વિધાનસભા સંગ્રામ 2022:ખાનગી આવશ્યક સેવાના કર્મચારીઓ મતદાનથી વંચિત રહેવા મજબૂર

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકપ્રતિનિધીત્વ ધારાના અંતર્ગત ચૂંટણીના કાયદા મુજબ ફક્ત 12 સરકારી આવશ્યક સેવાના કર્મચારીઓને પોસ્ટલ બેલેટનો લાભ મળે છે
  • ખુદ ચૂંટણી પંચે રોકેલા ખાનગી વાહનોના ડ્રાઇવરોજ મતદાનથી વંચિત રહેતા હોય છે

ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય એ માટે ભારતનું ચૂંટણી પંચ સચોટ પ્રયાસો કરે છે. પણ દેશના અર્થતંત્રમાં ખાનગીકરણના દોર બાદ ઘણીખરી આવશ્યક સેવાઓ ખાનગી ક્ષેત્રને હસ્તક ચાલી ગઇ છે. બીજી તરફ સરકારી આવશ્યક સેવાઓના કર્મચારીઓને પોસ્ટલ મતદાનનો લાભ મળે છે. જ્યારે ખાનગી ક્ષેત્રના હોવાને લીધે આવા કર્મચારીઓ મતદાનથી વંચિત રહેવા મજબૂર હોય છે.લોકપ્રતિનિધીત્વ ધારા અંતર્ગત ચૂંટણીના કાયદા 1961 મુજબ ભારત સરકારના કાયદા મંત્રાલયે જે 2019 માં સુધારા કર્યા છે એ અંતર્ગત વિવિધ 12 પ્રકારની આવશ્યક સેવાઓના કર્મચારીઓને પોસ્ટલ વોટ માટેની મંજૂરી આપવામાં આવી છે. આ 12 સેવાઓમાં 11 સેવાઓ સંપૂર્ણપણે સરકારી છે.

આથી તેના કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી નહીં પણ પોતાની કાયમી ફરજ પર હોય છે તેઓ માટે નક્કી કરેલા દિવસે અલગથી રીટર્નીંગ ઓફિસર બેલેટથી મતદાનની વ્યવસ્થા કરે છે. જે મતદાનના 3 દિવસ પહેલાં સંપન્ન થઇ જવી જોઇએ. આ વખતે જૂનાગઢ જિલ્લામાં આ પ્રકારની સેવાઓના મતદાન માટે 64 કર્મચારીઓએ નોંધણી કરાવી છે. આ કર્મચારીઓને હવે જેતે બેઠકના રીટર્નીંગ ઓફિસર તેના મતદાનની તારીખ અને સ્થળની જાણ કરશે.જોકે, આની સામે એવી ઘણીયે આવશ્યક સેવાઓ છે. જે ખાનગીક્ષેત્રને હસ્તક છે.

આમ છત્તાં તેના કર્મચારીઓને આવી રીતે પોસ્ટલ બેલેટ તો ઠીક ઇ-વોટીંગનો પણ અધિકાર નથી મળતો એ આપણી કમનસીબી છે. આખા દેશમાં જોવા જઇએ તો કરોડો કર્મચારીઓ આ રીતે મતદાનની પ્રક્રિયામાં ભાગ નથી લઇ શકતા. કારણકે, એ તેની મજબૂરી છે. દેશમાં ખાનગી કરણની બોલબાલા છે. આંતરમાળખાકિય વ્યવસ્થા ખાનગી ક્ષેત્રને સોંપવાની દિશામાં સરકાર કામ કરી રહી છે ત્યારે આ ક્ષેત્રના કરોડો કર્મચારીઓ માત્ર પોતાની નોકરીના સમયને લીધે મતદાનથી વંચિત રહે એ કેટલા અંશે વ્યાજબી છે?

રોકડ હેરફેર અટકાવવા સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા વ્યાપક ચેકીંગ
જૂનાગઢ : હાલ વિધાનસભાની ચૂંટણીની તૈયારી થઇ રહી છે. 1 ડિસેમ્બર- પ્રથમ ચરણમાં જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીમાં રોકડની હેરાફેરી અટકાવવા માટે સ્ટેટીક સર્વેલન્સની ટીમ દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઉભી કરી વ્યાપકપણે વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન 50,000થી વધુની રોકડ રકમની હેરાફેરી કરી શકાતી નથી. માનીલો કે, કોઇ કામ સબબ 50,000થી વધુની રકમ હોય તો તેના આધાર પુરાવા રજૂ કરવા પડે છે.

જ્યારે પક્ષનો કાર્યકર હોય, ઉમેદવારનો સબંધી હોય(જેમ કે પુત્ર), સ્ટાર પ્રચારક હોય તો 10,000થી વધુ રકમ હોય, લીકર હોય, ચૂંટણી સાહિત્ય હોય તો તેની ચકાસણી કરવામાં આવે છે જેના આધાર પુરાવા રજૂ કરવા પડે છે. જો 10 લાખથી વધુ રકમ હોય તો ઇન્કમટેક્ષને જાણ કરવામાં આવે છે.

આ સરકારી સેવાના કર્મચારી માટે વ્યવસ્થા છે
ઇલેક્ટ્રિસીટી (આપણે ત્યાં પીજીવીસીએલ અને જેટકો), બીએસએનએલ, રેલ્વે, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, આરોગ્ય વિભાગ, એવિયેશન, એસટી, ફાયર બ્રિગેડ, મીડિયાના એવા કર્મચારી જેને ચૂંટણી પંચે માન્ય કર્યા હોય, ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ

​​​​​​​ઇવીએમ બેટરી સંચાલિત હોય છે
કદાચ મતદાન વખતે લાઇટ જાય તો પણ ક્યારેય ઇવીએમ અટકતું નથી. કારણકે, તે સંપૂર્ણપણે બેટરીથી સંચાલિત હોય છે. તેની બેટરી પણ એટલી હેવી હોય કે, તેને ઇસ્યુ કરાવ્યા બાદ કદાચ પ્રિસાઇડીંગ ઓફિસરથી ભૂલમાં ચાલુ રહી ગયું હોય તો પણ 5 દિવસ સુધી તેની બેટરી અડધી પણ નથી વપરાતી. એટલેકે, સતત 5 દિવસ સુધી તેમાં મતદાન કરીએ તોયે અડધી પણ ન વપરાય.

મતદાનના દિવસે લાઇટ નહીં જાય
મતદાનના દિવસે લાઇટ ન જાય એની ખાસ તકેદારી પીજીવીસીએલ અને જેટનો સંયુક્તપણે નિભાવવાની હોય છે. ખાસ કરીને 66 અને 132 કેવીમાં 8-8 કલાકની ટયુટમાં રહેતા સ્ટાફની રજા અને વકી ઓફ એ દિવસ પૂરતા કેન્સલ હોય છે. જો કર્મચારીની ડ્યુટી સવારની હોય તો સાંજે મતદાન કરે અને સાંજની હોય તો સવારે જઇને મતદાન કરી આવે. ખુબીની વાત એ છેકે આ વખતે તો ચૂંટણી તંત્રએ 19 જુનિયર ઇજનેર અને ટેક્નિકલ સ્ટાફને ચૂંટણીની કામગીરીમાં રોકી લીધો છે.

ખાનગી ક્ષેત્ર હસ્તકની આવશ્યક સેવાઓ
ખાનગી હોસ્પિટલનાં આઇસીયુ, ખાનગી સિક્યોરિટી, મેડીકલ સ્ટોર, ડેરી, ટ્રક ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરો, ખુદ ચૂંટણી પંચે રોકેલી ખાનગી ટેક્સીનાં ડ્રાઇવરો, પેટ્રોલ પંપના કર્મચારીઓ, ફિશીંગમાં ગયેલા માછીમારો, માલવાહક જહાજનાં ખલાસીઓ, ખાનગી કોલ સેન્ટરનાં કર્મચારીઓ

અન્ય સમાચારો પણ છે...