તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસું વહેલું સક્રિય:સોરઠના દરિયાકાંઠે 8 જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે શરૂ; 15થી 20 જૂન સુધીમાં મેઘરાજાનું વિધિવત્ આગમન થશે

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
અસહ્ય ઉકળાટ બાદ કેશોદ પંથકના માણેકવાડા ગામે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને 4 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો. - Divya Bhaskar
અસહ્ય ઉકળાટ બાદ કેશોદ પંથકના માણેકવાડા ગામે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને 4 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો.
  • જૂનાગઢ, બિલખા, ખડિયા, પ્લાસવા, ડુંગરપુર સહિતનાં ગામોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાં પડ્યાં
  • દરિયાઇ પટ્ટી વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે

જૂનાગઢ શહેર તેમજ આસપાસનાં ગામોમાં રવિવારે મેઘરાજાએ પધરામણી કરી હતી. બપોર સુધી ગરમી રહ્યા બાદ 3 વાગ્યા આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું તેમજ કડાકાભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. દરમિયાન માત્ર જૂનાગઢ શહેરમાં જ નહિ, એની આસપાસનાં બિલખા, પ્લાસવા, ખડિયા, ડુંગરપુર સહિતનાં અનેક ગામોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. વરસાદને કારણે શહેરના માર્ગો ભીના થઇ ગયા હતા. જ્યારે મંગલધામ જેવા વિસ્તારોમાં ઝાપટાંને કારણે રસ્તા પર પાણીના ખાબોચિયાં ભરાયાં હતાં. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, જેથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી. ચાલુ વર્ષે ચોમાસું વહેલું સક્રિય થઇ રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં 8 જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ જશે, જેને કારણે દરિયાઇપટ્ટીના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે. જ્યારે 15થી 20 જૂન સુધીમાં ચોમાસાની વિધિવત્ રીતે શરૂઆત થઇ જશે. આ વર્ષે ચોમાસું પણ સારું જશે.

સૌરાષ્ટ્રના આ દરિયાઇ કાંઠામાં એક્ટિવ
8 જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ જશે, જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. આમાં ખાસ કરીને ભાવનગરથી લઇને જામનગરની દરિયાઇપટ્ટીનો સમાવેશ થાય છે, જ્યારે ગીર-સોમનાથ, ચોરવાડમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

આ પવનની અસર થશે
અત્યારસુધીમાં પશ્ચિમી દિશાના પવન ફૂંકાતા હતા. આ પવન સૂકા અને ગરમ હોય છે, એથી ગરમીની અસર રહી હતી. જ્યારે હવે નૈઋત્ય દિશાના પવન ફૂંકાશે. આ પવન ભેજવાળા હોય છે. પરિણામે, હવે નજીકના દિવસોમાં જ ચોમાસું સક્રિય થઇ જશે.

આ વેવ કામ કરે છે
ચોમાસાને સક્રિય કરવામાં 3 વેવ કામ કરે છે. પ્રથમ વેવથી અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થાય છે. બાદમાં બંગાળમાં એક્ટિવ થશે અને 15 જૂનથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી ચોમાસું સક્રિય થશે.

ખેડૂતોએ આ કાળજી રાખવી
પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની હોઈ ચોમાસું વહેલું સક્રિય થશે. ત્યારે ખેડૂતોએ પણ કેટલીક કાળજી રાખવાની રહેશે. ખાસ કરીને ખેતરમાં રહેલા પાકને સુરક્ષિત સ્થળે સંગ્રહ કરી રાખવો. પશુ માટેના ઘાસચારાને પણ યોગ્ય રીતે સાચવી રાખવાનો રહેશે. જ્યારે લણણી અને થ્રેસિંગની કામગીરી વહેલી પૂરી કરવાની રહેશે. ખેતરને વાવેતર માટે તૈયાર કરવાનું રહેશે. જ્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે વાવેતર માટે થઇને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાની તૈયારી કરી રાખવી જરૂરી છે.

વરસાદ થતાં કેરીના વેપારીની હાલત કફોડી
થોડા સમય પહેલાં વાવાઝોડું આવતાં કેરી ખરી પડી હતી, જેથી કેરીના વેપારી, ઇજારદારોને ભારે નુકસાની વેઠવી પડી હતી. દરમિયાન ફરી વરસાદી ઝાપટાં પડતાં કેરીના બોક્સને વરસાદથી પલળતા બચાવવા વેપારીઓની ભારે દોડધામ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...