાયદે બાંધકામ હટાવો
ટ્રાફિકના અડચણના નામે ગરીબ રેંકડી ધારકોને હટાવાઇ રહ્યા છે. વોકળા પરની બિલ્ડીંગો નથી દેખાતી અને માત્ર રેંકડીજ દેખાઇ છે ? પહેલા 15 વોકળા પર ખડકાયેલા ગેરકાયદેસર બિલ્ડીંગો હટાવો પછી રેંકડી વાળાને હટાવો. > અદ્રેમાન પંજા, વિપક્ષી નેતા.

ગટરના ઉંચા, નીચા ઢાંકણા સાથે ભટકાતા કોઇ મરી જશે
ગટરોની ચેમ્બર ક્યાંક રોડથી ઉંચી છે તો ક્યાંક નીચી છે. ત્યારે એન્જીનિયરો કે કોન્ટ્રાકટરોને ખબર નથી પડતી? ગટરના સાથે ભટકાઇને કોઇ એકસીડેન્ટમાં મરી જશે તો જવાબદારી કોની રહેશે? > એભા કટારા, બીજેપી કોર્પોરેટર, વોર્ડ નંબર 9.

રોડમાં પાકી મેટલના બદલે ધૂળ નાંખી દીધી !
વોર્ડ નંબર 15માં રોડના કામમાં લેવલીંગ કે મેટલીંગ કરાયું નથી. પાકું મેટલીંગ કરવાના બદલે માત્ર ધૂળ નાંખી દીધી છે! પરિણામે ખાડા બની જાય છે. ત્યારે આ મામલે તપાસ કરી યોગ્ય કરવામાં આવે. > જીવાભાઇ સોલંકી, બીજેપી કોર્પોરેટર, વોર્ડ નંબર 15.

એકાંતરા પાણી નહિ મળેતો પૈસા નહિ ભરીશું, આંદોલન કરીશું
જૂનાગઢમાં એકાંતરા પાણી મળે છે. અમારા વિસ્તારમાં 5 દિવસે પાણી મળે છે. 4 વર્ષથી ફરિયાદ છે. જો એકાંતરા પાણી નહિ મળે તો જનતા પૈસા નહિ ભરે અને આંદોલન કરશે. ચોખ્ખું પાણી પણ મળતું નથી.પીવાના પાણીમાં ગરટનું પાણી ભળે છે. કોઇ કાર્યવાહી થતી નથી. > હરેશ પણસારા, બીજેપી કોર્પોરેટર, વોર્ડ નંબર 4.

અન્ય સમાચારો પણ છે...