નિમીષ ઠાકર : મતદાનની વ્યવસ્થા માટે ચૂંટણી તંત્રએ રાતદિવસ એક કરવાનું શરૂ કરી દીધું છે. એ રીતે ઇવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી તો કરી પણ દેવાઇ છે. પણ સ્ટાફ ફાળવણીમાં આ વખતે ચૂંટણી પંચે 800 થી ઓછા મતદારો હોય એવા બુથમાં 5 ને બદલે 4 નોજ સ્ટાફ ફાળવ્યો છે. આમ એક વ્યક્તિ ઓછી થઇ જતાં બધી કામગીરી ફર્સ્ટ પોલીંગ ઓફિસર પર આવી જાય. અને તેના પરિણામે મતદાનની કામગીરી ધીમી પડી જાય એવી ભિતી સર્જાઇ છે.
વર્ષોથી એક મતદાન બુથમાં 1 પ્રિસાઇડીંગ ઓફિસર, 1 ફર્સ્ટ પોલીંગ ઓફિસર, 1 સેકન્ડ પોલિંગ ઓફિસર, 1 મહિલા પોલિંગ ઓફિસર અને 1 પટ્ટાવાળા મળી કુલ 5 નો સ્ટાફ હોય છે. તેને બદલે આ વખતે જે પોલિંગ બુથમાં 800 થી ઓછા મતદારો હોય ત્યાં સેકન્ડ પોલિંગ ઓફિસરની જગ્યા ચૂંટણી પંચે કાઢી નાંખી છે.
પરિણામે બધો લોડ ફર્સ્ટ પોલિંગ ઓફિસર પર આવી જાય એમ છે. જાણકારોના મતે એક વિધાનસભા મતવિસ્તારમાં સામાન્ય રીતે 50 ટકા બુથ પર 800 થી ઓછા મતદારો હોય છે. તેમાં વળી આ વખતે મતદાનની ટકાવારી ઉંચી જવાની શક્યતા છે. ત્યારે તેની પ્રક્રિયા ધીમી પડી જવાની ભિતી સર્જાઇ છે.
આ રીતે સમજો મતદાનની પ્રક્રિયા
ચૂંટણી માટેનો કાર્યક્ષમ સ્ટાફ ઓછો
આ અંગે સુત્રોમાંથી મળતી વિગત મુજબ, આદર્શ સ્થિતી જોઇએ તો 120 ટકા સ્ટાફ હોવો જોઇએ. પણ અપંગ, બિમાર, ગર્ભવતી મહિલા કર્મચારીઓ, શારિરીક રીતે અશક્ત હોય એવા કર્મચારીઓને ચૂંટણી ફરજ નથી સોંપી શકાતી. આથી સ્ટાફની સંખ્યા ઘટી જાય છે. આ સ્થિતી આખા ગુજરાતમાં છે. આથીજ ઓછા મતદારો છે ત્યાં પણ મતદાનને અસર ન થાય એ માટે આ વ્યવસ્થા કરાઇ છે.
સ્ટાફ ઓછો થતાં શું થાય?
સેકન્ડ પોલિંગ ઓફિસરે કરવાની કામગીરી ફર્સ્ટ પોલિંગ ઓફિસરે કરવાનો વારો આવે. અને તેમાં ઘણો સમય વિતે. જો કોઇ મતદારનું નામ ન હોય તો એ સમય પાછો વેડફાય પણ ખરો. પાછળ મોટી લાઇન થઇ જાય એટલે દેકારો પણ થાય.
પ્રિસાઇડીંગ ઉપર બીજી જવાબદારી હોય
બુથમાં પ્રિસાઇડીંગ ઓફિસરની જવાબદારી સમગ્ર પ્રક્રિયાના મોનીટરીંગની હોય છે. વળી તેને ઝોનલ અથવા ઉપર દર બે કલાકના આંકડા, ઓળખનો વિવાદ હોય તો કાર્યવાહી જેવી જવાબદારી નિભાવવાની હોય છે. તેથી પોલિંગ ઓફિસરની કામગીરી કરવી તેના માટે અશક્ય હોય છે. જો તેને કાંઇ થાય તો ફર્સ્ટ પોલિંગ ઓફિસર આપોઆપ પ્રિસાઇડીંગ ઓફિસર બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.