જિલ્લા માહિતી કચેરી ખાતે ઉમેદવારો કે તેમના અધિકૃત પ્રતિનિધિઓને 24 કલાકમાં જાહેરાતની મંજૂરી મળે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરાઈ છે.અખબારોમાં જાહેરાત આપવા માટે મતદાનનો દિવસ અને તેના આગલા દિવસે મંજૂરી લેવી ફરજિયાત અને ઈ- પેપરમાં જાહેરાત માટે તમામ દિવસોમાં મંજૂરી લેવી ફરજિયાત જણાવ્યું હતું
ભારતના ચૂંટણી પંચે ચૂંટણીઓમાં ઉમેદવારોના માધ્યમો મારફતે થતા પ્રચાર માટે-દેખરેખ અને નિયંત્રણ અર્થે રાજ્ય અને જિલ્લા કક્ષાએ એમસીએમસી કમિટીનું ગઠન કર્યું છે.સીઈઓ ગાંધીનગરની માર્ગદર્શિકા અનુસાર જૂનાગઢ જિલ્લામાં પણ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને (એમસીએમસી ) મીડિયા સર્ટીફીકેટેશન અને મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે.આ કમિટીના હવાલે કરવામાં આવેલા કર્મચારીઓ ટીવી અને અખબારોમાં ઉમેદવારોની જાહેરાત અને પેઈડ ન્યુઝ અંગે સ્ક્રિનિંગ કરી કમિટી સમક્ષ જરૂરી અહેવાલો કરે છે. આ અંગેનું વહીવટી કાર્યાલય જિલ્લા માહિતી કચેરી માહિતી ભવન સરદારબાગ, જુનાગઢ ખાતે કાર્યરત છે, જ્યાં ઉમેદવારો કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા સહિત તમામ વિજાણું માધ્યમમાં તમામ પ્રકારની જાહેરાતો પ્રસિદ્ધ પ્રસારિત કરવાની અરજીઓ પર જરૂરી કાર્યવાહી કરી ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 48 કલાકમાં જાહેરાતોની મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોને જાહેરાતનું નિરીક્ષણ કર્યા પછી કોઈ સુધારા વધારા સૂચવવામાં આવ્યા ન હોય અને બપોરના 12:00 વાગ્યા પહેલા અરજી દાખલ કરવામાં આવી હોય એવા કેસમાં માત્ર 24 કલાકમાં જાહેરખબર ની મંજૂરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સોશિયલ મીડિયા સહિત વિજાણું સ્વરૂપમાં કોઈપણ પ્રકારની જાહેરાત માટે એમ સી એમ સી ની મંજૂરી લેવાની રહેશે અને ઈ- પેપરમાં પણ તમામ દિવસોમાં મંજૂરી લેવાની રહેશે. માત્ર અખબારોના કિસ્સામાં મતદાનનો દિવસ અને તેના આગલા દિવસે એમ બે દિવસ માટે સર્ટિફિકેટ લેવું જરૂરી છે.આ અંગેનું અરજી ફોર્મ જિલ્લા માહિતી કચેરી ખાતે ઉપલબ્ધ છે. નિયત નમુનાની અરજી સહિત બધા જ ડોક્યુમેન્ટ બે નકલમાં આપવાના રહેશે. જેમાં જાહેરાત ની સીડી, જાહેરાત પ્રોડક્શન ખર્ચ અને પ્રસારણનો વાસ્તવિક ખર્ચ કોટેશન સાથેની વિગત આપવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.