સેમિનાર:આરોપીના નિવેદનનું પોલીસ ઓડિયો-વીડિયો રેકોર્ડીંગ પણ કરે

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં સાઇબર ક્રાઇમ અંગે સેમિનાર
  • 33 સરકારી વકીલ અને 57 પોલીસ અધિકારીઓ હાજર

જૂનાગઢ જિલ્લાના સરકારી વકીલો અને પોલીસ અધિકારીઓ માટે સાયબર ક્રાઇમ વિશેના લીગલ સેમિનારનું આયોજન કરાયું હતું. ગાંધીનગર સ્થિત ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશનના માર્ગદર્શન હેઠળ આખા રાજ્યમાં એકજ સમયે એકજ દિવસે આ પ્રકારના સેમિનાર યોજાયા હતા. આપણા દેશમાં સૌથી વધુ ગુના પોક્સો અને એટ્રોસિટી હેઠળના નોંધાય છે. જેમાં રહેતી ખામીઓ અને તેના નિવારણ અંગે ચર્ચા કરાઇ હતી.

ખાસ કરીને ગુનાઓમાં સજાનું પ્રમાણ વધારવા અને ગુનાનું પ્રમાણ ઘટાડવાના હેતુથી આ સેમિનાર યોજાયો હતો. જેમાં એસપીએ પોલીસ અધિકારીઓ માટે જણાવ્યું હતું કે, ગુનાની ચાર્જશીટ સરકારી વકીલને બતાવવી જોઇએ અને ગુનાનો મુદ્દામાલ સમયસર એફએસએલમાં મોકલી આપવો જોઇએ. વળી આરોપી પોલીસ સમક્ષ નિવેદન આપે ત્યારે જજ સમક્ષ ફેરવી તોળે છે. આવું ન થાય એ માટે તેના નિવેદનનું ઓડિયો અને વીડિયો રેકોર્ડીંગ કરવા પણ માર્ગદર્શન અપાયું હતું. આ તકે મુખ્ય જિલ્લા ન્યાયધીશ રીઝવાનાબેન બુખારીએ સાયબર ક્રાઇમ અને ઇલેક્ટ્રોનિક પુરાવા વિશે માહિતગાર કર્યા હતા.

તો એડી. સેશન્સ જજ ટી. ડી. પડીઆએ પોક્સો અને એટ્રોસિટી એક્ટ વિશેની ચર્ચા કરી હતી. આ તકે એવી પણ ચર્ચા કરાઇ હતી કે, તપાસ માટેની પરંપરાગત પદ્ધતિ હાઇટેક ક્રાઇમમાં ઉપયોગી નથી બની શકતી. તો ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉપયોગ થકી ગુનેગારો ઇલેક્ટ્રિસીટી સપ્લાય, સંદેશાવ્યવહાર અને ઇન્ટરનેટ બેંકીંગ જેવી સેવાઓ પર હુમલા કરી શકે છે.જિલ્લાના 6 એજીપી, 24 એપીપી, 3 સ્પે. પીપી અને 57 પોલીસ અધિકારીઓ માટેના આ સેમિનારમાં જિલ્લા સરકારી વકીલ નિરવ પુરોહિત અને એસપી વાસમશેટ્ટી રવિ તેજાએ પણ વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...