• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • One Said, 'The People Will Give The Answer To The Pits And Rocks Of Junagadh On The 8th', The Other Said, 'Kejriwal Bejriwal Is Fine, Only The Old Party Will Work Here'.

જૂનાગઢના મતદારોનો મિજાજ:એકે કહ્યું, 'જૂનાગઢના ખાડા-ખડબાનો જવાબ પ્રજા 8 તારીખે આપશે', બીજાએ કહ્યું, 'કેજરીવાલ-બેજરીવાલ તો ઠીક, અહીં તો જૂની પાર્ટી જ ચાલે'

જુનાગઢ5 દિવસ પહેલા

જૂનાગઢમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ત્યારે જૂનાગઢની જનતાનો મિજાજ શું છે તેને લઈ દિવ્યભાસ્કરની ટીમે લોકો સાથે વાત કરી હતી. જેમાં એક શખ્સે કહ્યું હતું કે, જૂનાગઢમાં ખાડા ખડબા જ છે જેનો જવાબ પ્રજા 8 તારીખે આપશે. તેમજ બીજા એક શખ્સે અરવિંદ કેજરીવાલને લઈને કહ્યું કે, કેજરિવાલ તો ઠીક અહીંયા જૂની પાર્ટી જ ચાલે. જૂનાગઢની જનતા વિકાસ જંખી રહી હોવાનું સામે આવ્યું છે. લોકો મોંઘવારી, ખરાબ રસ્તા, સહિતની સમસ્યાથી ત્રસ્ત જોવા મળ્યાં હતા.

મતદારોએ પોતાનો મિજાજ જણાવ્યો
અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, મોંઘવારીના મારથી ગરીબ લોકોને જીવન જીવવું અઘરૂ થઈ ગયું છે. લોકોને ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી ગઈ છે. જે ગેસનો બાટલો 400 રૂપિયાનો આવતો હતો, તેના હાલ રૂ.1200 થઈ ગયા છે. તેલના તેમજ અનાજના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જૂનાગઢના ધારાસભ્ય કેવા હોવા જોઈએ તેના જવાબમાં લોકોએ જણાવ્યું કે, જૂનાગઢના ધારાસભ્ય એવા હોવા જોઈએ જેનો નાનાથી નાનો માણસ તુરંત સંર્પક કરી શકે અને ધારાસભ્ય તેની સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ લાવી શકે. તેમજ રોડ, ગટર, રસ્તા પર રખડતા આખલાની સમસ્યાનું નિરાકરણ લાવે તેવા ધારાસભ્યની જરૂર છે.

દિવાળી પહેલા ખોદેલો રોડ હજુ પણ બનાવવામાં આવ્યા નથી
જૂનાગઢમાં કેવો વિકાસ થયો છે તેને લઈ એક શખ્સે જણાવ્યું કે, છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાઓ ખરાબ છે. જેથી લોકોને હેરાનગતી થાય છે. બીજી તરફ રોડના પ્રશ્નો બાબતે જૂનાગઢના રહીશે જણાવ્યું કે, દિવાળી પહેલા ખોદેલો રોડ હજુ પણ બનાવવામાં આવ્યા નથી. જેને કારણે ધંધામાં પણ માર પડે છે. જૂનાગઢમાં ચારે કોર ખરાબ રોડ રસ્તાઓ સિવાય બીજું કંઈ નથી. દર વખતે ભાજપને મત દઈ જીતાડતા હતા પરંતુ હવે મત કોને આપવો?

લારી ધારકો પરેશાન
કડિયાવડ વિસ્તારની શાક માર્કેટમાં વર્ષોથી ધંધો કરતા લારી ધારકોએ જણાવ્યું હતું કે, શાક માર્કેટના ધંધાર્થીઓએ 25 વર્ષથી પોતાની લારીઓ રાખી હતી, ત્યાં હાલ દુકાનો તોડી પાડવામાં આવી છે અને નવી દુકાનો બનાવવામાં આવી છે જે 12 લાખ રૂપિયાની વહેંચાઇ રહી છે. આ મોંઘવારીના સમયમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ત્યા આ 12 લાખની દુકાનો લારી ધારકો કેવી રીતે લઈ શકે. મહાનગરપાલિકા પણ બીજી જગ્યાએ કોઈ વ્યવસ્થા નથી કરી આપતી. ચૂંટણી સમયે ઉમેદવારો કહે છે કે, અમને મત આપો પરંતુ લોકોના પ્રશ્નોનું નિરાકરણ નથી થતું.

આપ પાર્ટી નવી છે તેના પર વિશ્વાસ કરવો જોખમકારક
આમ આદમી પાર્ટીને લઈ જણાવ્યું કે, તે નવી પાર્ટી છે. તેના ઉપર વિશ્વાસ કરવો તે આપણા માટે જોખમકારક છે. દિલ્હી અને પંજાબમાં જે પણ વસ્તુ થાય છે તે સોશિયલ મીડિયામાં આવે છે તેના આધારે તેના પર વિશ્વાસ કરવો તે શક્ય નથી બનતું. અમારા કોર્પોરેટર અબ્બાસભાઈ છે જેઓ અમને તમામ રીતે મદદ કરે છે. તેઓ બધા સમાજને સાથે લઈને કામ કરે છે ત્યારે અમારે પણ આવા વ્યક્તિની જરૂર છે.
એક શખ્સે કહ્યું કે, અમારે તો જે કામ કરે તેની જરૂર છે પછી અરવિંદ કેજરીવાલની પાર્ટી હોય કે ગમે તે હોય. તેમજ એક શખ્સે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી આપણી ગુજરાતની નથી. આપણા ગુજરાતના તો મોદી સાહેબ છે. આમ આદમી પાર્ટીને નહિં પણ મોદી સરકારે જે પ્રમાણે કામ કર્યુ છે તેને લઈને અમે તો મોદી સરકારની સાથે છીએ.

સુખનાથ ચોક વોર્ડ નંબર 3ના લોકોએ પોતાના વિસ્તાર અને ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી જેવા ધારાસભ્ય જોઈએ છીએ તેવું જણાવ્યું હતું. ચુનારાવાડ વિસ્તારમાં રહેતા લોકોએ કહ્યું હતું કે, 45 વર્ષ પછી આ વિસ્તારને રોડ મળ્યો છે સારું શિક્ષણ મળ્યું છે અને સુવિધાઓ મળી છે એ માત્ર જો દેન હોય તો ભાજપના તેમના વિસ્તારના કોર્પોરેટર અબ્બાસ કુરેશીની છે. આજ વિસ્તારના કરીમાંબાદના સોસાયટીના લોકોએ કહ્યું કે, ધારાસભ્ય તો કોર્પોરેટર અબ્બાસ કુરેશી જેવા હોવા જોઈએ. કાળવા ચોક ખાતે આવેલા લિબર્ટી રોડ વિસ્તારના લોકોએ કહ્યું કે, અમારે તો ધંધો કરી ગુજરાન ચલાવવાનું હોય છે. કોઈ પણ સરકાર આવે પરંતું મોંઘવારી ઘટવી જોઈએ.

જ્યારે કેટલાક શખ્સોએ ભાજપ સરકારે અનેક વિકાસના કામો કર્યા હોવાનું જણાવ્યું હતું. એક શખ્સે જણાવ્યું કે, ભાજપે જેટલા વિકાસના કામો કર્યા છે તેટલા કામો બીજી સરકારે કર્યા નથી. ઝાંઝરડા રોડના લોકોએ કહ્યું હતું કે, ભાજપે અત્યાર સુધીમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોની વાત કરતા રહીશોએ જણાવ્યું હતું કે, 370ની કલમ હોય, રામ મંદિર હોય, કોરોના સમયનો કપરો કાળ હોય ત્યારે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીએ સારા કામો કર્યા છે. વિસ્તારના પાટીદાર સમાજના લોકોએ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાને મત આપવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...