મબલખ આવક:જૂનાગઢના માર્કેટ યાર્ડમાં 30 કરોડની મગફળી ઠલવાઇ, હજુ ​​​​​​​આવકનો પ્રવાહ નિરંતર ચાલુ જ છે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક તરફ સરકાર મગફળી ખરીદવા માટે ખેડૂતો પાસેથી હાલ રજીસ્ટ્રેશન કરાવી રહી છે
  • બીજી બાજુ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે
  • સરકાર લાભ પાંચમથી ખરીદી કરશે ત્યાં સુધીમાં અનેક ખેડૂતો મગફળી વેંચી નાંખશે

જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની વિપુલ માત્રામાં આવક થઇ રહી છે. એક તરફ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે ખેડૂતો પાસેથી હાલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવી રહી છે. ત્યારે બીજી બાજુ અનેક ખેડૂતો પોતાની મગફળી યાર્ડમાં વેંચી રહ્યા છે.

આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલના માર્ગદર્શનમાં કરાયેલી તમામ તૈયારીના કારણે યાર્ડમાં મગફળી લઇને આવનાર ખેડૂતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં યાર્ડમાં અંદાજે 2,00,000 ગુણી મગફળીની આવક થઇ છે. એક ગુણીમાં 30 કિલો મગફળી હોય છે. ગુણીનો ભાવ 1,500 હોય છે. આમ, અંદાજીત 30,00,00,000થી વધુની મગફળીની યાર્ડમાં આવક થઇ છે. જોકે, હજુપણ મગફળીની આવક દિનપ્રતિદિન વધી રહી છે.

દરમિયાન સરકાર દ્વારા તો છેક લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. તે પહેલા મોટી સંખ્યામાં ખેડૂૂતો પોતાની મગફળી યાર્ડમાં વેંચી નાંખશે. યાર્ડમાં અન્ય જણસીની પણ સારી એવી આવક થઇ રહી છે.

યાર્ડમાં મગફળીનો શું ભાવ ચાલી રહ્યો છે?
જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળીનો ભાવ 20 કિલો(મણ)નો 700 રૂપિયાથી લઇને 1,250 રૂપિયા ચાલી રહ્યો છે. દરમિયાન સોમવારે તો 66 નંબરની મગફળીનો ભાવ 1,253 સુધી બોલાયો હતો. જોકે, હજુ પણ થોડી ભેજવાળી મગફળી હોય છે. ભેજ વગરની મગફળીનો ભાવ વધી પણ શકે છે.

શા માટે આવક થઇ રહી છે?
એક તો સરકાર દ્વારા ટેકાના ભાવે છેક લાભ પાંચમથી ખરીદી કરાશે અને બાદમાં નાણાં અપાશે. ત્યારે જે ખેડૂતને અત્યારે નાણાંની જરૂરિયાત છે તે ટેકાના ભાવની રાહ જોવાના નથી. સરકાર દ્વારા ટેકાનો ભાવ 1,110 નક્કી કરાયો છે. હાલ યાર્ડમાં સારી ક્વોલીટીની મગફળીનો ભાવ 1,250 સુધીનો મળી રહ્યો છે. પરિણામે પણ ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવના બદલે માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં વેંચી રહ્યા છે. વળી, ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં પણ અનેક કડાકૂટ હોય છે જેનાથી કંટાળી ગામડાના અનેક ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં મગફળી વેંચી રહ્યા છે.

અન્ય જણસીની પણ આવક શરૂ છે
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં મગફળી ઉપરાંત તુવેર, તલ, ધાણા, બાજરી, જુવાર,લસણ, ડુંગળી, ઘઉં, એરંડા, સોયાબિન સહિતની અનેક જણસીની આવક થઇ રહી છે. આમાં પણ સોયાબીનની આવક મગફળી કરતા પણ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...