આપણી અસ્મિતા:સંસ્કૃતિ રક્ષક - પોષક, જૂનાગઢનું શ્રી સ્વામીનારાયણમુખ્ય મંદિર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1944 નો ધર્મોત્સવ સંતોની એકતાનું પ્રતિક બની ગયો હતો

સહજાનંદ સ્વામીની કૃપાપાત્ર ભૂમિ એવા સોરઠમાં અનેક ઐતિહાસિક શ્રીસ્વામીનારાયણ મંદિરો આવેલા છે. તેમાંનું એક મંદિર એટલે શ્રીરાધારમણદેવ મંદિર જૂનાગઢ. ભગવાન શ્રીસહજાનંદ સ્વામી દ્વારા ભારતમાં માત્ર એક જ જગ્યા પર સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા થઇ છે તેવું આ ભવ્ય મંદિર શ્રીસહાનંદ સ્વામીના પવિત્ર હસ્તે પ્રતિષ્ઠા થવા પામ્યું છે. તા. 13-05-1827 ના રોજ આ મંદિરે શાસ્ત્રોક્ત વિઘિથી દેવોની પ્રતિષ્ઠા કરવામાં આવેલી. માત્ર સવા બે વર્ષમાં આ મંદિરનું નિર્માણ થવા પામેલું જેમાં ભગવાન શ્રીસહજાનંદ સ્વામીના કૃપાપાત્ર જીણાભાઇ દરબાર સદગુરૂ કવિરાજશ્રી બ્રહ્માનંદ સ્વામી, સદગુરૂ શ્રી ગોપાલાનંદ સ્વામી, સદગુરૂ શ્રી ગુણાતિતાનંદ સ્વામી વગેરેનો સિંહફાળો રહ્મો હતો.

તા. 3 ફેબ્રુઆરી 1825 થી 13 મે 1827 ના ગાળામાં શિખરબંધ મંદિર નિર્માણ થવા પામ્યું. ત્યારે જૂનાગઢ માં નવાબ બહાદુરખાન બીજાનું શાસન હતું. નવાબને રાગદ્વેષી માણસોએ ઉશ્કેર્યા હતા. પરંતુ નવાબે મંદિર નિર્માણ ના કાર્યમાં કોઈ વિક્ષેપ થવા દીધો ન હતો.

આ મંદિરના પ્રથમ મહંત તરીકે સદગુરૂ શ્રી ગુણાતિતાનંદ સ્વામીએ સેવા આપેલી. તેઓએ આશરે 40 વર્ષ સુધી આ મંદિરના પ્રથમ મહંત તરીકે સેવા આપી. ત્યારબાદ સદગુરૂ શ્રી અચીત્યાનંદજી એ આશરે 7 મહિના સુધી ત્યારબાદ સદગુરૂ શ્રી રઘુવીરચરણદાસજીએ 3 વર્ષ સુધી મંદિરના મહંત તરીકે રહ્મા હતા. તેના પછી સદગુરૂ સ્વામીશ્રી મુકુંદચરણદાસજી 25 વર્ષ સુધી આ મંદિરના મહંત તરીકે પ્રભાવશાળી કાર્ય કરેલુ. તેમના એક એટલે સદગુરૂ શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી કે જેઓ જૂનાગઢના આ શ્રીસ્વામીનારાયણ મંદિરના મહંત તરીકે તા. 27 નવેમ્બર 1943 ના રોજ નિમણુક પામે છે.

તેમની ઈચ્છા મંદિર પર ભવ્ય ધર્મોત્સવની હતી. આથી તેમણે પોતાની ઈચ્છા મૂળ ઉનાના રહીશ અને મુંબઈ સ્થિર થયેલા ગાંધીબંધુઓને જણાવી જેમાં માણેકચંદભાઈ, દુર્લભદાસભાઈ અને નરોતમભાઈ નો સમાવેશ થયો હતો. આ ગાંધીબંધુઓએ સ્વામીની લાગણી સ્વીકારી. ફાગણ સુદ બીજ સંવંત 2001 થી ફાગણ વદ આઠમ સંવંત 2001 સુધી ચાલેલા મહાવિષ્ણુ યાગ અને અષ્ટોતર શતપારાયણાત્મક પુશ્વરણ દરમિયાન હજારો ભાવિકો-શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ખાદ્યચીજો ખાંડ, ચોખા, તેલની ભારે અછત હતી તેમજ કેરોસીન પણ મળવા પાત્ર ન હતા. રાજ્ય તરફથી તેણી સંગ્રહાખોરી અને નિકાસ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. તેમજ મોટા પ્રસંગો-ધાર્મિક ઉત્સવો પર પણ અંકુશ મુકવામાં આવેલ. આમ છતા મંદિરના સંતો દ્વારા 21 દિવસ સુધી ઉત્સવ ઉજવવામાં આવેલ. આ ભવ્ય ઉત્સવના આયોજનમાં જૂનાગઢના ક્રાતિકારી સંત મયારામદાસ બાપુનુ ખૂબ મોટું યોગદાન રહેલ તેમણે પોતાનો આશ્રમ બહારગામથી આવતા ભક્તોને માટે આપી દીધો. હવેલીના પુરુષોતમલાલજી મહારાજે પણ ભકતોને ઉતારી આપ્યા હતા.

જૂનાગઢના તમામ મંદિરો, આશ્રમો, સંપ્રદાયના સંતો - મહંતો ખભે ખભા મિલાવી આ ઉત્સવની સફળતામાં જોડાયા. આ ઉત્સવ માટે તમામ સંપ્રદાયના સંતો દ્વારા જૂનાગઢ સત્સંગ સમાજ નામક સમિતિના નેજા હેઠળ અદભૂત ઐક્ય દાખવ્યું. આ ઉત્સવની વ્યવસ્થા માટે પુરાણી શ્રી પ્રેમપ્રકાશ દાસજી, શ્રી હદરસ્વરૂપદાસજી વગેરે એ જહેમત ઉઠાવી હતી. વડતાલ થી ધ.ધૂ. આચાર્યશ્રી પણ આ ઉત્સવમાં પધાર્યાષ હતા ત્યારે મંદિર પર 45000 લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

ઉત્સવ દરમિયાન યજ્ઞના આચાર્ય તરીકે ઉમરેઠના પ્રસિદ્ધ કર્મકાંડી બ્રાહ્મણશ્રી હદરલાલભાઈ શુક્લ રહ્મા હતા. તેની સાથે તે સમયે જૂનાગઢ મંદિરના પુરોહિતશ્રી શાંતિલાલ શર્મા પણ રહ્મા હતા. આ ઉપરાંત અન્ય પંડિતોમાં ભાનુશંકરભાઈ શુક્લ, મણિશંકરભાઈ દવે, કેશવલાલ શર્મા, નરભેરામભાઈ શર્મા, હદરલાલભાઈ દવે જેવા પ્રકાંડ પંડિતો જોડાયા હતા. યુદ્ધકાળને કાળે નિયમો ખુબજ કડક હતા. એ સંજોગોમાં સવારે 9 થી 1 અને બપોરે 3 થી 6 સુધીમાં તમામ ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ કરવાની મંજુરી મળેલી.

સમાપનના દિવસે 25000 ભકતોએ પ્રસાદ લીધો હતો. ગુજરાતભરમાંથી પધારેલા સંતો- ભકતો- સેવકો માટે અદભુત્ત ભોજન વ્યવસ્થા હતી જેમાં જુદા- જુદા 7 રસોડાઓ પર ભોજન પીરસાતું જેમાં ત્રણ ચુલા પર માત્ર શીરો જ બનતો. આમ આઝાદી પૂર્વે જૂનાગઢના ઇતિહાસમાં ઉજવાયેલ ભવ્ય ઉત્સવોની યાદીમાં સ્વામીનારાયણ મંદિર દ્વારા ઉજવાયેલા આ ઉત્સવમાં અદભુત વાતાવરણ નિર્માણ કરેલુ. (સૌજન્ય- ડો. પ્રો. વિશાલ જોષી, અધ્યક્ષ, ઇતિહાસ ભવન, ભક્ત કવિ નરસીંહ મહેતા યુનિ)

અન્ય સમાચારો પણ છે...