મોદી@70:જન્મદિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં PM મોદીના દીર્ઘાષ્યુ માટે ભાજપ દ્વારા વિશેષ માર્કંડેય પૂજા યોજાઈ

ગીર સોમનાથએક વર્ષ પહેલા
નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ મહાદેવની પૂજા કરવામાં આવી - Divya Bhaskar
નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ મહાદેવની પૂજા કરવામાં આવી
  • મંદિર પરિસરમાં ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે રાજ્યભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે મોદીના દીર્ઘાષ્યુ માટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ મહાદેવની વિશેષ માર્કંડેય પૂજા કરવામાં આવી હતી. આ પૂજા ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ ઝવેરીભાઈના હસ્તે કરવામાં આવી હતી.

કોરોના મહામારીમાંથી ભારત અને વિશ્વ વહેલી તકે બહાર નીકળે તે માટે પૂજા-અર્ચના કરાઈ
ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સોમનાથ મહાદેવની પૂજા બાદ મંદિર પરિસરમાં ભારત માતા કી જય, વંદે માતરમ, સોમનાથ મહાદેવ કી જયના નારા લગાવ્યા હતા. તેમજ ભારત અને વિશ્વ વહેલી તકે કોરોનામાંથી વહેલી તકે મુક્તિ મેળવે તે માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી પદે સેવા આપી રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે આ ખાસ પૂજા યોજાઈ હતી.

ભાવનગરમાં નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજાયું
ભાવનગરમાં ગુલીસ્તા સ્કૂલના મેઈન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન કવન અંગેના ફોટોગ્રાફ્સ, પેઈટિંગ અને સ્લાઇડ શો સાથેનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણાના હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકાયું હતું. જેમાં મોદીના જીવનમાં બાળપણથી લઇ વડાપ્રધાન પદ સુધીની સફર દરમિયાન તેમના જીવનની સંઘર્ષ ગાથા, જીવનના વિવિધ તબક્કાઓ, અને રાજકીય સફર પરના વિવિધ ફોટોગ્રાફ્સ, વિવિધ કલાકારોના પેઈટિંગ અને સ્લાઈડ શો સાથેનું એક પ્રદર્શન 4 દિવસ માટે કલાનગરી ભાવેણાની ધરા પર ખુલ્લું મુકાયું હતું. આ પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના જીવનકાળના અનેક પ્રસંગો કેમેરામાં કંડારવામાં આવ્યા હતા તો તેમના જીવનના વણદેખ્યાં અનેક ફોટોગ્રાફ્સ ઉપરાંત વિવિધ નામાંકિત ફોટો ગ્રાફરો, પેઈન્ટરો દ્વારા નરેન્દ્ર મોદીના પાડેલા ફોટો અને પેઇન્ટિંગ કામના ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા છે. જો કે આ સમયે ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.

(જયેશ ગોંધિયા, ઉના/ભરત વ્યાસ, ભાવનગર)