ઉનામાં ભાજપનું સ્નેહમિલન યોજાયુ:ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને કામ કરવાની પ્રતિબદ્ધતામાં લોકોને વિશ્વાસ છે: મુખ્યમંત્રી પટેલ

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્‍યમંત્રીનું સ્‍વાગત કરી રહેલ ગીર સોમનાથ ભાજપના આગેવાનો - Divya Bhaskar
મુખ્‍યમંત્રીનું સ્‍વાગત કરી રહેલ ગીર સોમનાથ ભાજપના આગેવાનો
  • ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આપણે માર્કેટની પણ વ્યવસ્થા કરીશુ: મુખ્યમંત્રી
  • ગામડાઓમાં શહેરો જેવી જ સુવિધા ઉભી થઇ રહી છે: પ્રભારી મંત્રી રૈયાણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ ઉના શહેર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પટેલે પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા ખેડૂતોને જણાવ્યું હતું. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને કામ કરવાની પ્રતિબદ્ધતામાં લોકોને વિશ્વાસ છે તેવું જણાવ્યું હતું.

જિલ્લાના ઉના ખાતે યોજાયેલા સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજરી આપવા હેલીપેડ પર પહોંચેલા મુખ્યમંત્રીનું પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, કાળુભાઇ રાઠોડ, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, ડીડીઓ રવીન્દ્ર ખતાલે, પોલીસવડા રાહુલ ત્રિપાઠી સહિતનાએ સ્વાગત કર્યુ હતુ. બાદમાં સ્ટેજ પહોંચેલા મુખ્યમંત્રી પટેલનું જિલ્લા ભાજપના પદાધિકારીઓ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓએ મોમેન્ટો આપી પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરી અભિવાદન કર્યુ હતુ. બાદમાં વંદે માતરમ ગાન અને બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક ગીત રજુ કરાયું હતુ.

આ તકે સંબોધનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના સૌ મહાનુભાવોને આપ સૌ કાર્યકરોમાં વિશ્વાસ છે અને એ દિશામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જન સેવામાં સમર્પિત છે. કોરોનામાં ભાજપ પાર્ટીના કાર્યકરે પ્રજાની વચ્ચે રહીને ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી છે. હવે વિવિધ સરકારી યોજનાઓનો લોકોને લાભ અપાવી રહ્યો છે. છેવાડાના લોકોની સેવા કરવી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી સુવિધા રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. હવે પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા ખેડૂતોને જણાવી માર્કેટ માટે પણ વ્યવસ્થા સરકાર કરશે. નવા વર્ષમાં ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર ભાજપ પાર્ટીને વિજયી બનાવવા કાર્યકરોને સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગામડાઓમાં સુવિધાઓ વધે તે માટે અભિયાન હાથ ધર્યું છે. સેવા સેતુના કાર્યક્રમ થકી 57 જેટલી સેવાઓ લોકોને ઘરઆંગણે મળી રહી છે. સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટી પરિવાર ભાવના સાથે સૌને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકમાં વિજયી બનાવવા કાર્યકરોને આહવાન કર્યુ હતુ.

આ સ્નેહમિલનમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ, રાજશીભાઈ જોટવા, ગોવિંદભાઈ પરમાર, જે. ડી. સોલંકી,ઉના પાલિકા જલ્પાબેન બાંભણીયા, ભાવેશભાઈ ઉપાધ્યાય ,હરિભાઈ સોલંકી, પક્ષ અગ્રણી રધુભાઇ હુંબલ, ડો.વઘાસીયા, મીતેશ શાહ, પાલીકા પ્રમુખ પીયુષ ફોફંડી ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ- આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...