તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ સ્ટેશનમાં ફડાકાવાળી:કેશોદ પોલીસ સ્ટેશનમાં સમાધાન અર્થે આવેલા બનેવીને પાટલા સાસુએ ફડાકા ઝીંકી ધમકી આપી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 181ના સ્ટાફની હાજરીમાં ફડાકાવાળી થતા સ્ટાફ પણ સ્તબધ બન્યો
  • આ મામલે પાટલા સાસુ સામે બનેવીએ ફરીયાદ નોંધાવી

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતા એક યુવાનના રાજકોટની યુવતી સાથે લગ્ન થયા હતા. બાદમાં ઘરેલું હિંસાની પતિ સહિતના સામે ફરિયાદ કરીને પત્ની રાજકોટ પિયર જતી રહેલ હતી. દરમ્યાન તાજેતરમાં પતિ અને પત્ની વચ્ચે સમાધાન કરાવવા અર્થે 181 સ્ટાફએ પતિને કેશોદ પોલીસ સ્ટેશને બોલાવેલ હતો. તે સમયે વાતચીત ચાલી રહેલ દરમ્યાન 181 સેવાના સ્ટાફની હાજરીમાં પત્નીની મોટી બહેને (પાટલા સાસુ)એ પતિ(બનેવી)ને ફડાકા ઝીકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વધુ વિગત મુજબ કેશોદમાં એરપોર્ટ રોડ પર રહેતા કેયુરગીરી નરેન્દ્રગીરી ગોસાઈએ રાજકોટમાં રૈયા રોડ ઉપર રહેતા જનગીરી કિશોરગીરી ગોસ્વામીની દીકરી હેમાદ્રી સાથે બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હેમાદ્રીએ પતિને રાજકોટ રહેવા જવા માટે જીદ કરેલી પરંતુ કેયુરએ રાજકોટ જવાની ના પાડી દેતા બાદમાં પતિ- પત્ની અલગ મકાનમાં રહેવા લાગ્યા હતા. ત્યારબાદ પત્નીએ પતિ સહિતના સામે દુ:ખ ત્રાસની કેશોદ પોલીસમાં ફરિયાદ નોધાવીને રાજકોટ પિતાના ઘરે જતી રહી હતી.

દરમ્યાન ગત તા.19 મીએ કેયુરને કેશોદ પોલીસ સ્ટેશનમાં 181 અભયમ સેવામાંથી સ્ટાફે ફોન કરીને બોલાવતા તે પોલીસ સ્ટેશને ગયો હતો. જ્યાં 181 અભયમની ઓફિસમાં તેની પત્ની હેમાદ્રી અને તેણીની મોટી બહેન શિતલ હર્ષભાઈ દવે હાજર હતી. ત્યારે હેમાદ્રીએ પતિ સાથે કેશોદ રહેવા આવવા માટેની વાત કરતા તેના પતિ કેયુરએ અગાઉ પત્નીએ કરેલી ફરીયાદના કારણે સાથે રાખવાની ના પાડી દીધી હતી. જેને લઈને પત્ની સાથે રહેલી તેની મોટી બહેન શીતલબેનએ ઉશ્કેરાઈ જઈ અભયમ હેલ્પલાઈનના સ્ટાફની હાજરીમાં કેયુરને ગાલ પર ત્રણ ચાર ફડાકા મારી દીધેલ હતા. ત્યારે હાજર સ્ટાફે તેને છોડાવ્યો હતો. બાદમાં શીતલ અને હેમાદ્રીએ બન્નેએ કેયુરને જીવતો નહી રહેવા દઈએ તેવી ધમકી આપી હતી.

આ અંગે કેયુરગીરીએ પોતાની પત્ની હેમાદ્રી અને તેની મોટી બહેન શીતલબેન દવે સામે ફરિયાદ નોધાવતા પોલીસે આઇપીસી કલમ 323, 504, 506 (2) અને 114 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...