માછીમારોની મુશ્કેલીનો મામલો:વેરાવળ બંદરમાં ફેઝ-2 સહિત માછીમારોને કનડતા પ્રશ્નો મુદ્દે મત્સ્યઉદ્યોગ મંત્રીને રૂબરૂ રજૂઆત કરાઈ

વેરાવળ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
મત્‍સ્‍યોઘોગ મંત્રીને રજૂઆત કરી રહેલ માછીમાર આગેવાનો - Divya Bhaskar
મત્‍સ્‍યોઘોગ મંત્રીને રજૂઆત કરી રહેલ માછીમાર આગેવાનો
  • માછીમાર આગેવાનોના પ્રતિનિઘિ મંડળએ ગાંઘીનગર ખાતે મંત્રીને સવિસ્‍તાર રજૂઆત કરી વહેલીતકે નિરાકરણ લાવવા માંગણી કરી

વેરાવળ બંદરના ફેઝ-2ની કામગીરી કયારે શરૂ થશે ? સહિત માછીમારોના પડતર પ્રશ્નોને લઇ માછીમાર એસોસીએશનના એક પ્રતિનિઘિ મંડળે ગાંઘીનગર ખાતે મત્‍સ્‍યઉદ્યોગ મંત્રીને રૂબરૂ મળી સવિસ્‍તાર રજૂઆત કરી હતી. જે સંદર્ભે મંત્રીએ માછીમારોના પ્રશ્નોને લઇ નિર્ણયો લેવાય ગયા હોવાથી કાર્યવાહી ચાલી રહી હોય જે આગામી સમયમાં પૂર્ણ થયા બાદ કામો શરૂ થશે. જેથી મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે તેવી ખાત્રી આપી છે.

મત્‍સ્‍યઉદ્યોગ ક્ષેત્રમાં કેન્‍દ્રબિંદુ ગણાતા વેરાવળ બંદરની સમસ્‍યા દિન-પ્રતિદિન વઘી રહી હોવાથી માછીમારોને અનેક મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્‍યારે ઘણા સમયથી વેરાવળ બંદરમાં સુવિઘા વઘારવાને લઇ અને માછીમારોને લગતા પ્રશ્નોને લઇ સાગરપુત્ર ફાઉન્‍ડેશન માછીમાર બોટ એસો.ના પાલિકા પ્રમુખ પીયૂષભાઇ ફોફંડી, દામજીભાઇ ફોફંડી, રતિલાલ ગોહેલ, બોટ એસો.ના પ્રમુખ રમેશભાઇ ડાલકી, કોળી સમાજ બોટ એસો.ના પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, મનોજ સોલંકી સહીતના આગેવાનોનું એક પ્રતિનિઘિ મંડળ ગાંઘીનગર ખાતે મત્‍સ્‍યોઘોગ મંત્રી જીતુભાઇ ચૌઘરીને રૂબરૂ મળી પ્રશ્નોની સવિસ્‍તાર રજૂઆત કરી હતી.

બંદરમાં બોટોને પાર્ક કરવાની જગ્‍યાના અભાવે ઘણી વખત આવા અકસ્‍માતો થાય છે
બંદરમાં બોટોને પાર્ક કરવાની જગ્‍યાના અભાવે ઘણી વખત આવા અકસ્‍માતો થાય છે

પ્રતિનિઘિ મંડળએ રજૂ કરેલ પ્રશ્નોમાં લાંબા સમયથી જાહેરાત થયેલ વેરાવળ બંદરમાં ફેઝ-ર ની કામગીરી તાત્‍કાલીક શરૂ કરવા, બંદરોમાં નિયમિત વાર્ષિક ડ્રેજિંગ કરાવવા માટે, ફીશીંગ બોટોના ડીઝલના કવોટામાં વધારો કરવા, માછીમારોને કોઇ પણ કન્ઝયુમર ડીઝલ પંપમાંથી ડીઝલ ખરીદી કરવા અંગે, ઓબીએમ ફાઇબર હોડીઓના કેરોસીનનો કવોટા તથા સબસીડીમાં જરૂરીયાત મુજબનો વધારો કરવો, ઓબીએમ એન્જીનની ખરીદીની બાકી નીકળતી સબસીડીની રકમ માછીમારોને સત્વરે ચુકવવા સહીતની સમસ્‍યાની સવિસ્‍તાર રજૂઆત કરી હતી. બાદમાં મંત્રી ચૌઘરીએ પ્રતિનિઘ મંડળની હાજરીમાં ફીશરીઝ સચિવ અને કમિશનર સહિતના અઘિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં બંદર અને માછીમારોના રજૂ થયેલ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી.

ત્‍યારબાદ મંત્રી જીતુભાઇ ચૌધરીએ માછીમારોના મોટાભાગના પ્રશ્નો અંગે અગાઉની બેઠકોમાં નિર્ણયો લેવાઇ ગયેલા છે. જેથી હાલ તે નિર્ણયોની અમલવારી કરાવવા માટેની કાર્યવાહી કચેરી કક્ષાએ ચાલી રહી છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ માછીમારો અને બંદરના પ્રશ્નોનું વ્હેલીતકે નિરાકરણ આવશે તેવી ખાત્રી આપી હતી.

બંદરના દરીયામાં ડ્રેજીંગ ન થવાના લીઘે ભરાયેલ કચરો અને રેતીનો જથ્‍થો
બંદરના દરીયામાં ડ્રેજીંગ ન થવાના લીઘે ભરાયેલ કચરો અને રેતીનો જથ્‍થો

વેરાવળ બંદરમાં ફેઝ-2 બનાવવાની જાહેરાતને 8 વર્ષ બાદ પણ કામગીરી શરૂ થઇ નથી ?

અત્રે નોંઘનીય છે કે, મત્‍સ્‍યઉદ્યોગમાં અને ફીશ એક્ષપોર્ટની કામગીરીને લઇ વેરાવળ બંદર મુખ્‍ય હોવા છતાં અહી સુવિઘા વઘારવા બાબતે સરકાર દ્રારા ઉપેક્ષા થતી હોવાનો ગણગણાટ માછીમારોમાં અંદરખાને શરૂ થયો છે. કેમ કે, વેરાવળ બંદરની ક્ષમતા કરતા હાલ પાંચ ગણી ફીશીગ બોટ વઘી ગઇ છે. જેના કારણે બંદરમાં બોટો પાર્ક કરવામાં માછીમારોને અનેક મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો છે. જે મુશ્‍કેલીના હલ માટે 8 વર્ષ અગાઉ પૂર્વ મુખ્‍યમંત્રીએ વેરાવળ બંદરમાં ફેઝ-2 બનાવવાની જાહેરાત કરી હતી. જેનો આજદીન સુઘી અમલ થયો નથી. જે માછીમારો પ્રત્‍યને રાજય સરકારની ઉપેક્ષા સ્‍પષ્‍ટ રીતે દર્શાવે છે તેવી ચર્ચા માછીમારોમાં અંદરખાને થઇ રહી છે. આવા અનેક માછીમારોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સરકાર ઘ્‍યાન ન આપતી હોવાનો ગણગણાટ માછીમાર વર્તુળમાં થઇ રહયો છે. જેથી આગામી દિવસોમાં શું થશે તે જોવું રસપ્રદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...