હત્યારા ઝડપાયા:માંગરોળમાં તીક્ષ્ણ હથિયારો વડે એક યુવકની હત્યા કરી ફરાર થયેલા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

જૂનાગઢ2 મહિનો પહેલા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નવા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવીપુજક વાસમાં 32 વર્ષીય દેવીપૂજક યુવાનની હત્યા કરવામાં આવી હતી. મૃતક સાગર પરમાર નામના યુવાનની બહેનને આરોપી અજય લવજી પરમારના કાકાનો દીકરો ભગાડી ગયો હતો. જે બાબતને લઈ બંને ભાઈઓ અજય પરમારના ઝુંપડે સમજાવવા જતા ત્યાં રહેતા રમેશ ઉર્ફ વિમલો, ધીરુ સવજી પરમાર, લવજી પ્રેમજી પરમાર, અજય પ્રેમજી પરમાર તેમજ એક સગીરે પાંચે ઇસમો મળી મૃતક સાગર તેમજ તેમના ભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારોના હુમલામાં ઇજાગ્રસ્ત યુવાન સાગર પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે રોડ પર નાકાબંધી કરી
આ ઘટનાને અંજામ આપી પાંચે હત્યારાઓ ફરાર થઈ ગયા હતા .લોહીથી લથપથ હાલતમાં યુવાન સાગર પરમારને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. દેવીપૂજક યુવાનની હત્યાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે આરોપીઓની શોધખોળ માટે માંગરોળના તમામ રોડ ઉપર નાકાબંધી કરી હતી.

પોલીસે હત્યારાઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી
જે અંતર્ગત માંગરોળના ડીવાયએસપી કોડીયાતરની સૂચનાથી પીએસઆઇ એસ.એ સોલંકી દ્વારા તાત્કાલિક ધોરણે ગણતરીની મિનિટોમાં જ કેશોદ રોડ બાલાગામના પાટીયા પાસેથી રિક્ષામાં જતાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપીને આરેણાથી અને એકને માંગરોળથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓમાં રમેશ ઉર્ફ વિમલો, ધીરુ સવજી પરમાર, લવજી પ્રેમજી પરમાર, અજય પ્રેમજી પરમાર તેમજ એક સગીરને પોલીસે ઝડપી પાડ્યા છે. માંગરોળ પોલીસે તમામ હત્યારાઓને ઝડપી હત્યા મામલે વધુ તપાસ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...