ગરમીથી બચવા સૂચના:હિટવેવ વખતે સગર્ભા, વૃદ્ધો ઘરમાં જ રહે

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના નાગરીકો માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રએ ગરમીથી બચવા સૂચનાઓ આપી

ઉનાળાની શરૂઆત થઈ ગઇ છે. ધીમે- ધીમે ગરમીનો પારો પણ ઉંચો જઈ રહ્યો છે. તે અંતર્ગત જિલ્લાના નાગરિકો ભારે તડકા-તાપમાનથી બચવા માટે કલેક્ટર રચિત રાજના નિર્દેશોનુસાર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા લૂ અને ગરમીની વિપરીત અસરોથી બચવા અને અન્ય આરોગ્યલક્ષી જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

જે લોકોને હિટ સ્ટ્રોકથી બચવા માટે કારગર સાબિત થઈ શકશે. હિટવેવ દરમિયાન લોકોએ બહાર નીકળવાનું ટાળવું અને જો બહાર નિકળવાનું થાય તો આખું શરીર અને માથુ ઢંકાય તે રીતે સફળ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો જોઇએ. ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઇએ. લીંબુ શરબત,તાડફળી, અને નાળિયેર પાણી ખાંડ-મીઠાનું દ્રાવણ વગેરે આરોગ્યપ્રદ પીણા પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.

બજારમાં મળતા બરફ, ઠંડા- પીણા અને લગ્ન પ્રસંગે દૂધ-માવાની આઈટમ ખાવાથી દૂર રહેવું જ હિતાવહ છે. શક્ય હોય તો ઉપવાસ કરવાનું ટાળવું તથા બપોરનું ભોજન 12 વાગ્યા સુધીમાં લઈ લેવું. હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 થી 4 કલાક સુધીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ ન્હાવું. જયારે લૂ લાગવાથી માથું દુખવું, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી- ઉબકા આવવા, ચક્કર આવવા, આખે અંધારા આવવા, બેભાન થઈ જવું તેમજ અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવાના લક્ષણો પણ જોવા મળે છે.

ગરમીથી બચવા આટલા ઉપાયો કરી શકાય
​​​​​​​ગરમીથી બચવા માટે વધુ પ્રમાણમાં પાણી પીવું, છાશ અથવા અન્ય આરોગ્યપ્રદ પ્રવાહી પીણા પીવા જોઈએ. આયુર્વેદ દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી છે. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવાનું સાથે દ્રાક્ષ ખાવી અને તરબુચ પણ ખાઈ શકાય. હળવા રંગના કપડા પહેરીએ, ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરીએ અને નાના બાળકો, વૃદ્ધ સગર્ભાઓનું વિશેષ કાળજી રાખીએ.

અન્ય સમાચારો પણ છે...