જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જલંધર ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂ પી આવેલા શખ્સને જતો રહેવા કહેતા તેણે લોખંડની કોસ ચૂલામાં ગરમ કરી ફાર્મ હાઉસના માલિકને મારવા દોડેલ જેને પકડી લેતા તેઓ શરીરે દાઝી ગયા હતા. આ અંગે ઇજાગ્રસ્ત માલિકે ફરિયાદ કરતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ ફાર્મ હાઉસમાં રહેલા પ્રવાસીઓમાં ભય પ્રસરી ગયો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ માળીયા હાટીના તાલુકાના અકાળા ગીરના અને હાલ જલંધર નજીક રાધે ફાર્મ હાઉસમાં રહેતા સુધીરભાઈ થોભણભાઈ ઝાલા (ઉ.વ.50) ગતરાત્રે તેઓ પોતાના ફાર્મ હાઉસ ખાતે બેઠા હતા. એ સમયે જલંધર ગામનો કમલેશ પાલા ગીડા નશો કરેલી હાલતમાં ત્યાં આવી બોલાચાલી કરતો હતો. ફાર્મમાં ગ્રાહકો હોવાથી સુધીરભાઈએ કમલેશને જતા રહેવા કહ્યુ હતુ. જેથી ઉશ્કેરાયેલા કમલેશે અપશબ્દો આપવા લાગેલ અને લોખંડની કોસ ચૂલામાં ગરમ કરવા મૂકી બાદમાં આ ગરમ કોસ લઈને ફાર્મ હાઉસના માલિક સુધીરભાઈ પર હુમલો કર્યો હતો. ત્યારે લોખંડની ગરમ કોસ પકડી લેતા માલીક સુધીરભાઈ હાથ- પગ શરીરે દાઝી ગયા હતા. ત્યારે ફાર્મ હાઉસમાં કામ કરતા અન્ય લોકોએ દોડી આવી સુધીરભાઈને બચાવી સારવાર માટે ખસેડયા હતા. બાદમાં આ હુમલા અંગે સુધીરભાઈ ઝાલાએ કમલેશ ગીડા સામે ફરીયાદ કરતા માળીયા હાટીના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.