વિવાદ:માળીયાહાટીનાના પીખોર ગામે મંદિર બહાર કોઇ અજાણ્‍યા શખ્‍સે વિવાદાસ્‍પદ લખાણવાળુ બેનર લાગતા હોબાળો થયો

જૂનાગઢ14 દિવસ પહેલા
પીખોર ગામ દોડી ગયેલ ડીવાયએસપી સહિતનો સ્‍ટાફ
  • ડીવાયએસપી સહિતનો પોલીસ સ્‍ટાફએ દોડી જઇ મામલો શાંત પાડ્યો
  • પોલીસે બેનર લગાડનાર ટીખળખોરની શોઘખોળ હાથ ઘરી

જૂનાગઢ જિલ્‍લાના માળીયા હાટીનાના પીખોર ગામના કાળ ભૈરવ મંદિરની દિવાલ ઉપર કોઇ ટીખળખોરો જાહેર સુચના મંદિરમાં અનુસૂચિત જાતિના લોકોએ મંદિરમાં આવવું નહીં તેવા લખાણવાળુ બોર્ડ માર્યુ હતુ. જેની જાણ થતા ડીવાયએસપી સહિતના પોલીસ સ્‍ટાફ પીખોર ગામમાં દોડી જઇ અનુ.જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ કરાવવાની સાથે આવું જાહેર સુચનાનું બોર્ડ કોણે લગાડયુ તે અંગે તપાસ હાથ ધરી હતી.

આજે જૂનાગઢ જિલ્‍લાના માળીયા હાટીના તાલુકાના પીખોર ગામે કાળભૈરવ મંદિર પાસેની દિવાલ ઉપર જાહેર સૂચના આ મંદિરની અંદર અને મંદિરના પટાંગણમાં તા.12-1-2022થી અનુસૂચિત જાતિના લોકોએ આવવું નહીં... જેની ખાસ નોંઘ લેવી.... હુકમથી પીખોર ગ્રામ પંચાયત લખાણવાળુ કાગળ પર પ્રીન્‍ટ કરેલી સુચના ચોટાડી દીઘી હતી.

આ વિવાદાસ્‍પદ લખાણવાળી સુચના ઉપર ગ્રામજનોનું ધ્યાન જતા જુથળ ગામના અનુ.સમાજના આગેવાન ભરત સોંદરવા મારફત પોલીસને જાણ કરી હતી. જેના પગલે કેશોદ ડીવાયએસપી ગઢવી, માળીયાહાટીનાના પીએસઆઈ મંઘરા સ્‍ટાફ સાથે પીખોર ગામે દોડી ગયા હતા. જ્યાં અનુસુચિત સમાજના ભરત સોંદરવા સહિતના આગેવાનો સાથે પોલીસ અધિકારીએ વાતચીત કરી ગામનો માહોલ ડહોળાતો અટકાવ્‍યો હતો.

બાદમાં અનુસુચિત સમાજના લોકોનો મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મંદિર બહાર આવું લખાણ કોણે અને શું કામ લખ્યું છે ? તે અંગે ગ્રામજનો પાસેથી વિગતો જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...