માત્ર જૂનાગઢજ નહીં, સર્વત્ર લોકો શ્વાનથી ત્રસ્ત છે. ખાસ કરીને રાત્રિના સમયે તો દ્વિચક્રી વાહન ચાલકોએ ગમે ત્યાંથી પસાર થતી વખતે શ્વાનનો કોઠો વીંધવોજ પડે છે. નાઇટ શીફ્ટમાં નોકરી કરનારની હાલત જોવા જેવી હોય છે. એવું નથી કે, આ સ્થિતીનો હલ તંત્ર પાસે નથી હોતો. પણ આ વિષય સ્થાનિક સત્તાતંત્રના હવાલે હોવાથી અને સ્થાનિક તંત્રને ઘણીબધી શેહશરમ રાખવી પડતી હોવાથી લોકોને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ નથી મળતી.
જૂનાગઢ શહેરમાં પણ વર્ષોથી રખડતા શ્વાનોનો આતંક ઓછો નથી. આ સ્થિતીમાંથી બહાર આવવા માટે મનપાએ 14 મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી પ્લાસવા ડમ્પીંગ સાઇટ ખાતે ડોગ સ્ટરીલાઇઝેશન સેન્ટર બનાવ્યું. છેક વર્ષ 2016-17 માં તેની ગ્રાન્ટ આવી હતી. ત્યારપછી બન્યું તો છેક 2021 માં. અને તા. 26 ડિસે. 2021 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું લોકાર્પણ પણ કરી દીધું. પણ હજુ સુધી અહીં એકપણ શ્વાનનું સ્ટરીલાઇઝેશન એટલેકે, ખસીકરણ કરવામાં આવ્યું નથી.
જો આ કેન્દ્ર શરૂ થાય તો માત્ર જૂનાગઢજ નહીં, આખા જિલ્લામાંથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રખડતા શ્વાનને પકડીને ખસીકરણ માટે મોકલી શકે. આ રીતે કમસેકમ તેની વસ્તી પર નિયંત્રણ આવે તો પણ લોકોને થોડો સમય શ્વાનના ત્રાસમાંથી મુક્તિ મળે ખરી. પણ આજે આ વાતને સવા વર્ષ થઇ ગયા પછી પણ આ કેન્દ્રના તાળા ખૂલ્યાં નથી. બીજી તરફ લોકો શ્વાનનો ત્રાસ ન છુટકે વેઠ્યેજ જાય છે.
શ્વાન કરડે એની રસીનો ખર્ચ અને સિવીલ હોસ્પિટલના ધક્કા, શ્વાનથી લાગતો ડર તો આમાં ગણાતોજ નથી. જૂનાગઢ મનપા હવે જાગે અને આ કેન્દ્રને કાર્યરત કરે તો પણ લોકોને ઘણી રાહત મળે. તસવીર: મેહુલ ચોટલીયા
શહેરમાં 15 હજારથી વધુ રખડતા શ્વાન
જાણકારોના મતે એક અંદાજ પ્રમાણે આજની તારીખે જૂનાગઢ શહેરમાં ઓછામાં ઓછા 15 હજાર શ્વાન હોઇ શકે. આનાથી વધુ હોય પણ ઓછા તો નથીજ.
અકુદરતી ખોરાક પણ હિંસક બનાવે
જીવદયાપ્રેમીઓ દ્વારા શ્વાનોને બિસ્કીટ ખવડાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો ગાંઠિયા કે પછી ફાસ્ટફૂડનો એંઠવાડ ફેંકે એ શ્વાન માટે તો અકુદરતી ખોરાકજ છે. અને તેનાથી શ્વાનની હિંસક વૃત્તિ વધે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.