ગરબાને ફાઇનલ ટચ:થાનથી મંગાવાયેલા પ્લેઇન ગરબાને જૂનાગઢમાં ફાઇનલ ટચ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢની માટી નબળી પડતા અને કારીગર ન મળતા થાનથી ગરબા મંગાવાય છે, મધુરમનો પરિવાર 15 વર્ષથી ગરબાને નવા રંગરૂપ આપે છે

જૂનાગઢમાં નવરાત્રિના પર્વને લઇને ગરબા બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. જોકે, આમાં પ્લેઇન ગરબા થાનથી મંગાવાય છે જેને જૂનાગઢમાં ફાઇનલ ટચ અપાઇ છે. આ અંગે મધુુરમમાં છેલ્લા 15 વર્ષથી ગરબાનું વેંચાણ કરતા કિરીટભાઇ હળવદીયા જણાવે છે કે, એકતો જૂનાગઢની માટી ગરબા બનાવવામાં નબળી પડે છે જેથી યોગ્ય રીતે ફિનીશીંગ આવતું નથી.

બીજું ગરબા બનાવવા માટે હવે કારીગર પણ મળતા નથી. પરિણામે થાનથી માટીના કાચા(પ્લેઇન) ગરબા મંગાવાય છે જેને બાદમાં અહિંયા ફાઇનલ ટચ અપાઇ છે. આ કામમાં મારી પત્નિ ભાવનાબેન, મારો પુત્ર અને પુત્રી એમ પૂરો પરિવાર લાગી જઇએ છીએ.

કઇ રીતે ફાઇનલ ટચિંગ અપાઇ છે?
થાનથી કાચા (પ્લેઇન) ગરબા આવે પછી તેને 5 મિનીટમાં પેપર મારી દેવાય છે જેથી ખરબચડા પણું હોય તો તે દૂર થાય છે અને ફિનીશીંગ સારૂં આવે છે ગરબો લીસ્સો બનતા કલરની લાઇટીંગ સારી આવે છે. પછી ફેવીકોલનું પોતું મારી 4 થી 5 કલાક સુધી સુકાવા દેવા પડે છે. પછી કલર કરી 1 દિવસ રાખવા પડે છે. પછી સ્ટોન ચોટાડવા તેમજ કલર કરવામાં અને ડિઝાઇન બનાવવામાં 15 મિનીટ જાય છે. છેલ્લે તેને પેકીંગ કરી દેવાય છે પછી વેંચાણ માટે મોકલાય છે.

કેટલા રૂપિયા સુધીના ગરબા?
અમે 50 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીના 4 થી 5 જાતના અલગ અલગ ગરબા બનાવીએ છીએ. જ્યારે ખાસ કરીને નવરાત્રી પર કચ્છી ગરબાની પણ સારી ડિમાન્ડ રહે છે જે ગરબા તૈયાર મંગાવીને વેંચીએ છીએ.

ક્યાં, ક્યાં ગરબા જાય છે?
અમે તૈયાર કરેલા ગરબા જૂનાગઢ ઉપરાંત કેશોદ, માંગરોળ, માણાવદર, જેતપુર સહિતના અનેક ગામોમાં જાય છે. અંદાજે દર વર્ષે 6,000 જેટલા ગરબાનું વેંચાણ થાય છે. તસવીર: જગદીશ બારડ

ખાસ કઇ કાળજી રાખવાની રહે છે?
હેરફેરમાં તૂટે નહિ તેની કાળજી વધુ રાખવાની રહે છે. કારણ કે, જરા પણ ટોચો પડે એટલે તે ખંડિત ગણાય. ખંડિત થયા પછી આવો ગરબો કોઇ ન લે કારણકે ખંડિત ગરબાનું સ્થાપન ન થઇ શકે. જ્યારે કલરમાં પણ લાલ, લીલો, સફેદ, બ્લુ એમ 4 કલર જ ચાલે. એક વખત લઇ ગયા પછી કોઇ ફરિયાદ ન આવે પરંતુ બીજાને લેવા માટે મોકલે તે અમારા ધંધાનો મંત્ર છે.

અન્ય સમાચારો પણ છે...