જમદગ્નિ અને ભગવાન પરશુરામની સાધના તપસ્થલીનું એકમાત્ર પવિત્ર યાત્રાધામ સમગ્ર ગુજરાતમાં પ્રભાસ તીર્થક્ષેત્રે સોમનાથ નજીક આવેલ છે. સોમનાથ મંદિરની બાજુમાં આવેલ પરશુરામધામથી પ્રસિધ્ધ આ જગ્યા પર બે કુંડ આવેલા છે. જેમાં એક કુંડનું નામ “જલ પ્રભાસ કુંડ” અને બીજાનું નામ “આદિત્ય પ્રભાસ કુંડ” છે. આ કુંડની વિશેષતા એ છે કે અહીં ક્યારેય પાણી સૂકાતું નથી. દરિયા નજીક આવેલ હોવા છતાં આ પવિત્ર જળ સદાય મીઠ્ઠું રહે છે.
જમદગ્નિ ઋષિ દ્વારા અહીં કઠોર તપશ્ચર્યા કરવામાં આવી હતી. તેમણે અહીં શિવાલયની પ્રતિષ્ઠા કરી હતી. આજે જમદગ્નિય મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. બાદમાં આજ સ્થળ પર તેમના પુત્ર ભગવાન પરશુરામ દ્વારા પણ કઠોર તપશ્ચર્યા કરવામાં આવી. સ્કંદપુરાણની અંદર આ તીર્થનું માહાત્મ્ય ખુબ ભાવપૂર્વક વર્ણવામાં આવેલ છે. 81100 શ્લોક ધરાવતા સ્કંદપુરાણનાં પ્રભાસ ખંડની અંદર આ સાધનાસ્થલીનાં દર્શનને ખુબ જ પવિત્ર ગણવામાં આવેલ છે.
જમદગ્નિ ઋષિએ અહી કઠોર તપશ્ચર્યા કર્યા પછી શિવજી ને પ્રશન્ન કર્યા બાદ જમદગ્નિ મહાદેવની પ્રતિષ્ઠા કરેલી તો ચિરંજીવી પરશુરામે પશ્ર્ચાતાપ માંથી મુક્ત થવામાં માટે તપશ્ચર્યા કરી હતી. યાજ્ઞવલ્કય સ્મૃતિમાં પશ્ર્ચાતાપમાંથી મુક્ત થવા માટે તપ મહાત્મ્ય શ્રેઠ ગણ્યું છે. આથી જ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામ ભગવાને માતા રેણુકાનાં શિરછેદ પછી પશ્ર્ચાતાપમાંથી મુક્ત થવા માટે કઠોર તપશ્ચર્યા અર્થે આ જગ્યા પસંદ કરી તપ દ્વારા શિવજીને પ્રસન્ન કર્યા હતા.
આથી જ આ સાધનાસ્થલી પશ્ર્યાતાપનાં તાપમાંથી મુક્તિ અપાવતું પવિત્ર સ્થળ ગણાય છે. આપણા અનેક ધર્મશાસ્ત્રોમાં શાસ્ત્ર અને શસ્ત્રોમાં નિપુણ ભગવાન પરશુરામનાં આ ધામનોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. શાસ્ત્રોક્ત કાલગણના પ્રમાણે અને મત્સ્યપુરાણના આધારે પરશુરામ ભગવાનનું આયુષ્ય 43 કરોડ 912 લાખ વર્ષ માનવામાં આવી રહ્યું છે. તે દ્રષ્ટિએ જોઈએ તો આ તપસ્થલીનું ખુબ મોટું આધ્યાત્મિક મહત્વ રહેલું છે. સંસ્કૃતના વિદ્વાન યુવા કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાના મતે ભગવાન પરશુરામ 19 માં ત્રેતાયુગમાં થયાનું મત્સ્યપુરાણને આધારે કહી શકાય છે.
જ્યારે ભગવાન શ્રી રામ 24 માં ત્રેતાયુગમાં થયા હતા. યોગવશિષ્ઠ રામાયણ પ્રમાણે ભગવાન શ્રી રામ 16 વર્ષની ઉમરે ધર્મ યાત્રામાં નીકળ્યા હતા ત્યારે આ તીર્થક્ષેત્રે પધાર્યા હોવાનું મનાય છે. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પણ આ સ્થળે આવ્યા હોવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે. ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી પાંડવો પણ આ સ્થળ પર તપ સાધના અર્થે આવ્યા હતા.
આ તીર્થક્ષેત્ર પર અનેક ઋષિઓએ કઠોર તપશ્ચર્યા કરી છે. માર્કંડેય પુરાણના આધારે ઋષિ દુર્વાશા, કપિલ ઋષિ, હિરણ્ય ઋષિ, ભારદ્વાજ ઋષિ, વગેરે તપસ્વી સાધકોની સાધનાથી આ ભૂમિ દિવ્યચેતનાની અનુભૂતિનું કેન્દ્રસ્થાન બની રહી છે. જમદિગ્ન અને તેમના પુત્ર પરશુરામની તપસ્થલી પર આવેલ પરશુરામ મંદિરના જીર્ણોધ્ધારનું કામ સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. (લેખક: પ્રો. ડો. વિશાલ જોષી, અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.