કાર્યવાહી:વેરાવળ-સોમનાથમાં 34 જર્જરીત-જુનવાણી ઈમારતોના આસામીઓને પાલીકાએ નોટિસ ફટકારી

ગીર સોમનાથ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાત દિવસની અંદર ઇમારતનો જર્જરીત ભાગ ઉતારી લઇ સુરક્ષીત કરવા તાકીદ કરાઈ
  • તાજેતરમાં એક મકાનની જર્જરીત દિવાલ ધરાશાયી થતા એક બાળકનું મોત જ્યારે બેને ઈજા પહોંચી હતી

વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં અકસ્‍માતોને આમંત્રણ આપી રહેલી જુનવાણી અને જર્જરીત ઇમારતો અંગે એક માસુમ બાળકના મૃત્‍યુ બાદ સફાળા જાગેલા પાલીકા તંત્રએ સર્વે શરૂ કર્યો છે. જેમાં અત્‍યાર સુધીમાં જોડીયા શહેરમાં 34 જર્જરીત-જુનવાણી જોખમી ઇમારતોના માલીકોને નોટિસ પાઠવી છે અને હજુ પણ સર્વે ચાલી રહ્યો હોવાનું પાલીકા તંત્રએ જણાવ્યું છે. જે આસામીઓને નોટિસ અપાયેલ છે તેઓએ સાત દિવસની અંદર ઇમારતનો જર્જરીત ભાગ ઉતારી લઇ સુરક્ષીત કરવા તાકીદ કરી છે. જો આ બાબતે ગંભીરતાથી કામગીરી નહીં કરાવે તો પાલીકા તંત્ર આગળની કાર્યવાહી હાથ ધરશે.

તાજેતરમાં જ વેરાવળના ભિડીયા વિસ્‍તારમાં એક બંધ મકાનની જર્જરીત દિવાલ ધરાશાયી થતા એક માસુમ બાળકનું મૃત્‍યુ થયું હતું તેમજ બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ જોડીયા શહેરમાં અનેક જુનાવાણી અને જર્જરીત મકાનો ગમે ત્‍યારે પડી જવાના વાંકે ઉભી હોવાનો ગણગણાટ લોકોમાં શરૂ થયો હતો. જેને લઇ સફાળા જાગેલા પાલીકાના શાસકો અને અધિકારીઓએ કાર્યવાહી હાથ ઘરી છે.

આ અંગે માહિતી આપતા ચીફ ઓફીસર ચેતન ડુડીયા અને એન્‍જી. ભગરીથસિંહ પઢીયારએ જણાવ્યું કે, જોડીયા શહેરમાં જર્જરીત અને જુનાવાણી ઇમારતો કે જે ગમે ત્‍યારે અકસ્‍માત સર્જી શકે તેવી શકયતા હોય તેની માહિતી એકત્ર કરવા ચારેક દિવસથી સર્વેની કામગીરી શરૂ કરાવી છે. જેમાં પાલીકાના સ્‍ટાફની એક ટીમ શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં ફરી જર્જરીત અને જુનવાણી ઇમારતોની નોંધ કરી તેના માલીકની વિગતો એકત્ર કરી રહી છે. જેના આધારે પાલીકાના અધિનિયમ મુજબ જે તે આસામીને નોટિસ આપવામાં આવે છે. જે કામગીરીમાં અત્‍યાર સુધીમાં 34 જેટલા આસામીઓને પોતાની ઇમારતોનો જર્જરીત ભાગ ઉતારી લેવા નોટિસ આપી છે. આ તમામ આસામીઓએ સાત દિવસમાં પોતાની ઇમારતની મરામત કરાવી જર્જરીત ભાગ ઉતારી લઇ બાકીનું સુરક્ષ‍િત કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે. આ કામગીરી નહીં કરાવી હોય અને અકસ્‍માત થશે તો તેની જવાબદારી આસામીની રહેશે. આ મામલે પાલીકા તંત્રને આગળની કોઇ કાર્યવાહી કરવાની થશે તો તેનો તમામ ખર્ચ પણ ઇમારતના માલીક કે કબ્‍જેદારનો રહેશે.

અત્રે નોંધનીય છે કે, ભુતકાળમાં જોડીયા શહેરમાં અનેક વખત જર્જરીત ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના મૃત્‍યુ પણ થયા છે. તેમ છતા આ ગંભીર મામલે પાલીકા તંત્ર સુચક બેદરકારી દાખવી અકસ્‍માતની રાહ જોતુ હોય તેવી સ્‍થ‍િતિ વારંવાર જોવા મળે છે. જયારે આવી કોઇ ઘટના બને ત્‍યારબાદ સફાળા જાગી પાલીકા તંત્ર જર્જરીત ઇમારતોના માલીકોને નોટિસો આપી સંતોષ માનીને બેસી જાય છે. ત્‍યારે હવે જર્જરીત-જુનવાણી ઇમારતોના મામલે પાલીકા વાસ્‍તવીક કામગીરી કરી લોકોને અકસ્‍માતના ભોગ બનતા બચાવે તેવી લોકલાગણી પ્રર્વતેલ છે.

અન્ય સમાચારો પણ છે...