નિર્ણય:જૂનાગઢ શહેરમાં પાર્કિંગ બાયલોઝ અને પાર્કિંગ પોલીસીની જોગવાઈ મંજૂર કરાઈ

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોપર્ટી ટેકસમાં રાહત આપવાનો મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો
  • મૃત પશુઓ માટે ભઠ્ઠી બનાવવા સહિતના અનેક કામોના ખર્ચ મંજૂર કરવા પણ નિર્ણયો લેવાયા

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં 13 કરોડની રકમના વિવિધ કામોને મંજૂરી તેમજ શહેરમાં પાર્કિંગ બાયલોઝ અને પાર્કિંગ પોલીસીની જોગવાઈ મંજૂર કરવામાં આવી હતી. જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વોર્ડ નંબર 12 માં દિપાંજલી એક તથા બે માં જુદી જુદી શેરીઓમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે રૂ.45.73 લાખની રકમ મંજૂર કરવામાં આવી હતી. આ સાથે શહેરમાં આવેલા જાહેર ઉદ્યાનો બગીચાઓ વાહનોના પાર્કિંગની જાહેર સગવડતાના સ્થળો તથા કોર્પોરેશન વિસ્તારમાં સૂચિત પાર્કિંગ પોલીસીનો મ્યુનિસિપલ કમિશનર તરફ્થી રજૂ કરવામાં આવેલી જોગવાઇઓ અને ટ્રાફિકની સમસ્યા નિવારણ માટેની જોગવાઈની પોલીસીને મંજૂર કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રમાં રાહતરૂપ થવાના ભાગરૂપે પ્રોપર્ટી ટેકસમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્કઝ વોટરપાર્ક સિનેમા, મલ્ટિપ્લેક્સ, જિમ્નેશિયમ તમામને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનના ભાગરૂપે પ્રચાર-પ્રસાર માટે શહેરના મુખ્ય વિસ્તારોમાં ચાર સ્થળ ઉપર રૂ.52.67 લાખના ટેન્ડરના નિયમો અને શરતો મંજૂર કરવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં મૃતપાઈ બનતા અબોલા જીવોના મૃતદેહની નિકાલ વ્યવસ્થા માટે ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે મૃત પ્રાણીઓના મૃતદેહની અંત્યેષ્ઠી માટે ભઠ્ઠી ફીટ કરવા રૂ.86 લાખના ખર્ચે કામગીરી કરવા મંજૂરી આપવામાં આવી છે. તેમજ મહાનગર પાલિકા હદ વિસ્તારમાં આકારણી માટે બાકી રહેતા તમામ કાચા મકાનોમાં વેરો લાગુ કરવા માટે આયોજન કરવાનું નકકી કરવામાં આવેલ હતુ.

અન્ય સમાચારો પણ છે...