જૂનાગઢની સિવીલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ મિડ વાઇવ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારની ઉપસ્થિતીમાં જિલ્લાની તમામ સગર્ભાને નોર્મલ ડિલેવરી થાય તે માટેની તાલીમ આપવાનો સંકલ્પ કરાયો હતો.
સિવીલમાં સેવારત 9 એનપીએમ બહેનોએ જણાવ્યું હતું કે, હાલ અમે સિવીલમાં તાલીમ આપી રહ્યા છીએ. અત્યારે 9 ની સંખ્યા છે. હવે સંખ્યા વધ્યા બાદ જિલ્લાની તમામ સગર્ભા બહેનોને નોર્મલ ડિલેવરી થાય તે માટે ગામડે જઇ પ્રેક્ટિસ કરીને ખાસ તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને પ્રસુતિ સમયે માતા અને બાળકના મૃત્યુનો દર ઘટે તે માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં પણ જૂનાગઢ સિવીલમાં પ્રસુતિ સમયે માતાના મૃત્યુનો દર સાવ ઓછો છે જે સિવીલ હોસ્પિટલની એક સિદ્ધિ ગણી શકાય.
દરમિયાન સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, અગાઉ આરોગ્યની પુરતી સુવિધા ન હતી ત્યારે ગામડામાં દાયણ દ્વારા ડિલેવરી કરવામાં આવતી હતી જેમાં અનેક વખત માતા કે નવજાત શિશુના મોત થતા હતા. હવે વેલ ટ્રેઇન નર્સ બહેનો દ્વારા ડિલેવરી કરાવવામાં આવે છે જેથી માતા અને બાળકના મૃત્યુનો દર ઘટ્યો છે. સાથે અનેક પ્રકારની આરોગ્યલક્ષી મુશ્કેલીમાંથી છૂટકારો મળી રહ્યો છે.
નર્સ બહેનો દ્વારા શું કામગીરી કરાય છે?
નર્સ બહેનો દ્વારા ખાસ કરીને નોર્મલ ડિલેવરી થાય, દુ:ખાવા રહિત ડિલેવરી થાય, કોઇ પણ પ્રકારનું ઇન્ફેકશન ન થાય, માતા અને બાળકનું મોત ન થાય તે માટેની કામગીરી કરાય છે. આ ઉપરાંત કોઇ કોમ્પ્લીકેટેડ કેસ હોય તો તેને હાયર સેન્ટર પર મોકલી દેવાય છે જેથી યોગ્ય સારવાર મળી રહે.
સર્ગભાની નિયમિત ચકાસણી કરાય છે
સગર્ભા બહેનોના આરોગ્યની નિયમીત તપાસ કરાય છે. શું ખાવું, શું ન ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેવી કસરત કરવી, કઇ રીતે સુવું, કોઇ મુશ્કેલી જણાય તો શું કરવું વગેરેની જાણકારી અપાય છે. હોસ્પિટલમાં પણ પ્રસુતાને ઘર જેવું વાતાવરણ લાગે તે માટે પ્રયાસ કરાય છે.
છેલ્લા ત્રણ વર્ષમાં 21,112 ડિલેવરી, 11 માતાના મોત
જૂનાગઢ સિવીલમાં વર્ષ 2019-20માં 7,895, 2020-21માં 6,628 અને 2021-22માં 6,589 મળી કુલ 21,112 ડિલેવરી કરાઇ છે. આ ત્રણ વર્ષમાં વર્ષ 2019-20માં 4, 2020-21માં 3 અને 2021-22માં 4 માતા મળી કુલ 11 માતાના ડિલેવરી સમયે મોત થયા છે. ડિલેવરીની સંખ્યા સામે માતા મોતનો રેશિયો 0.05 ટકા રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.