મકરસંક્રાતિના પર્વ પર લોકો જ્યારે પતંગ ઉડાવી તહેવારનો આનંદ માણતા હોય છે, ત્યારે ભેસાણમાં લોકો સાથે મળી લોકસેવાનું કાર્ય કરે છે. ભેસાણના 150થી વધુ પુરુષો સાથે મળીને સામાજિક કાર્યમાં જોડાય છે. અહીંના પુરુષો મકરસંક્રાંતિના દિવસે સ્મશાનમાં આ પર્વની ઉજવણી કરે છે. જેમાં ધારાસભ્ય, યુવાનો અને વડીલો સૌ કોઈ જોડાય છે. અહીં વર્ષોથી કોઈ યુવા ધન કે વડીલો પતંગ ચગાવતા નથી, પરંતુ સ્મશાન માટે એક વર્ષ માટે લાકડાઓ ભેગા કરે છે. જુનાગઢના ભેસાણ તાલુકામાં વર્ષોથી આ એક પરંપરા ચાલી આવી છે.
25થી 70 વર્ષ સુધીના લોકો લાકડા ભેગા કરે છે
ભેસાણમાં ધારાસભ્ય યુવાનો સાથે જોડાઈ લોકસેવાનું કાર્ય કરે છે. આ કામ કરવાની પરંપરા વર્ષોથી અહીંના લોકોએ જાળવી રાખી છે. અહીં કોઈ વ્યક્તિ એકબીજાને કામ ચીંધતું નથી, પરંતુ મકરસંક્રાંતિના દિવસે સવારથી જ દરેક લોકો આ સ્મશાને પહોંચી જાય છે અને અહીં સ્મશાન માટે લાકડા ભેગા કરવાનું કામ કરે છે. એક વર્ષ માટે અહીં સ્મશાનમાં એક વર્ષ સુધી કામ લાગે એટલા લાકડા ભેગા કરે છે. જેમાં વરસાદમાં પણ પલડે નહીં એવી વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી અને ભોજન લઈ દરેક લોકો છૂટા પડે છે. 25 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના દરેક લોકો આ કાર્યમાં જોડાય છે.
25 વર્ષથી શ્રમદાન કરી ઉજવણીવિસાવદર મત વિસ્તારના ધારાસભ્ય અને ભેસાણમાં જ રહેતા ભૂપત ભાયાણીએ જણાવ્યું હતુ કે છેલ્લા 25 વર્ષથી દરેક મકરસંક્રાંતિના પર્વ પર ગામના લોકો દ્વારા શ્રમદાન કરી ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ગામના યુવાનો, દરેક સમાજના લોકો, દરેક સંસ્થાના લોકો, મકરસંક્રાંતિનું પાવન પર્વની ઉજવણી શ્રમદાન કરીને કરે છે. જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ લાકડાની વ્યવસ્થા ભેસાણ ગામની સમિતિ પાસે હોય છે. જેમાં લાકડામાં કટિંગ કરવું, વ્યવસ્થિત ગોઠવણી કરવી, વ્યવસ્થિત જગ્યાએ મૂકવા એ બધું શ્રમદાન કરવું ખૂબ જ અઘરું હોય છે. એવું કામ ભેસાણ ગામના યુવાનો અને વડીલો સાથે મળીને કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.