નારી તું નારાયણી:ગુજરાતમાં પ્રથમ વખત 1 અથવા 2 દીકરી ધરાવતાં માતા-પિતા માટે પિન્ક કાર્ડ, સરકારી કચેરીનાં કામમાં લાઇનમાં ઊભાં રહેવું પડશે નહીં

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે 50 જેટલા લોકોને પિન્ક કાર્ડ આપવામાં આવ્યું હતું. - Divya Bhaskar
જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે 50 જેટલા લોકોને પિન્ક કાર્ડ આપવામાં આવ્યું હતું.
  • નવરાત્રિના પ્રથમ દિવસે જિલ્લા વહીવટી તંત્રની દીકરીઓને અનોખી ભેટ
  • કાર્ડધારકને સરકારી કચેરીનાં કામમાં લાઇનમાં ઊભા રહેવું નહીં પડે
  • પ્રથમ શહેરના 1 હજાર, ગ્રામ્યમાં 1618 લોકોને લાભ મળશે
  • પિન્ક કાર્ડ જૂનાગઢ મામલતદાર કચેરીએથી મળશે

ગુરુવારથી પ્રથમ નોરતાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ નવરાત્રિના પ્રથમ દિવસે જ દીકરીઓને પિન્ક કાર્ડની અનોખી ભેટ આપી નારી તું નારાયણી સૂત્રને સાર્થક કર્યું છે. ડિસ્ટ્રિક્ટ એકશન પ્લાન ગુડ ગવર્નન્સ અંતર્ગત નવીન પહેલના ભાગરૂપે જૂનાગઢ પ્રાંતમાં જિલ્લા કલેકટર રચિત રાજ અને એસડીએમ અંકિત પન્નુએ પિન્ક કાર્ડ યોજનાનું ઉદઘાટન કરી લાભાર્થીઓને પિન્ક કાર્ડનું વિતરણ કરી નારી તું નારાયણી આ સૂત્રને યથાર્થ રીતે લાગુ કર્યું છે.

પિંક કાર્ડ.
પિંક કાર્ડ.

આ અંગે જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઇનોવેટિવનેસ પિન્ક કાર્ડનું લોન્ચિંગ કર્યું છે. મારી દીકરી મારૂ અભિમાન અને મારૂં સ્વાભિમાન એ અંતર્ગત આ યોજના લાગુ કરી પિન્ક કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. બેટી બચાવો, બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા આ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત જે દંપત્તિ 1 અથવા 2 દીકરી ધરાવે છે તેને આ કાર્ડનો ફાયદો મળશે. પિન્ક કાર્ડ ધરાવનારને સરકારી કચેરીઓમાં કોઇપણ જાતની કામગીરી માટે લાઇનમાં ઉભા રહેવું નહી પડે.

આવા કાર્ડ ધારકને સરકારી કામગીરીમાં પ્રાયોરિટી આપવામાં આવશે. ગમે તેટલી લાંબી લાઇન હોય પિન્ક કાર્ડ ધારકોને સરકારી યોજનાના લાભ મેળવવા માટે લાઇનમાં ઉભવાથી મુક્તિ મળશે. દરમિયાન હાલ જૂનાગઢ તાલુકામાં પિન્ક કાર્ડ લોન્ચ કરાયા છે જેમાં જૂનાગઢ ગ્રામ્યમાં 1,618 અને શહેરમાં 1,000 લાભાર્થીઓ માટે કાર્ડ ઇશ્યુ કરાશે. અમે ઇચ્છીએ છીએ કે દરેક મા બાપ કે જે માત્ર દીકરી ધરાવે છે તે પોતાની દીકરી પ્રત્યે સ્વાભિમાન ધરાવે.

જૂનાગઢ તાલુકા સેવા સદને દરરોજ ભીડ જામે છે
જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે વિવિધ કામગીરી માટે દરરોજ અરજદારોની મોટી લાઇનો લાગે છે. અનેક વખત તો કલાકો સુધી લાઇનમાં ઉભવા છત્તાં વારો આવતો નથી. પરિણામે અરજદારોને ફરી ધક્કા ખાવા પડે છે અને ફરી લાઇનમાં ઉભવું પડે છે. ત્યારે પિન્ક કાર્ડ ધારકોને લાઇનમાં ઉભવામાંથી મુક્તિ મળતા તમને મોટી રાહત મળશે.

મામલતદાર કચેરીએથી કાર્ડ મળશે
જે દંપત્તિ સંતાનમાં માત્ર 1 કે 2 દીકરી જ ધરાવે છે તેવા લાભાર્થીને પિન્ક કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. આ કાર્ડ મામલતદાર કચેરી ખાતેથી મેળવી શકાશે. દરમિયાન કાર્ડ સંબંધી જો કોઇ મુશ્કેલી જણાય તો તેના માટે એસડીએમનો સંપર્ક કરી શકાશે.

હાલ માત્ર જૂનાગઢ સિટી અને ગ્રામ્યમાં
પિન્ક કાર્ડની કામગીરી હાલ માત્ર જૂનાગઢ સિટી અને ગ્રામ્ય માટે જ કરાશે. આ એક પ્રયોગ છે. આ પ્રાયોગિક કામગીરીની સમિક્ષા કરવામાં આવશે બાદમાં આ કામગીરી સમગ્ર જિલ્લામાં લાગુ કરવામાં આવશે.

કાર્ડમાં પરિવારના સભ્યોનાં નામ રહેશે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ બનાવવામાં આવ્યું છે. આ કાર્ડમાં પરિવારનાં સભ્યોનું નામ હશે. તેમજ કુટુંબનાં વડા, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગતો રહેશે. તેમજ કાર્ડમાં મામલતદારની સહી પણ રહેશે.