તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદો:સોમનાથ તીર્થધામમાં પ્રોમોર્નેડ સમુદ્રદર્શન પથ વોક-વે આજથી પ્રવાસીઓ માટે ખુલ્‍યો મૂકાયો

વેરાવળએક મહિનો પહેલા
વોક વે નો આકાશી નજારો
  • ગત તા.20 ઓગષ્‍ટે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ વોક વે નું લોકાર્પણ કર્યુ હતુ
  • વોક વેમાં ફરવાના બે કલાકના રૂ.5 ચાર્જ રહેશે, બાળકોને નિ:શુલ્‍ક પ્રવેશ મળશે

સોમનાથ મંદિરની સમીપે સમુદ્ર કિનારે રૂ.47.55 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દોઢ કિલોમીટર લાંબા વોક વેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.20 ઓગષ્‍ટએ લોકાર્પણ કર્યુ હતુ. આ વોક વેને વિધિવત રીતે આજથી પ્રવાસીઓ માટે ખુલ્‍લો મુકવામાં આવ્યો છે. વોક વેમાં પ્રવેશી બે કલાક ફરવા માટે યાત્રીકોએ રૂ.5ની ટિકિટ લેવી પડશે. જ્યારે 10 વર્ષ સુધીના બાળકોને નિ:શુલ્‍ક પ્રવેશ આપવામાં આવશે તેમજ વોક વેમાં યાત્રિકો સવારે 6થી રાત્રીના 9 વાગ્‍યા સુઘી ફરી શકશે તેવી જાહેરાત સોમનાથ ટ્રસ્‍ટએ કરી છે.

જગવિખ્‍યાત સોમનાથ મંદિરે આવતા દેશ વિદેશના યાત્રીકોની સુવિધામાં વધારો થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ હમેંશા પ્રયત્નશીલ રહ્યુ છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સોમનાથ ટ્રસ્ટમાં જોડાયા ત્‍યારથી યાત્રિકોને લગતી અનેક સુવિધાઓમાં નોંઘપાત્ર વધારો ટ્રસ્‍ટ દ્રારા કરાયો છે.

ગત તા.20 ના રોજ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ સમીપે સમુદ્ર દર્શન માટે રૂ.47.55 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા દોઢ કીમી લાંબા વોક વેનું લોકાર્પણ કરાયુ હતુ. મુંબઈના પ્રખ્‍યાત મરીન ડ્રાઈવ જેવો સુંદર મજાના વોક વેનો લ્‍હાવો આજથી વિધિવત રીતે યાત્રીકો સોમનાથ સાંનિઘ્‍યે માણી શકે તે માટે ખુલ્‍લો મુકાયો છે.

વોક વેમાં પ્રવેશ માટે રૂ.5ની ટિકિટ લેવી ફરજીયાત રહેશે જે અંગે સોમનાથ ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે, દેશ-વિદેશના યાત્રિકોમાં આર્કષણનું કેન્‍દ્ર બનનારા વોક વેનો બે સિઝન મુજબ ટાઇમ ટેબલ નક્કી કરાયો છે. જેમાં એપ્રીલથી સપ્‍ટેમબર માસ દરમ્‍યાન સવારે 6થી રાત્રીના 9 વાગ્‍યા સુઘી, જ્યારે ઓકટોમ્‍બરથી માર્ચ માસ દરમ્‍યાન સવારે 7થી રાત્રીના 8 વાગ્‍યા સુઘી યાત્રિકો વોક વેમાં ફરી શકશે.

વોક વેમાં બે સ્‍થળોએથી યાત્રીકો પ્રવેશ કરી શકે તે માટે એન્ટ્રી ગેઈટ મુકવામાં આવ્યા છે. જેમાં પ્રથમ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનની સામે અને બીજો પોસ્ટ ઓફિસ પાસેથી પ્રવેશ કરી શકશે. વોક વેમાં પ્રવેશ કરી બે કલાક ફરવા માટે રૂ.5ની ટિકિટના દર નક્કી કરાય હોય જે પ્રવેશ ટિકિટ ખરીદ કર્યા બાદ જ યાત્રીકો પ્રવેશ કરી શકશે. જયારે 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. વોક-વે પર સ્વચ્છતા અને સલામતી માટે ખાસ તકેદારીના ભાગરૂપે ડસ્‍ટબીનો મુકવાની સાથે સીસીટીવી ફીટ કરવામાં આવ્યા છે.

દોઢ કીમી લાંબા વોક-વે માં યાત્રિકો માટે પ્રવેશ ગેટમાં જ સુંદર આધ્યાત્મીક ચિત્રો બનાવવામાં આવેલ છે. વોક વેમાં યાત્રિકો સાયકલીંગનો પણ લ્‍હાવો લઇ શકે તે માટે સાયકલની સુવિઘા ઉપલબ્‍ઘ કરવામાં આવી છે. આ સાથે યાત્રિકો વોકીગ, હોર્સ અને કેમલ રાઈડીંગનો લ્‍હાવો લઇ શકશે. જ્યારે સમુદ્ર દર્શન અને સોમનાથ મંદિરનો નજારો જોવા દુરબીન પણ મુકવામાં આવ્યા છે. જયારે યાત્રિકો બેસી શકે તે માટે બેંચીસ અને મ્યુઝિક સીસ્ટમ પણ મુકવામાં આવી છે.

વોક વે નો લ્‍હાવો લેવા ઉમટેલ યાત્રીકો
વોક વે નો લ્‍હાવો લેવા ઉમટેલ યાત્રીકો

સોમનાથના સમુદ્ર કિનારે ઘણા વર્ષોગી વેપાર કરતા ફેરીયાઓને પણ ટોકન ફી લઈ નિયમોનુસાર વોક વેની બાજુમાં બનાવેલી દુકાનો ફાળવવામાં આવશે. આવી જ રીતે ઘોડા-ઉંટવાળા તથા ફોટોગ્રાફરોને પણ નિયમોનુસાર આઈ કાર્ડ આપીને જ પ્રવેશ આપવામાં આવશે. આમ, વોક વે થકી સ્થાનિક લોકોમાં રોજગારીની તકો પણ વધશે. યાત્રિકો વોક વેમાં જુદા જુદા લોકેશનો પરથી પોતાની સેલ્ફી લઈને કાયમી સંભારણું રાખી શકશે.

વોક વે સોમનાથને પર્યટન ક્ષેત્રે અવ્‍વલ સ્‍થાન અપાવશે : યાત્રિક

આજથી યાત્રિકો માટે ખુલ્‍લા મુકાયેલા વોક વેનો લ્‍હાવો લેનાર રાજકોટથી આવેલા યાત્રિક નિખીલભાઈએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મોદીના દુરગામી વિઝનના લીધે આજે સોમનાથ સાંનિઘ્‍યે લોકોને આઘ્‍યાત્‍મિકતાની સાથે પ્રવાસનનો લ્‍હાવો મળતો થયો છે. વોક વે નુ ટુરીસ્‍ટોમાં આર્કષણ આગામી દિવસોમાં સોમનાથને વિશ્વના ટુરીઝમ નકશામાં અવ્‍વલ સ્‍થાને પહોચાડશે તેવી આશા છે. સમુદ્ર કિનારે બેસવું કે વોકીંગ કરવાનો લ્‍હાવો લેવા માટે અગાઉ મુંબઇ જવુ પડતુ જેના બદલે હવે યાત્રીકોને સોમનાથ સાંનિઘ્‍યે વોક વે તે લ્‍હાવો મળતો થયો છે.

સોમનાથનો વોક વે ને નજારો
સોમનાથનો વોક વે ને નજારો
અન્ય સમાચારો પણ છે...