કોરોના મહામારી વચ્ચે આજથી શરૂ થયેલ શ્રાવણ માસમાં ઝેડપ્લસ સુરક્ષા ઘરાવતા પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મંદિર સુરક્ષામાં છીંડા જેવી ગંભીર બાબત સામે આવી છે. એક તરફ કોરોનાને લીઘે આજથી શરૂ થયેલ શ્રાવણ માસ દરમિયાન મંદિરનું કવરેજ કરવા જવા માટે સોમનાથ મંદિર-પરિસરમાં પત્રકારોને મનાઇ ફરમાવવામાં આવી છે. તેમ છતાં મીડિયા સેન્ટરના બોગસ લેટર અને મંદિર સુરક્ષાના ડીવાયએસપીની ખોટી સહી સાથેનો લેટર બનાવી લેભાગુ શખ્સ મોબાઇલ સાથે મંદિરમાં પ્રવેશ કરી ફરી રહયો હતો. જે અંગે જવાબદાર પોલીસ તંત્રનું ઘ્યાન દોરવામાં આવતા સ્ટાફમાં દોડઘામ મચી હતી. આ મામલે પોલીસે અને ટ્રસ્ટ તરફતી કાર્યવાહી કરવાની વાત કરવામા આવી હતી.
ઝેડપ્લસ સુરક્ષા ઘરાવતા સોમનાથ મંદિરની સુરક્ષામાં છીંડા હોવાની સાબિતી આપતી ગંભીર ઘટના આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સામે આવી છે. જેની જાણવા મળેલ વિગતોનુસાર કોરોના મહામારીને લઇ બિનજરૂરી ભીડ એકત્ર ન થાય તે માટે શ્રાવણ માસ માટે સોમનાથ મંદિરએ અમુક પ્રતિબંઘો સાથેના નિયમો જાહેર કર્યા છે. જેમાં શ્રાવણ માસમાં મંદિરના કવરેજ માટે પત્રકારોને મનાઇ ફરમાવવામાં આવી છે. ડિજિટલ મીડિયાના માઘ્યમથી તમામ પત્રકારોને મંદિરના દર્શન-આરતી સહિતના કાર્યક્રમોના ફોટા-વિડીયો સમયસર મળી રહે તેવી વ્યવસ્થા અમલી બનાવેલ છે. કોરોનાની ગંભીરતાને ઘ્યાને રાખી આ નિયમ અને વ્યવસ્થાને પત્રકારોએ પણ સ્વીકારી સહકાર આપેલ હતો.
દરમિયાન આજથી શરૂ થયેલ શ્રાવણ માસના પ્રથમ દિને સોમનાથમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયુ હતુ. એવા સમયે તકનો લાભ લઇ ગીર સોમનાથ મીડિયા સેન્ટરનો સોમનાથ મંદિરના ડીવાયએસપીની સહીવાળો બોગસ મંજૂરી વાળો પત્ર લઇ એક લેભાગુ શખ્સ દ્રારા મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશ કરી અન્ય લોકોને પણ પોતાની સાથે લઈ જઈ વીઆઇપી દર્શન કરાવી રહેલ હતો. જેમાં પ્રવેશદ્રાર પરના નાના કર્મચારીઓ પર રોફ જમાવી રહયો હોવાની ચર્ચાઓ શરૂ થઇ હતી. આ શખ્સ મોબાઇલ સાથે મંદિરમાં ફરતો હોવા અંગે જવાબદાર પોલીસ અઘિકારીઓનું ઘ્યાન દોરતા ઘડીભર દોડઘામ મચી ગયેલ હતી અને એ જ સમયે લેભાગુ શખ્સ મંદિર છોડી જતો રહયો હતો.
જો કે, આ મામલે મંદિરના ડીવાયએસપી ઉપાઘ્યાયને પૂછતા તેઓએ આવી કોઇ મંજૂરી ન આપી હોવાનું જણાવેલ હતું. પરંતુ મંદિર સુરક્ષાની ચેકિંગ વ્યવસ્થા પર આ લેભાગુ શખ્સ દ્વારા સ્થાનિક સુરક્ષા કર્મચારીને બોગસ લેટર બતાવી આપેલ અને મીડિયા કર્મીના નામે પ્રવેશ મેળવેલ જે બોગસ લેટર પણ સુરક્ષા વિભાગ પાસે મોજુદ છે. સુરક્ષાની દ્રષ્ટિએ અતિ ગંભીર બાબત તો એ છે કે આ બોગસ લેટરમાં મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી એવા ડીવાયએસપી ઉપાધ્યાય ની બનાવટી સહી કરેલ છે. આ ગંભીર બાબતે જયારે જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ તપાસ કરાવી લેભાગુ શખ્સ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.
અત્રે નોંઘનીય છે કે, સોમનાથ મંદિરમાં સામાન્ય લોકોને દર્શન કરવા જતા પૂર્વે અનેક નિયમોનું સુરક્ષા વિભાગ ચુસ્તપણે પાલન કરાવવામાં બાંઘછોડ કરતુ નથી. જે સરાહનીય બાબત છે તો બીજી તરફ મીડિયા સેન્ટર ના નામે લેભાગુ ઈસમ બનાવટી લેટર બતાવી બિન્દાસ મોબાઈલ સાથે મંદિર માં પ્રવેશ મેળવી સોમનાથ મંદિર ની કહેવાતી ઝેડ પલ્સ સુરક્ષા સામે સવાલો સર્જી દીધા છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે સવારે હજારો લોકો દર્શનાર્થે મંદિરે ઉમટયા હતા. એવા સમયે લેભાગુ શખ્સ દ્રારા બોગસ મંજૂરીના લેટર સાથે પ્રવેશ કરી મંદિર સુરક્ષામાં કેવા છીંડા છુપાયેલા છે તે સામે લાવી દીઘા હતા. જેથી હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર નજર રહેશે. મીડિયાના નામે સોમનાથ મંદિર સુરક્ષામાં થયેલ ગંભીર બેદરકારી મામલે સ્થાનિક પત્રકારો દ્વારા જવાબદાર ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજુઆત કરી આવા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.