મુખ્યમંત્રીની વિસાવદરમાં જાહેર સભા:CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- 'કોઈપણ કામ હોય તે લઈને આવજો નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામો માટે પૈસા ખૂટવાના નથી'

જુનાગઢ5 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારને જીતાડવા માટે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જેને લઈ ઠેર-ઠેર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢની વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને ભાજપના વિસાવદર મતવિસ્તારના ઉમેદવાર હર્ષદ રિબડીયાએ રજૂઆત સ્વરૂપે મને જે કામો આપ્યાં છે તે કામો કરવાની જવાબદારી મારી છે અને વહેલી તકે તે કામો પૂર્ણ કરીશું. એ સિવાય પણ કોઈપણ કામ હોય લઈને આવજો નરેન્દ્ર ભાઈ છે ત્યાં સુધી વિકાસના કામો માટે પૈસા ખૂટવાના નથી.

ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. તેમજ 8 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આજે વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયાના સમર્થનમાં મુખ્યમંત્રી સભા સંબોધવા આવ્યાં છે. જ્યાં ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ કાર્યો થકી ઓળખાતું ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન કહેવાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ કાર્યો થકી ઓળખાતું ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે. પહેલાના સમયે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હતી ત્યારે લોકોને એવું થતું કે, બે ગામ છુટા પડી જશે, બે ભાઈઓ છુટા પડી જશે, ક્યાંક બે ધર્મ જુદા પડી જશે, ત્યારે પૂરેપૂરી રાજનીતિ અલગ હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાથી લોકોને સાથે રાખી લોકોની સાથે રાખવામાં આવતા રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે.

વધુમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને ભાજપના વિસાવદર મતવિસ્તારના ઉમેદવાર હર્ષદ રિબડીયાની વિવિધ રજૂઆતોને લઈને કહ્યું હતું કે, મને જે કામો આપ્યાં છે તે કામો કરવાની જવાબદારી મારી છે અને વહેલી તકે તે કામો પૂર્ણ કરીશું. એ સિવાય પણ કોઈપણ કામ હોય લઈને આવજો નરેન્દ્ર ભાઈ છે ત્યાં સુધી પૈસા ખૂટવાના નથી વિકાસના કામો માટે.
​​​​​​​ભાજપે ખેડૂતોના મોટાભાગના પ્રશ્નો હલ કર્યાઃ રિબડીયા
વિસાવદર મતવિસ્તારના ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં હતો ત્યારે હું કપાળે તિલક તો રોજ કરતો હતો પરંતુ હવે એક જે ઘટતું હતું તે પૂરું થઈ ગયું છે અને તે છે આ ભાજપનો ખેસ. વધુમાં હર્ષદ રીબડીયાએ કહ્યું હતું કે, જ્યારે હું કોંગ્રેસમાં હતો ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે રજૂઆત કરતો ત્યારે લોકો સાંભળવા આવતા અને મારે ગૌરવ સાથે કહેવું પડે કે, જે ભારતીય જનતા પાર્ટીનો હું સૈનિક બન્યો છું તે પાર્ટી મારા પ્રશ્નો સાંભળ્યા હતા. ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં ત્યારે મેં જે રજૂઆત કરી હતી તે ખેડૂતોના પ્રશ્નો બાબતે મોટાભાગના પ્રશ્નો હલ કર્યા તે માટે ભારતીય જનતા પાર્ટીને સલામ છે.

​​​​​​​ભાજપ પ્રમુખ કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી
જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે મુખ્યમંત્રીને વિસાવદર મતવિસ્તારના જે કામો બાકી છે તેની રજૂઆત કરી કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હમેશા વિકાસ કાર્યોથી ઓળખાઈ છે ત્યારે સિંચાઈને લગતા ડેમો બનાવવાનું, વિસાવદર ભેસાણના લોકોને રોજગારી મળી રહે તે માટે જીઆઇડીસી બનાવવી, જુનાગઢ તાલુકાના વિસ્તારમાં સિંચાઈ યોજના બનાવવાનું કામ, જેવા વિવિધ કામો કરવા જણાવ્યું છે. તેમજ વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાને વિજય બનાવી ધારાસભ્ય તરીકે જ્યારે વિધાનસભામાં મોકલીશું ત્યારે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પુરા વિશ્વાસ સાથે વહેલી તકે આ કામો પૂર્ણ કરશે તેવી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
​​​​​​​જૂનાગઢ જિલ્લાની વિસાદવદરની બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હર્ષદ રિબડીયાએ જીત મેળવી હતી. જોકે, હર્ષદ રિબડીયાએ ત્યારબાદ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ખેસ પહેર્યો છે. આ વખતેની વિધાનસભાની ચૂંટણીમાં હર્ષદ રિબડીયા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસ તરફથી કરસન વાડદોરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ભુપત ભાયાણી ઉમેદવાર છે.

અન્ય સમાચારો પણ છે...