જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રિય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કૃષિમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તેમજ ખાસ કરીને ડ્રોનના ઉપયોગથી કૃષિમાં ક્રાંતિ કઇ રીતે લાવી શકાય તેની ઉંડાણ પૂર્વક સમજણ અપાઇ હતી. કાર્યક્રમમાં 300 જેટલા વિદ્યાર્થીઓ, ખેડૂતો, વિવિધ શાખાના અધ્યાપકગણો તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કર્મી-અધિકારીઓ કે જેના દ્વારા ખેડૂતોને જાણકારી અપાય છે તેમની ઉપસ્થિતી રહી હતી.
આ તકે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા ખરીદવામાં આવેલ વિવિધ ક્રોપ સ્પ્રેયીંગ ડ્રોન, ક્રોપ સર્વે ડ્રોન તેમજ પ્રયોગશાળામાં વપરાતા નેનો ડ્રોન અને ડ્રોન કિટનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પાક નુકસાનીનો સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે તેમજ ભવિષ્યમાં દવાના છંટકાવ માટે ખેડૂતોને નોમીનલ રેટ એટલે કે સામાન્ય ખેડૂતને પરવડી શકે તેવા ઓછા ભાડામાં ડ્રોનની સેવા ઉપલબ્ધ થઇ શકશે. આ માટેની પણ તૈયારી ચાલી રહી છે.
કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલ કાર્યક્રમનું આયોજન કુલપતિ પ્રો.ડો. નરેન્દ્રકુમાર ગોટિયા, ડો. ડી.આર. મહેતા, ડો. વી.આર. માલમના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. કાર્યક્રમમાં કિરણભાઇ કથિરીયા, ડો. પી.મોહનોત, ડો.એસ.જી. સાવલીયા, ડો. ડી.કે. વરૂ,ડો. કે.સી. પટેલ વગેરેની ઉપસ્થતિ રહી હતી. આ ઉપરાંત ડો. એચ.પી. ગજેરા, ડો. ડી.એમ. જેઠવા, પ્રો.જી.ડી. ગોહિલ વગેરેની પણ ઉપસ્થિતી રહી હતી.
શું માહિતી અપાઇ ?: આ કાર્યક્રમમાં નેનો ફર્ટિલાઇઝર દ્વારા પાક સંરક્ષણ અને પોષણ, ડ્રોનનો તેમાં ઉપયોગ, પ્રાકૃતિક ખેતીમાં નવી ટેકનિકો તેમજ આર્ટિફિસીયલી ઇન્ટેલીજન્સીનો કૃષિમાં ઉપયોગ વગેરે બાબતે માહિતી અપાઇ હતી.
વિદેશ- પહાડી એરિયામાં ઉપયોગ શરૂ : કૃષિમાં ડ્રોનનો ઉપયોગ હાલ વિદેશોમાં પૂરજોશમાં થઇ રહ્યો છે. ભારતમાં ખાસ કરીને પહાડી એરિયામાં તેમનો ઉપયોગ કરાય છે. હવે નજીકના ભવિષ્યમાં ગુજરાતના ખેડૂતો પણ તેનો ઉપયોગ કૃષિક્ષેત્રે કરી શકે તેવા પ્રયાસ છે. ખાસ કરીને દવાનો છંટકાવ કરવા, આગ લાગી હોય તો તેને બૂઝાવવા તેમજ પાકમાં રોગોની જાણકારી મેળવવા માટે પણ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે.
આ રીતે ડ્રોનનો ખેતીમાં ઉપયોગ કરાય છે
ડ્રોન સર્વેયર: ખાસ કરીને કુદરતી આફતોના કારણે પાકને નુકસાન થયું હોય તો તેની જાણકારી કંપની ડ્રોન દ્વારા કરે છે અને પછી તેનો રિપોર્ટર રજૂ થયા બાદ સરકાર એસેસમેન્ટ કરી ઇન્સ્યુરન્સ કંપનીને કહી નુકસાન- સહાય મંજૂર કરે છે.
ડ્રોન રિમોટ સેન્સરીંગ: કયા વિસ્તારમાં કયા પાકનું વાવેતર થયું છે, કેવું થયું છે, કેટલા વિસ્તારમાં થયું છે તેનો સર્વે કરી શકે છે.
ડ્રોનની સર્વિસ બેઝ યોજના: ભવિષ્યમાં ખેતરોમાં દવાનો છંટકાવ કરવા ખેડૂતોને ડ્રોન ભાડે આપવામાં આવશે. જ્યારે દવાનો છંટકાવ સફળ રીતે થયો છે કે નહિ તેની પણ ટ્રાયલ- ચકાસણી કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.