વેરાવળ શહેરમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવા મામલે બે સમુદાય વચ્ચે તણાવની ઘટનામાં પોલીસે ધાર્મિક લાગણી દુભાવવાની અને જાહેરનામા ભંગ મામલે બે જુદા-જુદા ગુના નોંધી 29 શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે શહેરમાં શાંતિ જળવાઈ રહે તેને લઈ રાત્રીના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને હથિયારધારી જવાનોનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
વેરાવળ શહેરમાં બે દિવસ પહેલા ધાર્મિક સ્થળ પર એક કોમના વ્યક્તી દ્વારા ઝંડો ફરકાવી તેને સોશ્યલ મીડિયામાં વાઇરલ કરતા બે કોમ વચ્ચે ભારે તનાવ સર્જાયો હતો. પોલીસે શહેર ભરમાં ચુસ્ત બન્દોબસ્ત ગોઠવી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાને લઇ એસ.પી મનોહરસિંહ જાડેજાએ સમગ્ર મામલે પ્રેસ કોંફરન્સ યોજી જણાવ્યું કે, હનુમાન જયંતિના રાત્રીના બનેલા બનાવ અંગે પોલીસે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી આગેવાનો સાથે બેઠક યોજી છે. તેમજ બે જુદી-જુદી ફરીયાદો નોંધી છે. જેમાં એક ધાર્મીક લાગણી દુભાવવાની અને એક જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. આ બન્ને ગુનામાં એકમાં 8 અને બીજા ગુનામાં 21 મળી કુલ 29 જેટલા લોકોની અટક કરી છે અને ખાસ કરીને ધાર્મીક લાગણી દુભાવવાના ગુનામાં આઠની પુછપરછ ચાલુ છે.
જેમાં આ વીડિયો વાયરલ કરવા પાછળ ઇરાદો શું હતો? કોનો રોલ છે ? તે અંગે તપાસ હાથ ધરી છે અને જેનો પણ રોલ હશે તેને છોડવામાં નહીં આવે તેમજ હાલ સમગ્ર શહેરમાં જે સેન્સેટીવ પોઇન્ટ છે તે સ્થળે હથીયાર ધારી પોલીસનો ખાસ બંદોબસ્ત તેમજ જે સ્થળ ઉપર ટ્રાફીક વધુ થતો હોય ત્યાં ટ્રાફીક પોલીસ રાખેલી છે. હાલ શહેરમાં સંપૂર્ણ શાંતિ હોવાનું જણાવી ભવિષ્યમાં પણ કોઇ પણ આવા મેસેજ હોય તો તેને વાયરલ ન કરવા અને પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.