• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Orphan 'Devraj' Is The Most Beautiful Lion In The Gir Forest, As Big And Slender As His 'hairy' African Lion, Which Is Not Found In Any Other Lion!

આજે વર્લ્ડ લાયન ડે:અનાથ ‘દેવરાજ’ ગીર જંગલનો સૌથી સુંદર સિંહ, એની ‘કેશવાળી’ આફ્રિકન સિંહ જેવી મોટી અને ઘટાદાર છે, જે બીજા સિંહમાં નથી જોવા મળતી!

જૂનાગઢ2 વર્ષ પહેલાલેખક: નિમીષ ઠાકર
  • કૉપી લિંક

દેખાવ માનવીનો હોય કે કોઈપણ પ્રાણીનો, એ ઘણુંખરું દરેક જીવને વારસામાં મળે છે. ગીર જંગલના સાવજોને જોવા દુનિયા આખીના પ્રવાસીઓ ગીરમાં આવે છે, પણ આ તમામને સૌથી વધુ આકર્ષણ દેવળિયા સફારી પાર્કના દેવરાજ સિંહનું હોય છે, કારણ કે એશિયાટિક સિંહમાં એ સૌથી વધુ દેખાવડો છે. સાવજ દેવરાજની આ નયનરમ્ય તસવીર ટ્રેકર સોહેલ મકવાણાએ લીધી છે. આ વાત 10 ઓગસ્ટના વિશ્વ સિંહ દિવસની છે.

5 મહિનાનો હતો ત્યારે લાવ્યા હતા
દેવરાજ પુખ્ત વયનો સાવજ છે. આશરે નવેક વર્ષ પહેલાં એનો જન્મ જંગલમાં જ થયો હતો, પણ એની માતાનું મૃત્યુ થતાં માત્ર 4 કે 5 મહિનાનો હતો ત્યારે જ વન વિભાગે એને દેવળિયા સફારી પાર્કમાં લાવ્યા હતો. અહીં જ એ ઉછરીને મોટો થયો. વન વિભાગના કહેવા મુજબ, એનો આકર્ષક દેખાવ કેશવાળીને લીધે છે. આ સિંહની કેશવાળી મોટી, એમાં કેસરી-કાળા રંગનું મેચિંગ અને ઘટાટોપ છે.

દેવાળિયામાં શિકાર કરવાનો હોતો નથી
જ્યારે જંગલમાં છૂટા ફરતા સિંહ વચ્ચે ઇન્ફાઇટ થતી હોય, એ બાવળની કાંટ, ઝાડી-ઝાંખરાં અને કાંટાળી વાડમાં ઘૂસતા હોય, આ બધાને લીધે તેની કેશવાળીના વાળ ઊખડી જતા હોય છે, પણ દેવરાજને એવી કોઇ તકલીફ વેઠવાની હોતી નથી. ત્યાં સુધી કે એને બચપણથી સફારી દેવળિયામાં તૈયાર ખોરાક જ મળતો હોઇ શિકાર કરીને ભક્ષણ કરવાનું નથી હોતું, આથી એના શરીરને ઘસરકો સુધ્ધાં નથી પહોંચતો. પરિણામે, એ સૌથી વધુ દેખાવડો છે. ગીર જંગલ અને દેવળિયા ઉપરાંત સક્કરબાગ ઝૂ, આંબરડી સહિત એકપણ સ્થળે આટલો હેન્ડસમ સિંહ તમને જોવા ન મળે એની ગેરંટી.

સિંહનો પરિભ્રમણ વિસ્તાર
સિંહની સતત વધતી વસતિને લીધે હવે એનો પરિભ્રમણ વિસ્તાર સૌરાષ્ટ્રના 30 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે 9 જિલ્લાના 53 તાલુકાને સમાવે છે.

સિંહની હાજરીમાં અમે પોતાને સુરક્ષિત અનુભવીએ
જંગલમાં ફરજ બજાવતા વનકર્મીઓના કહેવા મુજબ, પહેલી વખત એકલા જ સિંહની સામે ફરજ બજાવવાની આવે ત્યારે થોડો ડર લાગે, પણ પછી એ ક્યાં જતો રહે એની ખબર પણ ન પડે અને હવે તો અમે સિંહની સામે કે નજીકમાં બેઠા હોઇએ ત્યારે તો અમને દુનિયામાં કોઇનોય ડર ન લાગે. જાણે કે એ જ અમારું રક્ષણ કરતો હોય એવી લાગણી અમે અનુભવીએ છીએ.

કાશ્મીર, જયપુર, કોટાના રાજવીઓ સિંહના શિકાર માટે આવતા

  • વાઇસરોય લોર્ડ લિનલિથગો અને લેડી ડોરીન હોપે 1941માં ગીરમાં સિંહનો શિકાર કર્યો હતો.
  • જૂનાગઢના નવાબ મહાબત ખાનજીએ પણ સિંહનો શિકાર કર્યો હતો.
  • શાહજાદા દિલાવર ખાનજીએ ભવનાથમાં રાત્રે સિંહનો શિકાર કર્યો હતો.
  • કોટાની મહારાણીએ સિંહનો શિકાર કર્યો હતો.
  • જયપુરના મહારાજાએ પન્ના મહારાજા અને જામસાહેબ દિગ્વિજયસિંહજી સાથે સિંહનો શિકાર કર્યો હતો.
  • કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ પણ સિંહનો શિકાર કર્યો હતો.