ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર પંથકના ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી. માલજીંજવા ગીર ગામની એકતા ફળ- શાકભાજી સહકારી મંડળી મારફતે સરકારે શરૂ કરેલી ચણાની ખરીદીની પારદર્શકતા પૂર્વક કામગીરી સંપન્ન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. આ સંસ્થાના પ્રમુખ રાજા વાઢેરે આપેલી વિગત પ્રમાણે તાલાલા પંથકના ચણાના ઉત્પાદક કુલ 2976 ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ચણા આપવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
તાલાલા માર્કેટીંગ યાર્ડના સંપૂર્ણ સહયોગ સાથે તા.1 માર્ચ થી 30 એપ્રિલ દરમિયાન 60 દિવસ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન 2663 ખેડૂતો પાસેથી 50 કિલોના કુલ 93,226 કટ્ટા ચણાની ખરીદી કરવામાં આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 24 કરોડ 50 લાખ થાય છે.
તાલાલા ગીર પંથકના ચણાના ઉત્પાદક ખેડૂતો પૈકી દરેક ખેડૂતના ખાતા દીઠ 2500 કિલોની નિયત મર્યાદામાં ચણાની ખરીદી કરવામાં આવી હતી. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં બે માસ જેટલા સમય સુધી ચાલેલી સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી દરમિયાન એક પણ ખેડૂતને અન્યાય થાય નહીં અને ખરીદી સંપૂર્ણ પારદર્શકતા પૂર્વક થાય માટે સંસ્થા દ્વારા ખેડૂત લક્ષી કરેલી કાર્યવાહીથી ગીર પંથકના ચણાના ઉત્પાદક ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.