તપાસ:શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, ચાર પીઆઇ સામે તપાસનો આદેશ

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં એક લઘુમતી સમાજની શૈક્ષણિક સંસ્થાના એક કર્મચારીને આર્થિક બાબતોને લઇ પહેલાં સસ્પેન્ડ અને બાદમાં બરતરફ કરાયો હતો. જેને પગલે તેણે ગત વર્ષે કોર્ટમાં ટ્રસ્ટીઓ, સંસ્થાના આચાર્ય તેમજ 4 પોલીસ અધિકારીઓ સામે પોતાની ફરિયાદ ન લીધા સહિતની અરજી કરી હતી. જેમાં કોર્ટે તપાસનો આદેશ આપ્યો છે.

જૂનાગઢમાં એક લઘુમતી સમુદાયની શૈક્ષણિક સંસ્થાના કર્મચારી રીયાઝભાઇ રફીકભાઇ ડામરને આર્થિક સહિતની બાબતોને લઇને સંસ્થામાંથી પહેલાં સસ્પેન્ડ અને બાદમાં બરતરફ કરી દેવાયા હતા. આથી તેમણે સંસ્થાના ટ્રસ્ટી, આચાર્ય ઉપરાંત પોતાની ફરિયાદ ન નોંધવા બદલ એ ડિવીઝન પોલીસ મથકના જુદા જુદા સમયના 4 પીઆઇ સામે કોર્ટ ફરિયાદ કરી હતી. જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે, પોતાને જૂના મનદુ:ખને લીધે નોકરીમાંથી કાઢી મૂકવા ષડયંત્ર રચાયું હતું.

જે માટે સામાવાળાએ નોટીસ અને મેમો તૈયાર કરી તેની બજવણી પોતાને કરી હોય એવું દર્શાવવા બંને દસ્તાવેજોમાં આરોપીઓએ પોતાની સહી કરી હતી. અને પોતાની સામે તપાસ સમિતીની નિમણૂંક કરી ખોટા દસ્તાવેજોને સામેલ કરીને નોકરીમાંથી કાયમી છૂટા કરી દીધા હતા. જોકે, આ મામલે ટ્રીબ્યુનલમાં પણ કેસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે તા. 4 જાન્યુ. 2017 ના રોજ એ ડિવીઝન પોલીસમાં અરજી કરી હતી.

પણ એ વખતના અને ત્યારબાદ 4 પીઆઇએ કોઇ પગલાં નહોતા લીધા. ખોટી સહીઓની એફએસએલ તપાસ પોલીસે ન કરતાં પોતે હેન્ડ રાઇટીંગ એક્ષ્પર્ટનો રીપોર્ટ મેળવી અરજી કરી હતી. તેમાં પણ પગલાં ન લેવાતાં આખરે તેમણે તા. 22 જુલાઇ 2021 ના રોજ પોતાના વકીલ જાકીર હુસેન એમ. સાંખલા દ્વારા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે સીઆરપીસીની કલમ 202 મુજબ આ ફરિયાદ શા માટે નથી નોંધાઇ એની ડીવાયએસપીને તપાસ સોંપવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...