રજૂઆત:વેરાવળની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોટાભાગની દવાઓ બહારની લખી દેવાતી હોવાથી હાલાકી

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RTI એક્ટિવિસ્ટે જીલ્‍લા આરોગ્‍ય અઘિકારીને લેખિત રજુઆત કરી બહારથી દવા ન લખવા માગ કરી

સાત તાલુકાના લોકોને ઉપયોગી એવી જીલ્‍લા મથકની વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દરરોજ મોટી સંખ્‍યામાં મઘ્‍યમ અને ગરીબ વર્ગના દર્દીઓ આવે છે. ત્‍યારે સિવિલમાંથી દર્દીઓને મોટાભાગે બહારના મેડીકલ સ્‍ટોરોમાં મળતી દવાઓ લખી દેવાતી હોય જે ગરીબ અને મઘ્‍યમ વર્ગના દર્દીઓને આર્થિક રીતે પરવડતુ નથી. ત્‍યારે આવા દર્દીઓને સિવિલમાંથી જ પૂરતી દવા મળી રહે તેવી માંગણી કરતી લેખિત રજૂઆત આરટીઆઇ એક્ટિવિસ્ટે આરોગ્‍ય અઘિકારીને કરી છે. રજૂઆતમાં વઘુમાં જણાવેલ કે, થોડા સમય પૂર્વે એક ફરિયાદ બાદ અઘિક જીલ્‍લા આરોગ્‍ય અઘિકારીએ તાલાલા સીએચસીના તબીબને બહારની દવા ન લખવા તાકીદ કરતો હુકમ કરેલ છે તેવો હુકમ વેરાવળ સિવિલના તબીબને પણ કરવા માંગ કરાઇ છે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ અફજલ પટણીએ કરેલ રજૂઆતમાં જણાવેલ કે, જિલ્લાની સૌથી મોટી વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સાતસો જેટલા ગરીબ અને મઘ્‍યમ વર્ગના દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી મોટી સંખ્યામાં ઓપીડી તથા દાખલ થતા હોય છે. ત્‍યારે સિવિલમાં આવતા દર્દીઓની આર્થિક સ્થિતિ નબળી હોવા છતા તબીબો 70 ટકા જેટલી દવાઓની ચિઠ્ઠીઓ બહારના મેડીકલ સ્ટોર્સમાં મળતી હોય તેવી લખી આપે છે. જેના લીઘે સંકટ સમયમાં મોંઘવારીથી પીડાતા જરૂરીયાતમંદ દર્દીઓ હેરાન-પરેશાનીમાં મુકાય છે. જેથી બહારની દવા ન લખવા આદેશ કરવામાં આવે તેમજ સિવિલમાં પુરતી તમામ રોગોની દવાઓ ન હોય તો ત્‍વરીત ઉપલબ્‍ઘ કરાવવામાં આવે જેથી ગરીબ દર્દીઓ હેરાન ન થાય તેની તકેદારી રાખવા તબીબોને સુચના આપવા માંગણી કરી છે.

વઘુમાં એક વર્ષ પૂર્વે આવી જ રીતે તાલાલા સીએચસી કેન્‍દ્રના તબીબો બહારના મેડીકલની દવાઓ લખી આપતા હોવા અંગે થયેલ ફરિયાદને લઇ ગીર સોમનાથ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલાલાના સીએચસીના તમામ તબીબોને લેખિત પત્ર લખી બહારના મેડીકલમાંથી દર્દીઓને દવા ન લખી આપવા તાકીદ કરી હતી. તમામ દવાઓ રોગી કલ્‍યાણ સમિતિ સહિત સરકારના નિયત કેન્‍દ્રમાંથી મંગાવી લેવા જણાવેલ હતુ. હવે પછી કોઇપણ તબીબ બહારથી દવા લખશે અને પકડાશે તો તેના સામે એનપીએની રીકવરી કરવા સાથે ખાતાકીય તપાસ માટે જીલ્‍લા આરોગ્‍ય અઘિકારીને અહેવાલ આપવા સુઘીના પગલા લેવાનું જણાવેલ હતુ.

આવો જ હુકમ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં પણ લાગુ કરવામાં આવે જેથી બહારની દવા લખવાનું બંઘ થાય. જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ હોવા છતાં બહારના મેડીકલની દવા શું કામ લખી આપે છે ? શું સિવિલમાં દવાનો પુરતો સ્ટોક નથી ? આ અંગે તટસ્‍થ તપાસ કરાવવી જોઇએ. સિવિલમાં આવતા ગરીબ-મઘ્‍યમ વર્ગના દર્દીઓને પુરતી દવાઓ નિુ:શુલ્‍ક મળી રહે તેવી વ્‍યવસ્‍થા તાત્‍કાલીક ગોઠવવા અંતમાં માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...