જૂનાગઢ શહેરમાં આડેધડ રીતે થતું વૃક્ષોનું છેદન અટકાવવા માટે માંગ કરાઇ છે. આ અંગે જોષીપરાના હરેશભાઇ સરધારાએ મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, વૃક્ષો એ આપણું જીવન છે. આપણને જીવવા માટે ઓક્સિજન પુરૂં પાડે છે, તકડાથી બચવા છાંયડો આપે છે, વરસાદ ખેંચી લાવે છે, હજ્જારો પક્ષીઓને આશરો આપે છે. આમ અનેક ગણું ઉપયોગી હોવા છત્તાં તેના ઉછેરને બદલે વૃક્ષોને કાપી નાંખવામાં આવે છે.
હાલ શહેરના જોષીપરાથી લઇને ઝાંઝરડા ચોકડી તરફના રસ્તાની બન્ને તરફ 20થી વધુ વૃક્ષોને કાપી નાંખવામાં આવ્યા છે. સામાન્ય રીતે મનપાની હદમાં કોઇપણ વૃક્ષના કટીંગ માટે મહાનગરપાલિકામાંથી મંજૂરી લેવાની હોય છે. ત્યારે આ વૃક્ષો કોણે કાપ્યા છે, શા માટે કાપ્યા છે અને કાપવા માટે મનપાની મંજૂરી મેળવાઇ છે કે કેમ તે તમામ બાબતે તપાસ કરવાની તાતી જરૂરિયાત છે.
અને સૌથી અગત્યનો સવાલ એ છે કે આવા કપાયેલા વૃક્ષો જાય છે ક્યાં? તે બાબતે પણ મહાનગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવે અને જો મંજૂરી વગર વૃક્ષોનું કટીંગ થતું હોય તો તેને અટકાવવા તેમજ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.