ટેકાને નબળો પ્રતિસાદ:ટેકાના ભાવે 6.34 કરોડ, યાર્ડમાં 7.50 કરોડની મગફળી ખરીદાઇ

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી હતી, ટેકા કરતા યાર્ડમાં ખુલ્લી બજારમાં વધુ મગફળી વેંચાઇ
  • અનેક પ્રકારની​​​​​​​ મુશ્કેલી તેમજ ટેકા કરતા વધુ ભાવ મળતા ખેડૂતો યાર્ડમાં મગફળી વેંચવાનું વધુ પસંદ કરે છે

સરકાર દ્વારા લાભ પાંચમના દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે.જોકે, ટેકાને ખેડૂતોમાંથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતો ટેકાના ભાવ કરતા ખુલ્લી બજાર(યાર્ડ)માં મગફળી વેંચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં કુલ 9 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી હાથ ધરાઇ રહી છે. દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી એન. ડી. ગોવાણીએ જણાવ્યું હતું કે, 9 નવેમ્બર- લાભ પાંચમથી લઇને 18 નવેમ્બર સુધીના 10 દિવસમાં ટેકાના ભાવે 6.34 કરોડની મગફળી ખરીદાઇ છે. જ્યારે યાર્ડના સેક્રેટરી પી.એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, આ સમય ગાળામાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 7.50 કરોડની મગફળી વેંચાઇ છે.

લાભ પાંચમથી માર્કેટિંગ યાર્ડની કામગીરી શરૂ થઇ છે સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ શરૂ કરાઇ છે. ત્યારે યાર્ડમાં લાભ પાંચમથી લઇને 18 નવેમ્બરના 10 દિવસમાં કુલ 50,000 ગુણી મગફળીની આવક થઇ છે. એક ગુણીમાં 30 કિલો મગફળી હોય છે. ગુણીનો ભાવ 1,500 ગણતા અંદાજે 7,50,00,000થી વધુની મગફળીની આવક થઇ છે.

યાર્ડમાં દિવાળી પહેલા પણ 30 કરોડથી વધુની મગફળીની આવક
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં દિવાળી વેકેશન પૂર્વે એટલે કે 19 ઓકટોબર સુધીમાં જ 30,00,00,000થી વધુની મગફળીની આવક થઇ હતી. જ્યારે 1 નવેમ્બરે દિવાળી વેકેશન પડ્યું હતું. આમ, 19 ઓકટોબરથી 31 ઓકટોબર સુધીમાં પણ મગફળીની વિપુલ માત્રામાં આવક જારી રહી હતી.

કુલ 8,460ને એસએમએસ, 579 ની ખરીદી
જૂનાગઢ જિલ્લામાં કુલ 33,043 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા 8,460 ખેડૂતોને એસએમએસ કરી જાણ કરાઇ હતી. જોકે, માત્ર 671 ખેડૂતો જ આવ્યા હતા જેમાંથી 80 ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા 579 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઇ છે.

90 દિવસ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે
લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. આ ખરીદી 90 દિવસ સુધી ચાલશે. એટલે કે,3 મહિના સુધી ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ચાલશે.

આટલા સેન્ટર પરથી ખરીદી કરવામાં આવી રહી છે
જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ, મેંદરડા, માંગરોળ, માણાવદર, માળીયા હાટીના, કેશોદ, વંથલી, ભેંસાણ અને વિસાવદર એમ કુલ 9 સેન્ટર પરથી ટેકાના ભાવે મગફળી ખરીદાઇ રહી છે.

અનેક પ્રકારની મુશ્કેલીઓ છે
ટેકાના ભાવે મગફળી વેંચવામાં ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલી પડી રહી છે. વળી, માલ રિજેક્ટ થાય તો ડબલ ભાડું ચડી જાય છે. જ્યારે વેંચાણ થયા પછી સરકાર ખાતામાં નાણાં જમા કરે ત્યારે મળે. જ્યારે યાર્ડમાં વેંચાણની પ્રક્રિયા સરળ છે, બહુ કાગળોની જરૂરિયાત રહેતી નથી તેમજ સારી ક્વોલીટીની મગફળીમાં ભાવ પણ વધુ મળી રહે છે. પરિણામે ટેકા કરતા ખુલ્લા બજારમાં ખેડૂતો વધુ મગફળી વેંચી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢમાં તો શહેરથી 10 કિમી દુર ખરીદી સેન્ટર રાખવામાં આવ્યું હોય તેના કારણે પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી હોય ટેકાના બદલે યાર્ડમાં મગફળી વેંચી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...