તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ગીર સોમનાથના ત્રણ તાલુકાના 34 ગામના ખેડૂતોની જમીનમાં ગેસની લાઇન કાઢવા સામે ખેડૂતોમાં રોષ

વેરાવળએક મહિનો પહેલા
લોકસુનવણીનો બહિષ્કાર કરી નીકળી ગયેલા ખેડૂતો
  • પર્યાવરણીય મંજૂરી મેળવવા માટે યોજાયેલી લોકસુનાવણીમાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો

ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં ગેસની પાઈપ લાઈન નાંખવાના પ્રોજેકટ સંદર્ભે ગીરગઢડા ખાતે યોજાયેલ લોક સુનાવણીમાં ખેડૂતોએ જોરદાર વિરોધ દર્શાવી અઘવચ્‍ચે બહિષ્‍કાર કર્યો હતો. આ અંગે ખેડૂતોએ પર્યાવરણના ભોગે ગેસની પાઈપ લાઈન નાખવાથી ખેડૂતોને મોટુ નુકસાન થશે. આ વિસ્‍તારમાં શેરડી અને ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતો મોટી સંખ્‍યામાં હોવાથી પાક લીધા પછી બાકીનો કચરો ખેતરોમાં બાળવામાં આવતો હોવાથી ગેસની પાઈપલાઈન નખાશે તો મોટુ જોખમ ઉભુ થશે તેમ કહી કિશાન સંઘના આગેવાનોએ ગેસ પાઈપ લાઈન નાંખવાની યોજનાની સંપુર્ણ વિગતો ખેડૂતોને આપવામાં આવી ન હોવાનું જણાવી લોક સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો.

જીલ્‍લાના કોડીનાર પંથક વિસ્તારમાં શાપુરજી પાલોનજી ગ્રુપ દ્વારા કોડીનારના સીમર પોર્ટ છારા બંદરથી અમરેલીના લોથપુર સુધી ખેડૂતોની જમીનમાં ગેસ પાઈપ લાઈન નાખવાના પ્રોજેકટનો વિરોધ થઇ રહેલ છે. આ પાઇપ લાઇન ગીર સોમનાથ જીલ્‍લાના ત્રણ તાલુકાના 34 ગામોના ખેડૂતોની જમીનમાં નંખાવાની છે. જેની વચ્ચે પર્યાવરણીય મંજુરી માટેની લોક સુનવણી જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ગીરગઢડા મુકામે યોજાઇ હતી. કલેકટર તથા જીપીસીબી બોર્ડના અધિકારીઓની હાજરીમાં યોજાયેલ લોક સુનાવણીમાં જીલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. સુનવણીના પ્રારંભે જ ખેડૂતોએ આ ગેસની પાઈપલાઈન દરિયા કાંઠા વિસ્તારમાં નાંખી શકાય તેમ હોવા છતા ખેડૂતોની જમીન વચ્ચે નાંખવામાં આવતી હોવાથી વિરોધ નોંધાવી ખેડૂતો લોક સુનવણી સ્થળ છોડી નિકળી ગયા હતા.

જયારે કોડીનાર કિશાન એકતા સમિતિના આગેવાનોએ ખુલ્લો આક્ષેપ કરતા જણાવેલ કે, ખેડૂતો અને પર્યાવરણના ભોગે આ ગેસ પાઈપ લાઇન નાખવા માટે યોજવામાં આવલે લોક સુનવણી એક નાટક છે. કંપની દ્વારા સરકારના તમામ અધિકારીને મોટી પ્રસાદી ઘરી કામ માટેની મંજુરી મેળવી લેવાય છે. કોડીનાર અને ઉના તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્રારા શેરડી અને ઘઉંનો પાક લે છે. પાક લીધા પછી વધેલુ વાડ થડુ સુકો કચરો ખેતરમાં જ બાળે છે. જે કામગીરી ગેસ પાઈપ લાઈન નાંખ્યા બાદ થઈ શકશે નહીં. આ યોજનાની સંપુર્ણ માહિતી અસરગ્રસ્ત ખેડૂતોને આપવી જોઈએ પરંતુ કંપની દ્વારા આવુ કરવામાં આવ્યું નથી.

સુનવણીમાં 400 પાનાના પ્રોજેકટ રીપોર્ટનો અહેવાલ અંગ્રેજી ભાષામાં રજૂ કર્યો હોય જે બાબતે પણ જબરો વિરોધ થતાં લોક સુનવણી મોકુફ રાખવાની માંગણી કરેલ તેમ છતા આ બાબતની માત્ર નોંધ લઈને લોક સુનવણી કાર્યક્રમ સંપન્‍ન થયાની જાહેરાત કરવામાં આવી હતી. અલબત તેમ છતા ખેડૂતોએ ગેસની પાઈપલાઈન નાખવામાં આવશે તો તેની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્‍ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...