ગુજરાતમાં વ્યાજખોર તત્વો સામેની આકરી કાર્યવાહીના આદેશ બાદ પોલીસ તંત્ર દ્વારા જે ગ્રાઉન્ડ વર્ક કરવામાં અાવ્યું તેના માધ્યમથી નાના અને નીચેના વર્ગના લોકોની સાચી સ્થિતિનો ચિતાર સામે આવ્યો. અને એ પછી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અપાતી લોન-ધિરાણ સહાયનો લાભ આવા લોકોને મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા બેંકો અને સરકારી વિભાગની મદદથી લોન ઈચ્છુકો અને તંત્ર વચ્ચે જોડતી કડી બની.
પોલીસે કરેલી કામગીરીના ભાગ રૂપે જૂનાગઢ શહેરના 500 જેટલા લોકોને સરકારની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લોન સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ કહ્યું હતું કે, વ્યાજખોર તત્વોના ત્રાસમાંથી જરૂરિયાત વાળા લોકોને બચાવવા અને તેને સરકારી યોજનામાં લોન સહાય મળી રહે તે માટે પોલીસ જોડતી કડીની ભૂમિકા આવનારા સમયમાં પણ ભજવશે.
જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત લાભાર્થીઓ અને મહાનુભાવોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, રેન્જમાં કુલ 2500 જેટલા લોકોને આવી લોન સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. આ લાભાર્થીઓ માટે નવી દિશા ખુલી છે. સરકારની યોજનામાંથી તેમની આજીવિકા શરુ થાય અને તે ઇમાનદારી પૂર્વક રોજગાર મેળવે તેવી મારી અપીલ છે.
આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે પ્રજાહિતમાં કામ કરવા પોલીસને આદેશ આપ્યા પછી પોલીસે ખરા અર્થમાં લોકોની વચ્ચે જઈને કામ કર્યું છે. અને તેમાં વાસ્તવિકતા બહાર આવતા નાના-નાના લોકોની વ્હારે પોલીસ એક મધ્યસ્થી તરીકે આવી છે. જેને લોન સહાયનું ફોર્મ પણ ન મળે તેવા લોકોને આ સરકારની યોજનાનો લાભ અપાવીને પોલીસે ખુબ મોટું કામ કર્યું છે.
જેને રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું. અને આપ સૌને કહેવા માગું છું કે પોલીસ આપનો પરિવાર છે એ ભાવનાથી વિચારવાનું શરુ કરવું પડશે. કારણ કે પોલીસ કર્મચારીઓ ખરા સમયે કે વાર તહેવારના સમયે પોતાના પરિવારને મૂકીને આપણા પરિવારની રક્ષા માટે કાર્ય કરતી હોય છે.
જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે, આ એક ચેલેન્જ સમાન કામ એટલે હતું કે પોલીસને બેંકો અને સરકારની યોજનાઓની અમલવારી કરતી કાચેરીઓ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની હતી. પરંતુ અમે નીર્ધાર કર્યો હતો કે, નાના લોકોને વ્યાજના વિષચક્રમાંથી બહાર લાવવા હોય તો પોલીસે આ ભૂમિકા ભજવવી પડશે. અને તેનું પરિણામ આવ્યું કે, આજે 500 લોકોને સરકારની વિવિધ યોજનામાંથી વ્યવસાય માટે કે નાના ધંધા શરૂ કરવા માટે આર્થિક લોન સહાય અપાવી શક્યા છીએ.
આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર ઉપરાંત અન્ય આગેવાનો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાં પ્રતીક સ્વરૂપે 15 લાભાર્થીઓને લોન સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય લોકોને હવે આ લોન સહાય ચેક મળતા થઇ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.