75 માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ મહાનગર ખાતે થનાર છે. જે અંગે થઇ રહેલ તૈયારીઓની સમીક્ષા કરવા અંગે આજરોજ જીલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને તમામ વિભાગના અઘિકારીઓની બેઠક મળી હતી.
75 માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ મહાનગર ખાતે થનાર છે. જેમાં રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ધ્વજવંદન થશે. આ મુખ્ય કાર્યક્રમ બીલખા રોડ પર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જયાં મુખ્યમંત્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન પણ થશે. પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, લેજીમ નૃત્ય અને ડોગ શો, ડ્રોનનું ડેમોસ્ટ્રેશન, શોર્યગીતો સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. તા.14 ઓગષ્ટના રોજ સાંજે કૃષિ યુની. ખાતે એટહોમ કાર્યક્રમ તેમજ સાંજે 7-30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ કૃષિ યુની.ના ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ ઉજવણી સંદર્ભે પૂર્વ તૈયારીની કામગીરીની સમીક્ષા કરવા જીલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં સ્વાતંત્રય પર્વની ગરીમાપૂર્ણ ઉજવણી સંદર્ભે સુચારૂ વ્યવસ્થા માટે કરવામાં આવેલ 18 સમિતિઓના અધ્યક્ષને સોંપાયેલી કામગીરી અંગેના આયોજન, આનુસંગિક કામગીરીઓની સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
બેઠકમાં તા.14 તથા તા.15 ઓગષ્ટની ઉજવણી સંદર્ભે કલેક્ટર રચીત રાજએ સ્ટેજ અને બેઠક વ્યવસ્થા, પાર્કિંગ સ્થળ, મીનીટ ટુ મીનીટ કાર્યક્રમની સમીક્ષા, કાર્યક્રમના સ્થળે વીજ પુરવઠો, પાણી, સફાઇ જરૂરી ફાયર ફાઇટર, ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, કાર્યક્રમમાં સહભાગી થનાર મહાનુભાવો, વીવીઆઇપી, પદાધિકારીઓની વ્યવસ્થા, ધ્વજનંદન, ડ્યુટીપાસ, મીડિયા પાસ, જૂનાગઢ શહેર તથા જિલ્લાના ઐતિહાસિક સ્મારકો, સરકારી ઇમારતો, જાહેર સ્થળોએ રોશની, કાર્યક્રમના સ્થળે પીજીવીસીએલની ટીમ કાર્યરત રાખવા, સન્માનિત થનાર મહાનુભાવોની યાદી-સન્માનપત્રક, મહેમાનો માટે એકોમોડેશનની વ્યવસ્થા, કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ કાર્યક્રમના સ્થળે માસ્ક, થર્મલગન, સેનેટાઇઝર, આરોગ્ય વિષયક વ્યવસ્થા અંગે શહેરની સફાઇ, કાર્યક્રમના સ્થળોએ જરૂરી મોબાઇલ ટોયલેટ બ્લોકની વ્યવસ્થા સહિતની આનુસંગિક કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપેલ હતુ.
બેઠકમાં ડીડીઓ મીરાંત પરીખ, મ્યુની. કમિશનર રાજેશ તન્ના, અધિક કલેક્ટર બાંભણીયા, એસડીએમ અંકિત પન્નુ સહિતના જિલ્લાના અધિકારીઓ હાજર રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.