બાળકીનો પિતા કોણ?:સોમનાથ ચોપાટી પર દોઢ વર્ષનીને માર મારતા પોલીસે શખ્સને ઝડપ્યો, માસુમ બાળકીના વાલીને લઈ પોલીસ ચકરાવે ચડી

વેરાવળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ બાળકીને માતાનો પ્રેમ આપે છે - Divya Bhaskar
પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ બાળકીને માતાનો પ્રેમ આપે છે
  • શખ્સે દાવો કર્યો કે તે બાળકીનો પિતા છે, તેના માતા-પિતાએ જણાવ્યું કે કુવારો છે
  • માસુમ બાળકીના માતા-પિતાની ઓળખ મેળવવા પોલીસે તપાસ આગળ ધપાવી
  • હાલ પોલીસ સ્ટાફ માસુમ બાળકીને માત્સલ્યનો પ્રેમ આપી રહી છે

સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલી ચોપાટી પાસે એક શખ્સ દોઢ વર્ષની બાળકીને માર મારતો હોવાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બાળકી અને માર મારતાં શખ્સને પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતાં તે તેનો પિતા હોવાનું જણાવ્યું હતું. જોકે, કોઇ આધાર પૂરાવા ન હોવાથી અને શખ્સ ગોળ ગોળ જવાબ આપતાં પોલીસે ડીએને ટેસ્ટ કરાવવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, સોમનાથ મહાદેવ મંદિર નજીક ચોપાટી ઉપર એક યુવક દોઢ વર્ષની માસુમ બાળકીને માર મારી રહ્યો હોય તે અંગેની જાણ પોલીસને થતા પીઆઇ એન.એમ. આહિરે સહીતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી જઇ બાળકીનો તથા યુવાનનો કબ્જો કરી પોલીસ સ્ટેશનને લાવ્યા હતાં. જ્યાં બાળકીના આંખના ભાગે તથા શરીર ઉપર માર તથા સોજાના નિશાન પ્રાથમિક તપાસમાં જણાંતા તેને મેડીકલ ચેક અપ માટે દવાખાને મોકલાઇ હતીં.

યુવાનના આધારકાર્ડના આધારે તેનું નામ સુરજ પ્રકાશરાવ ખીરડકર, (રહે.ચાંદુર રેલવે અમરાવતી, ગામ મહેરબાબા નગર મહારાષ્ટ્ર)નો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ બાળકી પોતાની દિકરી હોવાનું જણાવતા તે અંગેની ખરાઇ કરવા પોલીસ યુવકના મા-બાપને ફોન કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારા છોકરાના લગ્ન જ થયાં નથી.

યુવકને બાળકીની માતા વિશે પુછતા તેણે જણાવ્યું કે, તેની માતા આઠ મહિના પહેલાં કોરોનામાં મૃત્યુ પામી છે. જેથી પોલીસે તે યુવકને તેના સાસુ સસરાના નામ આપવા જણાવ્યું પણ તે આપી શક્યો નહોતો. યુવાનની તલાસી લેતા તેની પાસે પુનાની રેલવે ટિકિટ મળી આવી હતી.

બાળકી દોઢ વર્ષની હોય જેથી બોલી શકતી નથી અને દોઢ વર્ષની માસુમ બાળકીની માતા હાલ હયાત નથી અને કથિત પિતા છે કે નહીં તે પણ નક્કી નથી. જેથી પોલીસે બાળકીના બ્લડ સેમ્પલ ડીએનએ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનમાં મીસીંગ બાળકી બાબતનો ફોટોગ્રાફસ મોકલી જાણકારી આપી છેય આ અંગેની વધુ તપાસ પીઆઇ એન.એમ. આહીરના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કે.એન કાગડા, પ્રવિણભાઇ આગળની તપાસ કરે છે.

હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ ઇલાબેહેન કામળીયા, અસ્મિતાબહેન વાઢેર, વર્ષાબહેન નંદાણિયા, બાળકીને દુધ પાવુ જમાડવું, નવરાવવું ધોવરાવવુ રમકડાંથી રમાડવું સુવાડવુ વગેરે માના વાત્સલ્યની જેમ જતન કરી રહ્યા છે. સ્ટાફના હેમંતભાઇ સહીતનો સ્ટાફ બાળક માટે નવાં કપડાં-રમકડાં દઇ ઘરના બાળકથી પણ વિશેષ કાળજીથી સૌ સેવા કરી પોલીસ ત્વમેવ માતા ત્વમેવ પિતા એમ માતા પિતા ની ફરજ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...