તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:1 મહિને કોવિડ સેન્ટરોમાં ઓક્સિજનનો વપરાશ ઘટ્યો, હોસ્પિટલોમાં યથાવત

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તાલુકા અને ગામડામાં ઉભા થયેલા વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટરોએ રંગ રાખી દીધો
  • અછતની સ્થિતી નિયંત્રણમાં લાવી દીધી
  • કોવિડ સેન્ટરમાં માત્ર ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓ ઘટ્યા
  • હાલત વધુ ખરાબ હોય એ સીધા હોસ્પિટલે જાય છે

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા એક મહિના દરમ્યાન ગામડે-ંગામડે કોવિડ કેર સેન્ટરો ખુલી ગયા છે. જ્યાં પહેલાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ આવતા એમાં હવે ઘટાડો થયો છે. આથી આવા સેન્ટરોમાં ઓક્સિજનની જરૂરિયાતમાં મોટો ઘટાડો થયો છે. તેની સામે જેમની હાલત બગડતી જાય છે અને કોવિડ કેર સેન્ટરમાં ટ્રીટમેન્ટ થઇ શકે એમ ન હોય એવા દર્દીઓને સિવીલ હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવા પડે છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાત યથાવત છે.

જૂનાગઢના જોષીપુરામાં ખોડલધામ સમિતી દ્વારા વિનામૂલ્યે ઓક્સિજનના સિલીન્ડર રીફીલ કરી આપવાની પ્રવૃત્તિ શરૂ કરાઇ હતી. આ અંગે સમિતીના હરસુખભાઇ વઘાસિયા કહે છે, અમે જ્યારે કેન્દ્ર શરૂ કર્યું ત્યારે રોજના 100 સિલીન્ડર રીફીલ કરી આપતા. વચ્ચે થોડા દિવસ એ સંખ્યા વધીને 125 સુધી પણ પહોંચી હતી. પણ હવે વધીને 10 સિલીન્ડર માંડ ભરીએ છીએ. જ્યારે સોરઠમાં સૌપ્રથમ ઓક્સિજન બેડ સાથેનું વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર ભેંસાણમાં શરૂ થયું. આ અંગે ભેંસાણના સરપંચ ભૂપતભાઇ ભાયાણી કહે છે,અમારી પાસે ઓક્સિજનના 22 બેડ છે. પણ છેલ્લા 3 દિવસમાં 15 બેડ પર જ પેશન્ટ રહ્યા છે.

જે નવા દર્દી આવે એની હાલત સ્ટેબલ હોય છે. 10 પેશન્ટ આવે એમાંથી ઓક્સિજનની જરૂરિયાતવાળા 2 જ હોય. આમ કોવિડ કેર સેન્ટર કક્ષાએ ઓક્સિજનની જરૂરિયાત ઘટી છે. આની સામે હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાત યથાવત અને કદાચ વધી પણ છે. જૂનાગઢમાં ઓક્સિજનના નોડલ ઓફિસર વી. એસ. સરવૈયા કહે છે, જૂનાગઢ સિવીલમાં જ્યારે કોરોના નહોતો ત્યારે માંડ અડધો ટન ઓક્સિજનની જરૂરિયાત રહેતી. ગત વર્ષે એ વધીને 3.5 થી 4 ટન થઇ હતી. અત્યારે જૂનાગઢ સિવીલમાં રોજ 19 ટન ઓક્સિજન વપરાય છે. એમાં હજુ 40 થી 50 આઇસીયુના બેડ વધારવાના છીએ. એટલે રોજીંદી જરૂરિયાતમાં 3 ટનનો વધારો થશે. આમ સિવીલની જરૂરિયાત વધીને રોજના 22 ટન ઓક્સિજનની થવાનો અંદાજ છે.

સ્થિતી બગડે એ બધા હોસ્પિટલેજ આવે
અમારે હોસ્પિટલોમાં તો હજીયે બેડ ફૂલ છે. હા ઓપીડી ઘટી છે. તાલુકા લેવલે કોવિડ કેર સેન્ટરોમાં ઓક્સિજનની વ્યવસ્થા થતાં સામાન્ય હાલત હોય તો પેશન્ટ ત્યાં સચવાઇ જાય. પણ જેમની તબિયત વધુ બગડે એ બધા તો હોસ્પિટલેજ આવે. બધી ખાનગી હોસ્પિટલો રાજકોટથી ઓક્સિજન રિફીલ કરાવતી. એટલે વચ્ચે 3 દિવસ સ્થિતી થોડી હળવી થઇ ગઇ હતી. પણ હવે રાજકોટ કલેક્ટરે પણ દરેક ઓક્સિજન પ્લાન્ટમાં મામલતદાર કક્ષાના અધિકારી બેસાડી દીધા. એટલે હોસ્પિટલોને ફરી પાછી ઓક્સિજનની ખેંચ ઉભી થઇ છે. અત્યારે જૂનાગઢ શહેરની રોજની જરૂરિયાત 24 ટન ઓક્સિજનની છે. એમાં સિવીલ હોસ્પિટલ પણ આવી ગઇ. તેની સામે મળે છે 19 ટન. - અસ્તેય પુરોહિત, મેનેજીંગ ટ્રસ્ટી, ગિરનાર કોવિડ હોસ્પિટલ

ફ્રી રિફીલ કરી આપતા કેન્દ્રોમાં આવનાર ઘટ્યા
ખોડલધામ સમિતી: પહેલાં 100 થી 125 એ ઘટીને 10 થી 12 લોકો રિફીલીંગ કરાવવા આવે છે. , આર. પી. ટ્રેડીંગ, દોલતપરામાં રોજ 60 થી 70 સિલીન્ડર ભરાતા એ હવે ઘટીને 10 થી 12 થયા છે., બદાણી ટ્રેડિંગ કંપની, દોલતપરામાં રોજ 40 થી 50 સિલીન્ડરો ભરાતા એ ઘટીને 10 થી 12 થયા છે., કેસરિયા ગૌશાળા જોષીપુરામાં રોજ 30 થી 40 સિલીન્ડર ભરી આપતા ત્યાં પણ હવે 10 થી 12 સિલીન્ડર ભરાવવા લોકો આવે છે.

અન્ય સમાચારો પણ છે...