તંત્ર સજ્જ:આજે બાળલગ્ન ન થાય તે માટે પોલીસનું ચેકીંગ ,અખાત્રીજનો દિવસ લગ્ન માટે શુભ હોઇ તંત્રએ વ્યૂહ ગોઠવ્યો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષથી નાની વયની દિકરી કે 21 વર્ષથી નાની વયના દિકરાના લગ્ન થશે તો દંડ અને જેલની સજા અથવા બન્ને થશે

બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006ની અમલવારી કરવા માટે જૂનાગઢ જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે.એમાં પણ મંગળવારે(3 મે 2022 ના) અખાત્રીજનું પાવન પર્વ હોય આ દિવસે વધુ લગ્નો થતા હોય છે. ત્યારે આવા લગ્ન દરમિયાન જિલ્લામાં ક્યાંય બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરાયો છે.

આ અંગે લીગલ ગામ પ્રોબેશન ઓફિસર કીરણબેન રામાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં નિયુક્ત થયેલ ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર અને સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ અધિકારી, કર્મચારીને જો કોઇ જગ્યાએ બાળલગ્ન થતા હોવાનું જણાય અથવા ફરિયાદ મળે તો તાત્કાલીક આદેશ અન્વયે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને તેમજ તાલુકા વાઇઝ કર્મચારીનો સંપર્ક કરી બાળલગ્ન અટકાવવાના રહેશે. આ કામગીરી ખાસ કરીને અખાત્રીજના દિવસે કરવાની રહેશે માટે તમામે એકબીજાના સંકલનમાં રહેવાનું રહેશે.

ખાસ કરીને 18 વર્ષથી નાની વયની દિકરી કે 21 વર્ષથી નાની વયના દિકરાના લગ્ન થઇ શકતા નથી. જો તેમ છત્તાં લગ્ન કરવામાં આવે તો આવા કિસ્સામાં અપરાધીને 2 વર્ષ સુધીની કેદની સજા અથવા રૂપિયા 1,00,000 સુધીનો દંડ અથવા બન્ને સજા થઇ શકે છે. જ્યારે મહિલા અપરાધીને કેદની સજા થઇ શકે નહિ. આ કાયદા હેઠળ તમામ અપરાધો કોગ્નીઝેબલ અને બિન જામીનપાત્ર ગુન્હો બને છે. બાળલગ્નમાં બાળકીના લગ્ન પુખ્તવયના સાથે થાય અથવા બાળક અને બાળકી બન્ને વ્યક્તિ બાળ હોય તો તેને બાળલગ્ન કહેવાય છે.

બાળલગ્નમાં અપરાધી કોણ ?
બાળકી સાથે લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ,બાળકનો હવાલો ધરાવનાર માતા- પિતા કે વાલી, બાળલગ્નનું સંચાલન કરનાર અથવા બાળલગ્ન કરાવનાર અથવા મદદગારી કરનાર અથવા દિશા નિર્દેશ કરનાર, બાળલગ્નને પ્રોત્સાહન આપનાર, બાળલગ્નને સંમતિ આપનાર,બાળલગ્નને નહિ રોકનાર,હાજરી આપનાર, વિધી કરાવનાર અપરાધી ગણાય છે.

બાળલગ્ન પ્રતિબંધ અધિકારીને કોણ મદદ કરી શકે?
આ માટે રાજ્ય સરકાર કોઇપણ પ્રતિષ્ઠિત સેવાભાવિ વ્યક્તિ, ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલટીના અધિકારી, સરકારી અધિકારી, જાહેર ક્ષેત્રના સાહસના અધિકારી અથવા બીન સરકારી સંસ્થાની નિમણુંક કરી શકે છે.

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કોણ ?
બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની નિમણુંક રાજ્ય સરકાર કરે છે. અખાત્રીજ(અક્ષય તૃતિયા)ના દિવસે જ્યારે સમુહલગ્ન થતા હોય ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની સત્તા ધરાવે છે. રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને બાળલગ્ન પ્રતિબંધક અધિકારીને પોલીસ અધિકારીની સત્તાઓ પ્રદાન કરી શકે છે. દરમિયાન બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સામે કોઇપણ કાનુની કાર્યવાહી કે ખટલો માંડી શકાતો નથી. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી બાળકોના ભરણ પોષણમાં તેમજ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલ ફરિયાદની બાબતમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી શકે છે.

બાળલગ્નથી થતી માઠી અસર
સગીર વયની બાળા વધુ ગર્ભવતી બને છે,અપરિપક્વ પ્રસુતિનું પ્રમાણ વધે છે, સગીર માતાનો મૃત્યુદર વધે છે, ગર્ભપાત, કસુવાવડ તેમજ મૃત શિશુ જન્મનું પ્રમાણ વધે છે. નવજાત શિશુમાં માંદગી, અશક્તિ અને મૃત્યુનું પ્રમાણ વધે છે. યૌનજન્ય રોગો તેમજ એચઆઇવી, એઇડ્સ જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધે છે. મંદબુદ્ધિના બાળક વધે છે. બાળક અને ખાસ કરીને બાળકીની સ્વતંત્રતા રૂંધાઇ છે. સ્ત્રીઓ પર અત્યાચાર વધે છે, બાળાઓના અનૈતિક દેહવિક્રય અને વૈશ્યાવૃતિ વધે છે. શાળાઓમાં અભ્યાસ છોડનાર બાળકોની સંખ્યા વધે છે. નાની ઉંમરે કુટુંબનો ભાર અને સામાજિક જવાબદારી ઉઠાવવી પડે છે.નાની ઉંમરે ગૃહિણી તરીકે સમગ્ર ઘરકામ કરવું પડે છે. બાળ મજૂરી વધે છે.

ક્યાં રજૂઆત કરવી ?
શહેર કે જિલ્લામાં ક્યાંય બાળલગ્ન થતા હોવાનું જાણવા મળે તો જૂનાગઢના સરદાર બાગ સ્થિત બહુમાળી ભવનના બીજા માળે અને ગ્રાઉન્ડ ફ્લોરમાં રૂબરૂ અથવા 0285 2636546 નંબર પર તેમજ જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા એકમ,પંકજ બંગ્લોઝ, પીડબલ્યુડી ક્વાર્ટસ, ચર્ચની સામે રૂબરૂ અથવા ફોન નંબર 0285 2620276 નંબર પર જાણ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...