જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં ગેસની પાઇપ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જોકે, આ કામગીરી માત્ર ગેસની કંપનીના જ ભરોસે થઇ રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાને તો કંઇ ખબર જ નથી કે લશ્કર ક્યાં લડે છે! અનેક કામગીરીની મનપા પાસે રેકર્ડ પર કોઇ માહિતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના જોષીપરામાં રહેતા અરવિંદભાઇ રાબડીયાએ જૂનાગઢમાં ચાલતી ભૂગર્ભ ગેસની પાઇપ લાઇનની કામગીરી અંગે આરટીઆઇ કરી કેટલીક માહિતી માંગી હતી. આમાં ખાસ કરીને ગેસ ચેમ્બર મૂકવા મનપા અને ગેસ કંપની વચ્ચે થયેલ કરારની નકલ, સુભાષ નગર, પુરૂષાર્થ નગરમાં નંખાતી ગેસની લાઇનના નકશા,ગેસ ચેમ્બરના કારણે અકસ્માત થાય તો વિમો ઉતારવામાં આવેલ હોય તો તેની વિગત, કેટલી ચેમ્બર મૂકવાની છે, તેનો કરાર થયેલો છે કે કેમ?
તેમજ સાકડી ગલીમાં કઇ જગ્યાએ ચેમ્બર મૂકવી અને કેટલી ઉંચાઇ રાખવી તે અંગે માહિતી મંગાઇ હતી. જોકે,આ મામલે મનપાના જાહેર માહિતી અધિકારી અને કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, આવી કોઇપણ માહિતી મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ નથી!! ત્યારે શું માત્ર જે તે કંપનીના જ ભરોસે કામગીરી થાય છેે? માનીલો કે, કોઇ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? મહાનગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગેસની પાઇપ લાઇનની કામગીરી થઇ રહી છે અને મહાનગરપાલિકા પાસે જ કોઇ રેકર્ડ નથી તે વાત આશ્ચર્ય ઉપજાવે તેવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.