શિવની ભકિત એવા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 52 ગજની ધજા ચડાવવા દૂર-દૂરથી શિવભકતો આસ્થા સાથે આવતા હોય છે. તેમાં પણ શ્રાવણિયા સોમવારે સોમનાથ મહાદેવને ધજા ચડાવવાની માનતાઓ પણ ઘણા શિવભકતો રાખતા હોય છે. જો કે, વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધજા સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્રારા જ ચડાવવામાં આવે છે. ત્યારબાદ શિવ ભકતોની ધજા ચડાવાય છે. ત્યારે આજે પણ પરંપરા મુજબ પ્રથમ ધજા ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરીની અને બીજી ધજા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફથી ચડાવવામા આવી હતી.
151 ફૂટ ઊંચા શિખર પર ફરકાવાય છે 52 ગજની ધજા
શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ધજા ચડાવવા અંગે વર્ષો જુની પરંપરા અમલમાં છે. જે અંગે મંદિર ટ્રસ્ટમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોમનાથ મંદિરનું શિખર 151 ફૂટ ઉંચુ છે. દિવસ દરમિયાન 52 ગજની ધજા ચડાવવાની મર્યાદા નથી. જેના કારણે જેટલા શિવભકતો સવારે 8 થી સાંજે 6 વાગ્યા દરમિયાન આવે તેઓ ધજા ચડાવી શકે છે.
કોઈપણ શિવભક્ત નિયત પૂજાવિઘિ નોંઘાવી ધજા ચડાવી શકે છે
સોમનાથ મંદિર પર દરરોજ ધજા ચડાવવાની કોઈ સંખ્યા નક્કી કરવામા આવી નથી. જેથી કોઈપણ શિવભક્ત જરુરી ફી ભરી ધજા ચડાવી શકે છે. જેના માટે પ્રથમ શિવભકત દ્રારા મંદિર ખાતે પૂજા-વિઘિ કાઉન્ટરમાં રૂ.11 હજાર ભરી ધજારોહણ પૂજાવિઘિ નોંઘાવી પડે છે. જયાંથી પહોંચ આપે તે લઇ ભકતએ મંદિરના પૂજારીને દેખાડવાની રહે છે. જેથી મંદિર પરિસરમાં શિવભકતના હસ્તે ધજાપૂજા વિઘિ કરાવવામાં આવે છે. જેમાં શિવભકત પરિવાર સાથે પણ ધજાપૂજાનો લ્હાવો લઇ શકે છે. અડઘો કલાક ધજાપૂજા થયા બાદ મંદિર ટ્રસ્ટના કર્મચારીને પૂજન કરાયેલ ધજા અર્પણ કરવાની હોય છે. જે કર્મચારી મંદિરના 151 ફૂટ ઊંચા શિખર પર ચડાવી આપે છે.શિવભકતના હસ્તે થયેલ ધજા પરિસરમાં ઉભા રહી શિખર પર ધજા ફરકતી નિહાળી શકે છે. આ સમયે શિખર પર ઉતારેલી ફરકતી ધજા કર્મચારી નીચે લાવી ધજા ચડાવનાર શિવભકતને અર્પણ કરે છે.
શ્રાવણ માસના સોમવારે સરેરાશ 20 ધજા ચડાવવામા આવે છે
સોમનાથ મંદિરે બારે માસ 52 ગજની ધજા ચડાવી શકાય છે. તેમાં મહાશિવરાત્રિના દિવસે અને શ્રાવણ માસના સોમવારે સોમનાથ મહાદેવને ધજા ચડાવવાનું ખાસ મહત્વ હોય છે. જેથી શિવરાત્રીના દિવસે અને શ્રાવણીયા સોમવારે સોમનાથ મંદિર પર ભાવિકો દ્વારા 20 જેટલી ધજા ચડાવવામા આવે છે.દર વર્ષે સોમનાથ આવતા શિવભકતોની સંખ્યા વઘી રહી છે તેમ તેમ સોમનાથ મહાદેવને ધજા ચડાવવાની સંખ્યામાં પણ નોંઘપાત્ર વઘારો થતો જોવા મળી રહયો હોવાનું જાણવા મળેલ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિર પર કુલ 31 ધજાઓ ચડાવવામ આવી હતી.
ધજા ચડાવવા માટે કાર્યરત કરેલ નવી વ્યવસ્થા થોડા દિવસોથી બંઘ
સૌરાષ્ટ્રના પ્રખ્યાત ખોડલઘામ મંદિર ખાતે ધજા ચડાવવા માટેની કાર્યરત સિસ્ટમ તાજેતરમાં જ સોમનાથ મંદિર ખાતે ફીટ કરી કાર્યરત કરવામાં આવી હતી. આ સિસ્ટમનું થોડા દિવસ પૂર્વે ટેસ્ટીંગ પૂર્ણ થતા સોમનાથ મંદિરે આવતા ભાવિકો માટે નવી સિસ્ટમ બારેક દિવસ પહેલા કાર્યરત કરવામાં આવી હતી. બાદમાં નવી સીસ્ટમ કોઇ ટેકનીકલ કારણોસર બંઘ હોવાથી આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે ઉપર જણાવ્યા મુજબ અગાઉની જુની પદ્ધતિથી ધજા ચડાવવામાં આવી રહેલ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.