વ્યાજખોરોનો ત્રાસ:2 લાખ સામે 3 લાખ વ્યાજ ચૂકવ્યું છત્તાં 2 લાખ માંગ્યા

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિવાયએસપી અને સી ડિવીઝન પીએસઆઇએ ચારેય વ્યાજખોરને કાયદાનું ભાન કરાવ્યું

જૂનાગઢના એક યુવાનને પોલીસે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના ત્રાસમાંથી મુક્તિ અપાવી છે. આ અંગે મળતી વિગત મુજબ મિરાનગરના એક યુવાને કોરોનાના કપરા કાળમાં 4 લોકો પાસેથી 2 લાખ હાથ ઉછીના લીધા હતા. બાદમાં 3 લાખ ચૂકવવા છત્તાં વધુ 2 લાખની માંગણી કરી ચારેય વ્યાજખોરો ધમકી આપતા હતા. વ્યાજખોરો ઘરે આવી બેસી જતા અને અપહરણ કરવાની ધમકી સાથે રૂપિયા ન હોય તો દવા પી જવા પણ જણાવતા હતા અને અમારૂં કોઇ કંઇ નહિ બગાડી લે તેવી શેખી મારતા હતા. દરમિયાન વ્યાજખોરોના ત્રાસથી યુવાને દવા પણ પીધી હતી.

છત્તાં ત્રાસ યથાવત રહેતા ડિવાયએપીને મળી રજૂઆત કરી હતી. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સી ડિવીઝન પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફે ચારેય વ્યાજખોરોને બોલાવી પોલીસની ભાષામાં સમજાવતા હવે પોતાને કંઇ લેવાનું ન હોવાની કબુલાત આપી હતી. ત્યારે અરજદાર યુવાને પોલીસનો આભાર માનતા જણાવ્યું હતું કે, જો પોલીસે મદદ કરી ન હોત તો આખા પરિવારની જીંદગી પૂરી થઇ જાત. શહેરમાં કોઇ ગેરકાયદેસર વ્યાજ વટાઉનો ધંધો કરી હેરાન પરેશાન કરતું હોય તો ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...