પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ દિવસ- સોમવારે વહેલી સવારથી પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરએ શિવભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથનાં દર્શન માટે લોકોની લાંબી લાઇન લાગી છે. સોમનાથમાં શિવલિંગનાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા. જ્યારે ભીડ એકત્ર ન થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇન્સ મુજબ, ભાવિકો દર્શન કરી શકે એ માટે તમામ વ્યવસ્થા કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટના પી.કે. લહેરીના હસ્તે શ્રાવણ માસની પ્રથમ નૂતન ધ્વજારોહણ પૂજાવિધિ થઈ હતી. જ્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતેથી એક શિવભક્ત પગપાળા ચાલી નર્મદા માતાનું પવિત્ર જળ લઈ સોમનાથ પહોંચ્યા છે.
સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે 4 વાગ્યે ખૂલ્યા
આજથી શિવની ભક્તિ માટે પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી શિવભક્તોમાં દેવાધિ દેવ મહાદેવને શીશ ઝુકાવવા અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે. આજે જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે 4 વાગ્યે ખૂલ્યા ત્યારે શિવભક્તોનો મોટો સમૂહ પરિસરમાં કતારબંધ લાઈનમાં ઊભા હતા. ભક્તોના 'હર હર મહાદેવ... ૐ નમઃ શિવાય'ના નાદથી પરિસરનું વાતાવરણ શિવમય બની ગયું હતું. કોરોનાના નિયમનું પાલન કરતા શિવભક્તો કતારબંધ લાઇનમાં મંદિરમાં પ્રવેશ કરી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા.
ઓનલાઇન-ઓફલાઇન પાસ લઈને જ ભાવિકો દર્શન માટે જઈ શકશે
કોરોના મહામારીને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ સહિતના તંત્રએ ભાવિકોને દર્શન માટે અનેક પ્રતિબંધો સાથે નિયમો જાહેર કર્યા છે, જેમાં ઓનલાઈન-ઓફલાઇન પાસ લઈને જ ભાવિકો દર્શન માટે જઈ શકશે. ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યે થતી ત્રણ ટાઈમ આરતીમાં ભાવિકોને પ્રવેશ મળી શકશે નહીં. આ સહિતના તમામ નિયમોનું આજે સવારથી સોમનાથ આવતા ભાવિકો પાસે તંત્રએ તહેનાત કરાવેલા સુરક્ષા જવાનો અને સ્ટાફ પાલન કરાવી રહ્યો હતો.
મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શિવભક્ત પગપાળા સોમનાથ આવ્યો
શ્રાવણ માસના આજે પ્રથમ દિવસે નર્મદા માતાનું પવિત્ર જળ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતેથી એક શિવભક્ત પગપાળા લઈ પહોંચ્યો છે. ઓમકારેશ્વરના કાવડિયા રાજેશબાપુ પગપાળા દોઢ માસનો પ્રવાસ કરી નર્મદા નદીનું જળ કળશમાં ભરી સાથે લઈ આવ્યો હતો. આજે આ જળ રાજેશ બાપુએ સ્વહસ્તે સોમનાથ મહાદેવને ચડાવ્યું હતું. કોરોના મહામારીથી ભારત દેશ અને વિશ્વને મુક્ત કરાવે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ધ્વજારોહણ થઈ
શ્રાવણ માસના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટના પી.કે.લહેરીના હસ્તે શ્રાવણ માસનું પ્રથમ નૂતન ધ્વજારોહણ પૂજાવિધિ થઈ હતી. બન્ને મહાનુભાવોએ કોરોના મહામારીથી મુક્તિ અપાવવા અને રાજ્યના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ ધ્વજા પૂજાવિધિમાં બન્નેનાં પરિવારજનો સાથે રહ્યાં હતાં.
શ્રાવણના પ્રથમ દિવસે 30 હજાર કરતા વધુ ભાવિકોએ દર્શન કર્યા
આજે શ્રાવણ માસના પ્રથમ દિવસ સોમવારે સવારે 4 થી સાંજે 6 વાગ્યા દરમ્યાન 30 હજારથી વધુ શિવ ભક્તો સોમનાથ મંદિરે શીશ ઝુકાવવા આવ્યા છે. હજુ મંદિર રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેનાર હોય ભાવિકોનો આંકડો વધશે. જ્યારે આજે શ્રાવણ સુદ એકમ ના દિવસે સાંજે સાય આરતી સમયે સોમનાથ મહાદેવને બોરસલી અને પુષ્પોનો અલૌકિક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની ગયા હતા.શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા 31 જેટલી ધ્વજા પુજા કરી ચડાવવામાં આવી છે. જ્યારે 12 તત્કાલ મહાપૂજા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.