અન્નકોટ:લોકો રજા માણે, પણ મંદિરોમાં માથેમાથું ન હોય

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્નકોટ એટલે પુષ્ટિ સંપ્રદાય અને સ્વામી નારાયણ મંદિરો માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ

દિવાળીના દિવસોમાં લોકો રજા માણે. ધાર્મિક મહત્વ ધરાવતા આ દિવસોમાં મોટાભાગના લોકો દેવદર્શને જતા હોય છે. ત્યારે ખાસ કરીને મંદિરોના સ્ટાફને દિવાળીનો તહેવાર ખુબજ વ્યસ્ત રહે છે. તેઓ દિવાળીના અઠવાડિયા અગાઉથી અન્નકોટની તૈયારી કરવા લાગે છે..

અન્નકોટના દિવસે તો તેની સજાવટ, ભગવાનના શ્રૃંગાર, ભાવિકોની વ્યવસ્થા, સહિતના કામોમાં આખો દિવસ ક્યાં પસાર થઇ જાય તેની ખબર નથી પડતી. વૈષ્ણવ મંદિરોમાં ઘણુખરું બેસતા વર્ષે અન્નકોટ હોય છે. જૂનાગઢના મંદિરોમાં અત્યારે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

કોરોનાને લીધે ફક્ત સૂકી સામગ્રી બનાવાશે
આપણે ત્યાં બેસતા વર્ષે મોટો અન્નકોટ ધરાવાય છે. તેના એક ખંડમાં 600 વાનગી હોય છે. એવા 4 ખંડ હોય છે. અત્યારે તેને ગોઠવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. આ વખતે અન્નકોટની પ્રસાદીના 25,000 બોક્સ બનાવવાના છે. એક અઠવાડિયાથી 200 સ્વયંસેવકો રજા લઇને સવારે 8 થી સાંજે 6 સુધી સેવામાં હોય છે. પણ અન્નકોટના દિવસે 1,000 સ્વયંસેવકો સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી સેવામાં ખડેપગે રહેશે. > સાધુ ધર્મવિનયદાસજી, કોઠારી, અક્ષર મંદિર

પુષ્ટિ સંપ્રદાયમાં મોટામાં મોટી સેવા અન્નકોટની
પુષ્ટિ સંપ્રદાયમાં મુખ્યાજીને વર્ષ દરમ્યાન પોતાની સેવાનો હુન્નર બતાવવાનો આ સૌથી મોટો અવસર હોય છે. શ્રીકૃષ્ણ ભગવાને ગિરીરાજ પર્વત ઉઠાવ્યો. તેઓ 7 દિવસ સુધી ઇન્દ્રની સામે ભૂખ્યા રહ્યા. તેનો માનભંગ કર્યો. એ પછી તેમને અન્નકોટ ધરાવવામાં આવ્યો. ઠાકોરજી કહે છે જે હું છું એજ આ ગિરીરાજ પર્વત છે. અન્નકોટના દર્શન અને ઠાકોરજીના શ્રૃંગાર જોઇને વૈષ્ણવોને આનંદ થાય એટલે મુખ્યાજીનો બધો થાક ઉતરી જાય. > નિરવ પુરોહિત, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી રાધાદામોદરજી મંદિર

અમારે દિવાળીના 4 દિવસ ખુબજ વ્યસ્તતાનાં હોય
અમારે ધનતેરસથી બેસતા વર્ષ એ 4 દિવસોજ વર્ષમાં સૌથી વધુ વ્યસ્તતાનાં હોય છે. ચારેય દિવસ સવાર-સાંજની આરતી. બેસતા વર્ષે બપોરે અન્નકોટની સજાવટ શરૂ થાય. અને સાંજે 5:30 થી 9 વાગ્યા સુધી દર્શન થાય. તેની સામગ્રી બનાવવા ખાસ હવેલીના કારીગરો આવે છે. દર્શન બંધ થયા બાદ મોડી રાત સુધી મંદિરમાં બધુ વ્યવસ્થિત કરવાનું હોય. અને ત્યારપછી પાંચેક દિવસ સુધી બધાને પ્રસાદનું વિતરણ થાય. > ભૂપેન્દ્ર સી. વ્યાસ, પૂજારી, મહાલક્ષ્મી મંદિર

રોજ 70 થી 80 હજાર દર્શનાર્થીની વ્યવસ્થા સાચવવાની
દિવાળીના દિવસો ખુબજ વ્યસ્ત હોય છે. મંદિરના 35 લોકો 10 દિવસથી બેસતા વર્ષે અન્નકોટની તૈયારી કરવા લાગે. આ દિવસોમાં ખાસ તો મીઠાઇ સહિતની સૂકી સામગ્રી બને. જ્યારે બેસતા વર્ષે તો સવારે 4 વાગ્યાથી તમામ પ્રકારના શાક, બધી દાળ, કઠોળ બનાવવાનું શરુ થાય. આ દિવસોમાં અંદાજે 70 થી 80 હજાર દર્શનાર્થીઓ આવે અને મંદિરમાં 2 થી અઢી હજાર હરિભક્તો રોકાયા હોય તેમની વ્યવસ્થા સાચવવાની, પ્રસાદ પીરસવાનો હોય છે. > કોઠારી પ્રેમસ્વરૂપદાસજી, સ્વામી મંદિર, જવાહર રોડ

અન્ય સમાચારો પણ છે...