જૂનાગઢના ગિરનાર પર્વતના 5,000 પગથિયા પર બિરાજમાન માં અંબાનો શુક્રવાર- પોષી પૂનમના પ્રાગટ્યોત્સવ ઉજવાશે.આ તકે ધ્વજારોહણ, વિવિધ દ્રવ્યોથી અભિષેક, મહાપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મંદિરના મહંત મોટાપીર બાવા તનસુખગિરી મહારાજે જણાવ્યું હતું કે, પુરાણ કથામાં ઉલ્લેખ છે કે, દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો જેમાં જમાઇ- શિવજીને આમંત્રણ આપ્યું ન હતું. જેથી યજ્ઞમાં ગયેલ પાવર્તીજીએ યજ્ઞ કુંડમાં પડી દેહ ત્યજી દીધો હતો.
બાદમાં શિવજીએ આવી તાંડવ કર્યું અને ભગવાન વિષ્ણુએ દેવીના શરીરના 52 ટૂકડા કર્યા. આ 52 ટૂકડા જ્યાં પડ્યા તે સ્થળે માતાજીની શક્તિપીઠો બની છે. આમ,માતાજીની કુલ 52 શક્તિપીઠો આવેલી છે. જ્યારે ગિરનાર પર્વત પર માતાના ઉદરનો ભાગ પડ્યો હોય ગિરનાર પર્વત પરની શક્તિપીઠ ઉદયન શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ત્યારે 6 જાન્યુઆરી-શુક્રવાર- પોષી પૂનમે માં અંબાનો પ્રાગટ્યોત્સવ હોય તેની ઉજવણી કરવામાં આવશે.
આ તકે માતાજીની વિશેષ પૂજા, ગંગાજળ, દૂધ, દહિં, ઘી, મધ સહિતના વિવિધ દ્રવ્યોથી અભિષેક, વિશેષ શણગાર, હોમ, હવન, ધ્વજારોહણ, મહાઆરતી કરી બાદમાં માતાજીને થાળ ધરી ઉપસ્થિત ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારેઆ ધાર્મિક પ્રસંગે ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા તનસુખગિરી મહારાજે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.