તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવીણ 'રામ' હવે 'આપ'માં:જન અધિકાર મંચના પ્રવીણ રામે આમઆદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો, જાણો જૂનાગઢના આ ચર્ચાસ્પદ ચહેરા વિશે બધું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ભરતી મામલે આંદોલન કરી યુવાઓમાં લોકપ્રિય થયા

વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમઆદમી પાર્ટીએ સંગઠનને મજબૂત બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. સમાજમાં અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવનારાઓને પાર્ટીમાં સ્થાન આપી આપ' સતત વિસ્તાર કરી રહી છે. આંદોલનકારી પ્રવીણ રામે સત્તાવાર રીતે આજે જૂનાગઢ ખાતે આમઆદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. બે દિવસ પહેલાં ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે બેઠક કર્યા બાદ આજે જૂનાગઢમાં સ્થાનિક નેતાઓ ગોપાલ ઇટાલિયા સહિતનાની હાજરીમાં પ્રવીણ રામ આમઆદમી પાર્ટીમાં જોડાયા છે.

અન્યાય સામે અવાજ ઉઠાવતો આવ્યો છું
આ તકે પ્રવીણ રામે કહ્યું હતું કે ગુજરાતમાં 2022માં આ ભ્રષ્ટ સરકારની જગ્યાએ શિક્ષિત અને ઈમાનદાર સરકાર બનાવવાનો પ્રયત્ન રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં આમઆદમી પાર્ટીને મજબૂત બનાવવા કામ કરીશ. અમને સરકારની કેટલીક નીતિઓ સામે વાંધો છે. રાજ્યમાં ગરીબ વર્ગના લોકો આવી નીતિઓથી ત્રસ્ત થઈ થાકી ગયા છે, જેથી આ અન્યાય સામે અવાજ ઉઠાવતો આવ્યો છું અને આગળ પણ ઉઠાવતો રહીશ.

હું તમામ તૈયારી સાથે નીકળ્યો છું
રામે કહ્યું હતું કે મારો રાજકારણમાં પ્રવેશ ઘણાને ગમશે નહીં, પરંતુ હું તમામ તૈયારી સાથે નીકળ્યો છું. 2022માં ગુજરાતમાં લોકો માટે કામ કરનારી આમઆદમી પાર્ટીની સરકાર બનાવવા પ્રયત્ન કરીશ.અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી અનેકવાર પ્રવીણ રામ રાજકીય પાર્ટીમાં જોડાવાના છે એવી ચર્ચા ઊઠતી હતી. દરમિયાન આજે પ્રવીણ રામ આમઆદમી પાર્ટીમાં જોડાતાં આ ચર્ચાનો અંત આવ્યો છે.

કોણ છે પ્રવીણ રામ ?
પ્રવીણ રામ ગીર-સોમનાથના તાલાલાના ઘૂસિયા ગામના વતની છે. માતા-પિતા અને બે ભાઈઓનો નાનો પરિવાર 4 વીઘા જમીનમાં ખેતી કરી તેમજ પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પ્રવીણ રામે ફાર્મસી અને M.tech સુધીનો અભ્યાસ કર્યો છે. જોકે માસ્ટર ડીગ્રી હોવા છતાં તેઓ કોઈ સંસ્થા સાથે નોકરીમાં જોડાયા નથી. અત્યારસુધી પ્રવીણ રામ જન અધિકાર મંચના નેતા તરીકે ઓળખાતા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં પ્રવીણ રામે અનેક આંદોલન કર્યાં છે અને એમાં સફળતા પણ મેળવી છે, જેથી પ્રવીણ રામની છાપ જનતાના નેતા તરીકે ઊભરી આવી છે.

કયાં કયાં આંદોલન કર્યાં ?
2013 ફાર્માસિસ્ટ આંદોલનઃ પ્રવીણ રામે 2013માં પહેલું આંદોલન ફાર્માસિસ્ટ માટે કર્યું હતું. 2013 સુધી ગુજરાતમાં અનેક મેડિકલો ફાર્માસિસ્ટ વગર જ ધમધમતી હતી. ગેરકાયદે મેડિકલ ચલાવનારા લોકોને કારણે જે ફાર્માસિસ્ટની ડીગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હતા, તેઓ બેરોજગાર હતા જે વાત ધ્યાનમાં આવતાં પ્રવીણ રામે આંદલન શરૂ કર્યું હતું. સતત દોઢ વર્ષ સુધી ચાલેલા આ આંદોલનથી પ્રવીણ રામ અને તેમના સાથીઓએ ગુજરાતમાં 6 હજાર જેટલા ગેરકાયદે મેડિકલ સ્ટોર બંધ કરાવ્યા હતા. આ ઉપરાંત 4 હજાર જેટલા ફાર્માસિસ્ટને માસિક 15થી 20 હજાર રૂપિયા સુધીના પગાર ધોરણે નોકરી પણ અપાવી હતી. આમ, આ આંદોલનથી જે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો હતો.

2015 ફિક્સ પગાર ધોરણ, આશાવર્કર માટે આંદોલન
2015માં પ્રવીણ રામે આશા વર્કર તેમજ આંગણવાડીના કર્મચારીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો. આશાવર્કરનો આરોપ હતો કે તેમને કામ મુજબનું વેતન નથી મળી રહ્યું. આ મુદ્દે પણ પ્રવીણ રામ આગળ આવ્યા અને એક જન આંદોલન શરૂ કર્યું, જેમાં આશાવર્કરને 50 ટકા જેટલો પગાર વધારો મળ્યો હતો. જ્યારે ફિક્સ પગાર માટે ચલાવેલી લડતથી કર્મચારીઓને માસિક 12 હજારથી લઈને 25 હજાર સુધીનો માસિક પગાર વધારો મળ્યો હતો.

2017 ઈકોઝોનનો વિરોધ
પ્રવીણ રામ આ પછી પણ રોકાયા ન હતા. લોકોની સમસ્યાને પોતાની સમજી પ્રવીણ રામ અન્યાય સામે અવાજ ઉઠાવતા રહ્યા અને લોકો માટે લડતા રહ્યા. 2017માં ખેડૂતોના હિત માટે ઈકોઝોન આંદોલન શરૂ કર્યું હતું. પ્રવીણ રામના 52 દિવસના આંદોલન બાદ સરકારને ઝૂકવું પડ્યું હતું અને જે કાયદો લાગુ કરવાનો હતો એને સ્થગિત કરી દીધો હતો. આ આંદોલનમાં પ્રવીણ રામ સાથે તાલાલાનાં કેટલાંય ગામના લોકો જોડાયા હતા.

પ્રવીણ રામે બેરોજગાર યુવાનો માટે એક આંદોલન શરૂ કર્યું હતું, જેમાં 9 હજાર કોન્સ્ટેબલને ઓર્ડર મળ્યો હતો. આ ઉપરાંત તેમણે રિલાયન્સ નેવલ કંપની સામે આંદોલન શરૂ કર્યું હતું તેમજ હાલ તેઓ એક આહીર રેજિમેન્ટની માગ મુદ્દે પણ આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ બધા આંદોલન વખતે અનેક પડકારો હતા. અનેક લોકોની ધમકીઓ અને એ લોકો તરફથી લાલચ પણ મળી હતી અને જોકે અમારી નૈતિકતાને તે લોકો ડગાવી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...